<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

સર્વોચ્ચ અદાલતની મહત્વની ટિપ્પણી: અકસ્માતમાં સંતાન ગુમાવનારા માતા-પિતાના દુઃખ અને નુકસાનને 'ગાણિતિક ચોકસાઈ'થી ન તોલી શકાય!

CA ના તેજસ્વી વિદ્યાર્થીના અપમૃત્યુ બદલ વીમા કંપનીની દલીલો ફગાવી, સુપ્રીમ કોર્ટે વૃદ્ધ માતા-પિતાને ₹82 લાખનું વળતર ચૂકવવા આદેશ આપ્યો

નવી દિલ્હી, તા.26: માર્ગ અકસ્માતના એક અત્યંત સંવેદનશીલ કેસમાં સુપ્રીમ કોર્ટે દેશની વીમા કંપનીઓની નફાખોરીની માનસિકતાને આંચકો આપતો એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ અને કડક શબ્દોમાં અવલોકન કર્યું છે કે, કોઈ અકસ્માતમાં પોતાનું વહાલસોયું સંતાન ગુમાવનારા માતા-પિતાના આજીવન નુકસાન અને પીડાને કોઈ 'અંકગણિતીય ચોકસાઈ' કે ચોક્કસ ગાણિતિક ફોર્મ્યુલાથી માપી શકાતી નથી. મોટર વાહન અધિનિયમ (MV Act) હેઠળ વળતર આપવાનો મૂળ હેતુ પીડિત પરિવારને ન્યાયી અને સન્માનજનક સહારો આપવાનો છે, નહીં કે કોઈ અકાઉન્ટિંગની ગણતરી કરવાનો.
આશાસ્પદ યુવાનનું અંધારામાં છીનવાયું હતું જીવન
જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે 'ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની' દ્વારા દાખલ કરાયેલી અરજીને સદંતર ફગાવી દેતા આ ચુકાદો આપ્યો છે. વર્ષ 2013 માં દિલ્હીમાં વહેલી સવારે 3 વાગ્યે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો, જેમાં સીએ (CA Final) નો અભ્યાસ કરી રહેલા અને આર્ટિકલશિપ કરી રહેલા 20 વર્ષીય તેજસ્વી વિદ્યાર્થી આકાશ કુમારની કાર રસ્તા પર ગેરકાયદેસર અને કોઈપણ પ્રકારની પાર્કિંગ લાઈટ કે રિફ્લેક્ટર વિના ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. આ અંધારપટમાં થયેલા અકસ્માતમાં આકાશે જીવ ગુમાવ્યો હતો. જે બાદ ક્લેમ ટ્રિબ્યુનલ અને દિલ્હી હાઈકોર્ટે ટ્રક ડ્રાઈવરની બેદરકારી ગણી પરિવારને ₹81.21 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો, જેને વીમા કંપનીએ વધુ પડતું ગણાવી સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું હતું.
વીમા કંપનીની દલીલો ફગાવી, વળતરમાં ઉલટો વધારો કર્યો!
સુપ્રીમ કોર્ટે વીમા કંપનીની અરજી ફગાવતા ભાવુક સુરમાં નોંધ્યું કે, "એક યુવાન દીકરો જે પોતાની કારકિર્દીના ઉંબરે ઊભો હતો, તેના જવાના કારણે પરિવારને જે ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે તેને નાણાકીય ત્રાજવે તોલી શકાય નહીં." આ સાથે જ અદાલતે સુધારાવાદી અભિગમ અપનાવીને જણાવ્યું કે, અગાઉની કોર્ટો દ્વારા માતા-પિતાના માનસિક આઘાત અને સ્નેહના નુકસાન (Filial Consortum) પેટે કોઈ રકમ અપાઈ નહોતી. તેથી સુપ્રીમ કોર્ટે વળતરની રકમ ₹81.21 લાખથી વધારીને ₹82.01 લાખ કરી દીધી છે અને વીમા કંપનીને ચાર અઠવાડિયામાં આ રકમ વ્યાજ સાથે જમા કરાવવા આદેશ આપ્યો છે.
સર્વોચ્ચ અદાલતની હૃદયસ્પર્શી ટિપ્પણી:
"જ્યારે એક વહાલસોયું સંતાન કાળના ગાલમાં સમાઈ જાય છે, ત્યારે પરિવાર પર જે વીતે છે તેની કિંમત કોઈ કાગળ પર નથી માંડી શકાતી. મોટર વ્હીકલ એક્ટ હેઠળ અપાતું 'વાજબી વળતર' એવા અસહાય લોકોને માત્ર એક સાંત્વના આપવાનો કાયદાકીય અને માનવીય પ્રયાસ છે જેમણે સર્વસ્વ ગુમાવી દીધું છે. કાયદાનું અર્થઘટન હંમેશા ન્યાયને આગળ ધપાવવા માટે હોવું જોઈએ, ટેકનિકલ ગણતરીઓમાં ભોગ બનેલાઓને ગૂંચવવા માટે નહીં."
અટકળોના આધારે અતિશય વધારો પણ ન થઈ શકે
આ કેસમાં મૃતકના માતા-પિતાએ પણ વળતરની રકમ હજુ વધારવા માંગ કરી હતી અને દલીલ કરી હતી કે તેમનો પુત્ર ભવિષ્યમાં ખૂબ મોટો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનત. જો કે, સુપ્રીમ કોર્ટે આ માગને પણ નમ્રતાપૂર્વક નકારી કાઢી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે વળતર આપતી વખતે અતિશય કલ્પનાઓ કે અટકળોના ક્ષેત્રમાં ન પ્રવેશી શકાય કે તે ભવિષ્યમાં સફળતાના કયા શિખરો સર કરત. કોર્ટે બંને પક્ષોને સમાન ન્યાય આપીને હાઈકોર્ટે નક્કી કરેલી રકમને જ યોગ્ય ગણાવી તેમાં પરંપરાગત વડા હેઠળ જરૂરી સુધારો કર્યો છે.

(4:16 PM IST)