<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

યુવા સ્ત્રીઓમાં વંધ્યત્વનું વધતું જોખમ: 20 થી 30 ની ઉંમરે PCOS કેમ બની રહ્યો છે વિલન?

ભારતમાં દર 5 માંથી 1 મહિલા હોર્મોનલ અસંતુલનનો શિકાર : જંક ફૂડ, મોડી રાત સુધીનો 'સ્ક્રીન ટાઈમ' અને માનસિક તણાવ બની રહ્યા છે મુખ્ય કારણો : નિષ્ણાતોએ આપી ગંભીર ચેતવણી

નવી દિલ્હી : ભારતમાં 20 થી 30 વર્ષની યુવતીઓમાં વંધ્યત્વ અને PCOS ના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. દિલ્હીની ઓર્કિડ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડૉ. રિચા સિંહના જણાવ્યા અનુસાર, દર 5 માંથી 1 મહિલા આ સમસ્યાથી પીડાય છે. જે રોગો પહેલા 35 કે 40 વર્ષની ઉંમરે જોવા મળતા હતા, તે હવે 25 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓમાં જોવા મળી રહ્યા છે. વજન વધવું, ચહેરા પર અનિચ્છનીય વાળ ઉગવા અને માસિક સ્રાવની અનિયમિતતા એ હોર્મોનલ સિસ્ટમમાં વિક્ષેપ પડવાના પ્રારંભિક સંકેતો છે, જે લાંબા ગાળે માતૃત્વ સુખ મેળવવામાં અડચણ ઉભી કરી શકે છે.

સીતારામ ભારતીયા ઇન્સ્ટિટ્યૂટના ડૉ. પ્રીતિ અરોરા ધામિજા સ્પષ્ટપણે જણાવે છે કે આ કોઈ સામાન્ય તબીબી સમસ્યા નથી, પરંતુ 'જીવનશૈલી સંકટ' છે. મોડી રાત સુધી જાગવું, સતત સ્માર્ટફોન કે લેપટોપની સ્ક્રીન સામે બેસી રહેવું, શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને જંક ફૂડનું વધુ પડતું સેવન શરીરના ચયાપચય ને બગાડે છે. આનાથી શરીરમાં 'ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ' વધે છે, જે અંડાશયના કાર્યને અસર કરે છે. આશ્ચર્યની વાત એ છે કે હવે 8-9 વર્ષની નાની ઉંમરે જ બાળકીઓને માસિક સ્રાવ શરૂ થઈ રહ્યો છે, જે ભવિષ્યમાં તેમની પ્રજનન ક્ષમતાને વહેલી અસર કરી શકે છે.

 

સર ગંગા રામ હોસ્પિટલના ડૉ. ભવાની શેખર કહે છે કે ધૂમ્રપાન, દારૂ અને વધુ પડતો તણાવ આ જોખમને અનેકગણું વધારી દે છે. જોકે, રાહતની વાત એ છે કે આ સમસ્યાને માત્ર દવાઓથી નહીં, પણ જીવનશૈલીમાં ફેરફાર કરીને કાબૂમાં લઈ શકાય છે. નિષ્ણાતો સૂચવે છે કે દરરોજ ઓછામાં ઓછી 30-40 મિનિટ કસરત, 7-8 કલાકની શાંત ઊંઘ અને પ્રોટીનયુક્ત સંતુલિત આહાર હોર્મોન્સને ફરીથી સંતુલિત કરવામાં જાદુઈ અસર કરી શકે છે. જો સમયસર ધ્યાન આપવામાં આવે તો માત્ર વંધ્યત્વ જ નહીં, પરંતુ ભવિષ્યમાં થતા હૃદય રોગના જોખમને પણ ટાળી શકાય છે.

(9:53 PM IST)