News of Monday, 21st September 2026
ભારતીય સેનાની તાકાતમાં વધારો: T-72 અને T-90 યુદ્ધ ટેન્કો માટે રૂ. 586 કરોડની ઐતિહાસિક સ્વદેશી ડીલ પર હસ્તાક્ષર
'આત્મનિર્ભર ભારત' તરફ વધુ એક મજબૂત કદમ: ઓક્ઝિલરી પાવર યુનિટ્સ (APUs) ના ઉમેરાથી સશસ્ત્ર દળોની માર્શલ પાવર અને કાર્યક્ષમતા વધુ અદ્યત બનશે

નવી દિલ્હી : ભારતીય સેનાની મારક ક્ષમતા અને સરહદ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ અજેય બનાવવા માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય સેનાની કરોડરજ્જુ સમાન ગણાતી T-72 અને T-90 મુખ્ય યુદ્ધ ટેન્કો (MBTs) ની તાકાતમાં વધારો કરવા માટે રૂ. 586 કરોડના ખર્ચે સ્વદેશી ઓક્ઝિલરી પાવર યુનિટ્સ (APUs) ની ખરીદી માટેનો કરાર કરવામાં આવ્યો છે. સંરક્ષણ ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ એક સીમાચિહ્નરૂપ પગલું સાબિત થશે.
નવી દિલ્હી ખાતે રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહની વિશેષ ઉપસ્થિતિમાં 'એક્યુરેટ ઇન્ડસ્ટ્રિયલ કંટ્રોલ્સ પ્રાઇવેટ લિમિટેડ' સાથે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ઓક્ઝિલરી પાવર યુનિટ્સ (APUs) ટેન્કની અંદરની વિવિધ મહત્વપૂર્ણ પ્રણાલીઓને સતત પાવર પૂરો પાડવાનું કાર્ય કરે છે. સંરક્ષણ મંત્રાલયના નિવેદન અનુસાર, આ સ્વદેશી ઉપકરણોના સમાવેશથી સેનાના મિકેનાઇઝ્ડ ફોર્મેશન્સની યુદ્ધ સજ્જતા, મશીનની વિશ્વસનીયતા અને સતત કાર્ય કરવાની ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો થશે.
સ્વદેશીકરણ અને 'મેક-II' શ્રેણીની મોટી સફળતા
આ ડીલ માત્ર ટેન્કોની તાકાત વધારવા પૂરતી સીમિત નથી, પરંતુ તે સંરક્ષણ ક્ષેત્રે દેશના સ્વદેશીકરણના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મોટી સફળતા છે. 'મેક-II' શ્રેણી અંતર્ગત હાથ ધરવામાં આવેલા ઉદ્યોગ-આધારિત સંશોધન અને વિકાસ (R&D) ને હવે પ્રત્યક્ષ ઉત્પાદન અને સેનામાં સામેલ કરવાની પ્રક્રિયામાં સફળતાપૂર્વક પરિવર્તિત કરવામાં આવ્યા છે. દુશ્મનોના દાંત ખટાડવા માટે સદૈવ તત્પર રહેતી ભારતીય સેના હવે અદ્યતન સ્વદેશી ટેક્નોલોજીથી સજ્જ થઈને વધુ શક્તિશાળી બની રહી છે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
