હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પેન્ટાગોન દ્વારા યુએફઓ અંગેના અત્યાર સુધીના સૌથી સ્પષ્ટ વીડિયો અને દસ્તાવેજો સહિત વધુ 40 ગુપ્ત ફાઇલો જાહેર : અજાણી ઉડતી વસ્તુઓ અંગે વર્ષ 1948 થી 2025 સુધીના રહસ્યમય કિસ્સાઓનો સનસનાટીભર્યો ખુલાસો : જુઓ વિડીયો
અમેરિકી સંરક્ષણ મંત્રાલયે 'પર્સ્યુ' સિસ્ટમ હેઠળ ચોથો મોટો જથ્થો સાર્વજનિક કર્યો : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંપૂર્ણ પારદર્શિતાનો વાયદો પૂરો કર્યો હોવાનો દાવો કર્યો : સ્પેસ શટલ કોલંબિયાના ફોટોગ્રાફ્સ, ન્યૂ મેક્સિકોની પરમાણુ ફેસિલીટી પર દેખાયેલા ગ્રીન ફાયરબોલ્સ અને પાઇલટ્સના ચોંકાવનારા રેકોર્ડિંગ્સથી દુનિયાભરમાં ભારે કુતૂહલ

વોશિંગ્ટન: અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોન દ્વારા અનઆઇડેન્ટિફાઇડ એનોમલસ ફિનોમિના એટલે કે યુએફઓ (UFO) અંગેના દસ્તાવેજો અને વીડિયોનો ચોથો મોટો જથ્થો જાહેર કરવામાં આવ્યો છે. ચીફ પેન્ટાગોન સ્પોક્સમેન સીન પાર્નેલ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સત્તાવાર જાહેરાત કરીને જણાવવામાં આવ્યું છે કે, 'પ્રેસિડેન્શિયલ અનસીલિંગ એન્ડ રિપોર્ટિંગ સિસ્ટમ ફોર યુએપી એન્કાઉન્ટર્સ' (PURSUE) અંતર્ગત ડીક્લાસિફાઇડ અને ઐતિહાસિક ફાઇલોને સાર્વજનિક આર્કાઇવમાં ઉમેરવામાં આવી છે. આ નવીનતમ રીલીઝમાં કુલ 40 નવી ફાઇલો સામેલ છે, જેમાં 14 દસ્તાવેજો, 19 વીડિયો, ચાર ઓડિયો ફાઇલો અને ત્રણ તસવીરોનો સમાવેશ થાય છે. આ તમામ રેકોર્ડ્સ વર્ષ 1948 થી લઈને વર્ષ 2025 સુધીના સમયગાળાના છે, જે પેન્ટાગોન, નાસા, સીઆઇએ, એફબીઆઇ અને ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી જેવી પ્રતિષ્ઠિત એજન્સીઓ પાસેથી એકત્રિત કરવામાં આવ્યા છે. સંશોધકોના મતે આ સરકારી ફાઇલોમાં અત્યાર સુધીનું સૌથી સ્પષ્ટ ફૂટેજ ઉપલબ્ધ છે, જેમાં વર્ષ 2020માં યુએસ મિલિટરી પ્લેટફોર્મ પર લાગેલા ઇન્ફ્રારેડ સેન્સર દ્વારા એક વિશાળ બે સ્તરવાળી અજાણી વસ્તુ કેમેરામાં કેદ થયેલી જોવા મળે છે.
