<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

ભારતની આસમાની તાકાતમાં વધારો: દુશ્મનોના છક્કા છોડાવશે દેશી 'SABAL-200' ડ્રોન : કેન્દ્રએ મંજૂર કર્યા ₹30 કરોડ

નોઈડાના સ્ટાર્ટઅપે વિકસાવ્યું હેલિકોપ્ટર જેવું શક્તિશાળી ડ્રોન: રનવે વગર જ પહાડો અને સરહદો પર 200 કિલો સામાન પહોંચાડશે: લદ્દાખથી અરુણાચલ સુધી સેનાની બનશે નવી તાકાત

નોઈડા:  ભારત હવે ડ્રોન ટેકનોલોજીના ક્ષેત્રમાં 'આત્મનિર્ભર' બનવા તરફ એક મોટી છલાંગ લગાવી રહ્યું છે. કેન્દ્ર સરકારે નોઈડા સ્થિત એન્ડ્યુરએર સિસ્ટમ્સના અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'SABAL-200' માટે ₹30.01 કરોડના તોતિંગ ભંડોળને લીલી ઝંડી આપી દીધી છે. આ માત્ર આર્થિક મદદ નથી, પરંતુ ભારતના સંરક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે એક ક્રાંતિની શરૂઆત છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) ના સહયોગથી વિકસિત આ હેવી-લિફ્ટ ડ્રોન હવે પ્રયોગશાળામાંથી નીકળીને સીધું જ યુદ્ધના મેદાન અને પહાડી વિસ્તારોમાં પરીક્ષણ માટે તૈયાર થઈ જશે.

SABAL-200 ની સૌથી મોટી ખાસિયત તેનું વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ (VTOL) આર્કિટેક્ચર છે, જે તેને કોઈ પણ રનવે વગર સીધું જ હવામાં ઉડવા અને લેન્ડ કરવાની ક્ષમતા આપે છે. આ ડ્રોન 200 કિલોગ્રામ જેટલો તોતિંગ પેલોડ અથવા શસ્ત્રો લઈને સતત 2.5 કલાક સુધી 200 કિમીની રેન્જમાં ઉડી શકે છે. સિયાચીન જેવી હાડકાં ગાળી નાખતી ઠંડી હોય કે થાર રણની કાળઝાળ ગરમી, આ સ્વદેશી ડ્રોન તમામ વિપરીત પરિસ્થિતિઓમાં ભારતીય સૈનિકો સુધી દારૂગોળો, રાશન અને જીવનરક્ષક દવાઓ પહોંચાડવા માટે સક્ષમ છે, જે કામ અત્યાર સુધી જોખમી હેલિકોપ્ટર મિશન દ્વારા કરવું પડતું હતું.

IIT કાનપુરના ઇકોસિસ્ટમમાંથી જન્મેલા આ સ્ટાર્ટઅપે અગાઉ SABAL-20 અને SABAL-40 જેવા નાના ડ્રોન દ્વારા પોતાની સફળતા સાબિત કરી દીધી છે. હવે, 2026 સુધીમાં આ ડ્રોન સંપૂર્ણપણે ઓપરેશનલ મોડમાં આવશે તેવી અપેક્ષા છે. આ ટેકનોલોજી માત્ર લશ્કરી ઉપયોગ પૂરતી સીમિત નથી, પરંતુ પૂર કે ભૂકંપ જેવી કટોકટીમાં પણ તે હજારો લોકોના જીવ બચાવવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ભારતની આ સિદ્ધિથી પડોશી દેશોની સરહદો પરની હિલચાલ અને લોજિસ્ટિક્સ સપ્લાય ચેઈનમાં મોટું પરિવર્તન આવવું નિશ્ચિત છે.

(2:39 PM IST)