1948માં યુએફઓનો પીછો કરતાં નેશનલ ગાર્ડના પાઇલટનું મોત થયું હતું:
આ સાર્વજનિક કરાયેલા દસ્તાવેજોમાં એર ઇન્ટેલિજન્સ ડિવિઝનનો 28 એપ્રિલ 1949નો એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે, જેમાં પ્રોજેક્ટ સાઇન અંતર્ગત વર્ષ 1948-1949 દરમિયાન હાથ ધરાયેલી તપાસની વિગતો છે. આ દસ્તાવેજ મુજબ, 7 જાન્યુઆરી 1948ના રોજ એક નેશનલ ગાર્ડના પાઇલટ 30,000 ફૂટની ઊંચાઈ પર એક અજાણી વસ્તુનો પીછો કરી રહ્યા હતા ત્યારે રહસ્યમય સંજોગોમાં વિમાન ક્રેશ થતાં તેમનું મોત નીપજ્યું હતું. તપાસકર્તાઓનું માનવું છે કે પાઇલટનું વિમાન ક્રેશ થતાં પહેલાં તેમના શરીરમાં અથવા મગજમાં ઓક્સિજન સંપૂર્ણપણે ખલાસ થઈ જવાની તબીબી સ્થિતિ 'એનોક્સિયા' સર્જાઈ હોઈ શકે છે. જો કે, પાઇલટે કંટ્રોલ ટાવરને મોકલેલા પોતાના અંતિમ રેડિયો સંદેશામાં જણાવ્યું હતું કે, "મારી બરાબર સામે અને થોડે ઉપર અતિ વિશાળ કદની એક ધાતુની વસ્તુ દેખાઈ રહી છે અને હું વધુ નજીકથી જોવા માટે તેની પાસે જવાનો પ્રયાસ કરી રહ્યો છું." આ ટ્રાન્સક્રિપ્ટ અજાણી ઉડતી વસ્તુઓના અસ્તિત્વ તરફ મોટો ઈશારો કરે છે.
ન્યૂ મેક્સિકો પરમાણુ મથક પર દેખાયેલા 'ગ્રીન ફાયરબોલ્સ' વૈજ્ઞાનિકો માટે વણઉકેલાયેલ કોયડો:
વર્ષ 1949માં લોસ એલામોસ સાયન્ટિફિક લેબોરેટરી, ન્યૂ મેક્સિકો ખાતે દેશના અગ્રણી ભૌતિકશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોની એક મહત્ત્વપૂર્ણ કોન્ફરન્સ યોજાઈ હતી, જેની ટ્રાન્સક્રિપ્ટ પણ આ યાદીમાં જાહેર કરાઈ છે. આ કોન્ફરન્સમાં વૈજ્ઞાનિકોએ ન્યૂ મેક્સિકોના પરમાણુ મથક પર દેખાયેલા વિચિત્ર 'લીલા રંગના અગનગોળા' (ગ્રીન ફાયરબોલ્સ) અંગે ગહન ચર્ચા કરી હતી. કેટલાક હાજર તજજ્ઞોએ આ વસ્તુઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશેલા ઉલ્કાપિંડ હોવાની થિયરી રજૂ કરી હતી, પરંતુ એક પ્રખ્યાત ખગોળશાસ્ત્રીએ આ દલીલને નકારતા સ્પષ્ટ કર્યું હતું કે ઉલ્કાપાતના ઇતિહાસમાં ક્યારેય પણ આ પ્રકારની ઘટના કે લક્ષણો જોવા મળ્યા નથી, જેથી આ ઘટના આજે પણ એક વણઉકેલાયેલું રહસ્ય બની રહી છે.
28 વર્ષની સેનાની નોકરીમાં ક્યારેય ન જોઈ હોય તેવી સ્પીડ ધરાવતી વસ્તુ આકાશમાં દેખાઈ:
પેન્ટાગોનના આર્કાઇવમાં યુએસ નેવી દ્વારા વર્ષ 2019માં તૈયાર કરાયેલું એક 'રેન્જ ફાઉલર રિપોર્ટિંગ ફોર્મ' પણ સામેલ છે, જેનો ઉપયોગ લશ્કરી તાલીમ અથવા ઓપરેશન દરમિયાન નિયંત્રિત એરસ્પેસમાં ગેરકાયદેસર ઘૂસણખોરીની નોંધ રાખવા માટે થાય છે. આ રિપોર્ટમાં એક અનુભવી એવિયેટરે નોંધ્યું હતું કે, "સેનાની બે અલગ-અલગ પાંખો યુએસએએફ (USAF) અને નેવીમાં મારી 28 વર્ષની નોકરી દરમિયાન મેં ક્યારેય ન જોઈ હોય તેવી અસાધારણ ફ્લાઇટ કેરેક્ટરિસ્ટિક્સ (ઉડવાની ક્ષમતા અને ઝડપ) ધરાવતી એક વસ્તુ મિશન સોર્ટીઝ દરમિયાન મારી નજરે પડી હતી. મારી સાથે રહેલા સમાન અથવા મારાથી વધુ અનુભવ ધરાવતા અન્ય અધિકારીઓ પણ આ આકાશી વસ્તુ શું હોઈ શકે તે અંગે સંપૂર્ણ અસમંજસમાં હતા."
સ્પેસ શટલ કોલંબિયાના અંતરિક્ષયાત્રીઓએ કેદ કરેલી તસવીરો અને તાજેતરનો વીડિયો:
આ જાહેર કરાયેલા દસ્તાવેજોમાં વર્ષ 1996ની એક ઐતિહાસિક ઘટનાનો પણ સમાવેશ થાય છે. 19 નવેમ્બરથી 7 ડિસેમ્બર 1996 દરમિયાન સ્પેસ શટલ કોલંબિયા (STS-80) ના મિશન પર ગયેલા અંતરિક્ષયાત્રીઓએ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં એક અજાણી વસ્તુ જોઈ હતી અને તેના ત્રણ ફોટોગ્રાફ્સ લીધા હતા, જેમાં પૃથ્વીની ક્ષિતિજની નજીક આ વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય છે. આ ઉપરાંત, યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ડો-પેસિફિક કમાન્ડે તાજેતરમાં વર્ષ 2025માં યુએસ મિલિટરી પ્લેટફોર્મ પરથી ઇન્ફ્રારેડ સેન્સર દ્વારા લેવાયેલું 18 સેકન્ડનું એક વીડિયો ફૂટેજ પણ ઓલ-ડોમેન એનોમલી રિઝોલ્યુશન ઓફિસ (AARO) ને સુપરત કર્યું છે, જે આ નવીનતમ દસ્તાવેજોનો એક ભાગ છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ 12 જલાકમાં વેબસાઇટ પર 34 કરોડ હિટ્સ નોંધાઈ:
આ રહસ્યમય સરકારી દસ્તાવેજો જાહેર કરવા માટે પેન્ટાગોન દ્વારા ગત 8 મેના રોજ એક ખાસ વેબસાઇટ શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય ખાનગી ક્ષેત્રના વિશ્લેષકો અને નિષ્ણાતો આ ડેટાનો અભ્યાસ કરી શકે તે માટેનો છે. વેબસાઇટ લોન્ચ થયાના ગણતરીના કલાકોમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આ અંગે જાહેરાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે, "જનતાને આપેલા મારા વચન મુજબ, સંપૂર્ણ અને મહત્તમ પારદર્શિતા લાવવાના પ્રયાસરૂપે મેં મારા વહીવટીતંત્રને એલિયન, એક્સ્ટ્રાટેરેસ્ટ્રિયલ લાઇફ અને યુએફઓ સંબંધિત સરકારી ફાઇલો સાર્વજનિક કરવાનો નિર્દેશ આપ્યો હતો. અગાઉની સરકારો આ વિષય પર પારદર્શક રહેવામાં નિષ્ફળ રહી છે, પરંતુ હવે આ નવા દસ્તાવેજો અને વીડિયો જોઈને લોકો પોતે જ સત્ય નક્કી કરી શકશે." ચીફ પેન્ટાગોન સ્પોક્સમેન સીન પાર્નેલના જણાવ્યા અનુસાર, આ જાહેરાતના માત્ર 12 કલાકની અંદર જ દુનિયાભરના સત્ય શોધકો અને અમેરિકન નાગરિકો દ્વારા આ વેબસાઇટ પર રેકોર્ડબ્રેક 340 મિલિયન (34 કરોડ) હિટ્સ નોંધાઈ હતી. વહીવટીતંત્ર દ્વારા આગામી સમયમાં પણ આવી ફાઇલો સતત જાહેર કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
