<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો વધતો ઉપયોગ માનવ મગજને બનાવી રહ્યો છે ‘આળસુ’ : નવી વૈજ્ઞાનિક સ્ટડીમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ

મશીનો પર વધતી નિર્ભરતાથી સ્વતંત્ર વિચારવાની અને જટિલ સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતામાં થઈ રહ્યો છે સતત ઘટાડો : AI ની મદદ હટાવતા જ લોકોની કાર્યક્ષમતામાં મોટો કડાકો બોલાયો હોવાનું સંશોધકોના તારણમાં આવ્યું સામે

વોશિંગ્ટન:વર્તમાન સમયમાં ટેકનોલોજીના યુગમાં દરેક નાના-મોટા પ્રશ્નો અને કામકાજ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પરની નિર્ભરતામાં મોટો ઉછાળો આવ્યો છે. જોકે, આ સુવિધા માનવ મગજ માટે જોખમી સાબિત થઈ શકે છે તેવું એક નવા સંશોધનમાં બહાર આવ્યું છે. અમેરિકા અને બ્રિટનના સંશોધકો દ્વારા કરવામાં આવેલી નવી સ્ટડીમાં ચેતવણી આપવામાં આવી છે કે AI નો વધુ પડતો ઉપયોગ મનુષ્યની વિચારવાની ક્ષમતાને ધીમે-ધીમે નબળી પાડી રહ્યો છે અને મગજને ‘આળસુ’ બનાવી રહ્યો છે. શરૂઆતમાં આ ફેરફારો નજરે પડતા નથી, પરંતુ લાંબા ગાળે તેની ગંભીર અસરો થઈ શકે છે.

 

શું છે આ નવી સ્ટડી અને તેના તારણો?

“AI આસિસ્ટન્ટ રિડ્યુસ પર્સિસ્ટન્સ એન્ડ હર્ટ્સ ઇન્ડિપેન્ડન્ટ પરફોર્મન્સ” શીર્ષક હેઠળ હાથ ધરવામાં આવેલા આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ એ સમજવાનો પ્રયાસ કર્યો હતો કે જ્યારે લોકો ગણિત અથવા જટિલ અભ્યાસ જેવા બૌદ્ધિક કાર્યોમાં AI ની મદદ લે છે ત્યારે તેમના મગજ પર કેવી અસર થાય છે. અભ્યાસ દરમિયાન જોવા મળ્યું કે AI સાથે કામ કરતી વખતે લોકો ઝડપથી અને સચોટ જવાબો આપે છે, પરંતુ વાસ્તવિક સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે તેમની પાસેથી AI ની આ મદદ છીનવી લેવામાં આવે છે.

 

સંશોધનમાં નોંધાયેલા ચોંકાવનારા તથ્યો મુજબ, જે લોકો AI ની મદદથી અત્યંત પ્રભાવશાળી દેખાવ કરી રહ્યા હતા, તેઓ AI વગરના પરીક્ષણમાં અચાનક નબળા પડી ગયા હતા. તેઓ માત્ર વધુ ભૂલો જ નહોતા કરી રહ્યા, પરંતુ મુશ્કેલ પ્રશ્નો સામે ખૂબ જ જલ્દી હાર માની લેતા હતા. આશ્ચર્યની વાત એ છે કે માત્ર ૧૦ મિનિટ સુધી AI નો ઉપયોગ કર્યા બાદ જ વ્યક્તિની સ્વતંત્ર વિચારવાની ક્ષમતા પર નકારાત્મક અસર જોવા મળી હતી.

 

અલગ-અલગ પ્રયોગોમાં જોવા મળ્યો સમાન પેટર્ન:

સંશોધકોએ અંદાજે ૩૫૦ લોકો પર ગણિતના પ્રશ્નોના માધ્યમથી પ્રયોગ કર્યો હતો. જેમાં એક જૂથને AI ની મદદ આપવામાં આવી હતી અને બીજાને નહીં. AI વાળા જૂથે શરૂઆતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું, પરંતુ જેવી મદદ હટાવી લેવામાં આવી, તેમની ક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થયો. આ જ પ્રકારનું પરિણામ રીડિંગ ટેસ્ટ અને અન્ય જ્ઞાનાત્મક પરીક્ષણોમાં પણ જોવા મળ્યું હતું. AI વગર લોકોની પ્રયાસ કરવાની વૃત્તિ અને ધીરજ ખૂટી જતી હોવાનું જણાયું હતું.

 

કૌશલ્યની સાથે મનોબળ પર પણ જોખમ:

સ્ટડીના સહ-લેખક રચિત દુબેના જણાવ્યા અનુસાર, આ સમસ્યા માત્ર ખોટા જવાબો આપવા પૂરતી સીમિત નથી, પરંતુ લોકો હવે મગજ કસવાની કે જાતે વિચારવાની તસ્દી લેતા પણ અચકાઈ રહ્યા છે. AI પરની અતિશય નિર્ભરતાને કારણે લોકોમાં અધીરાઈ વધી રહી છે અને તે મનોવૈજ્ઞાનિક રીતે એક પ્રકારની લત કે પરાવલંબન ઊભું કરી રહી છે.

 

વૈજ્ઞાનિકો આ સ્થિતિને ‘કોગ્નિટિવ ઓફલોડિંગ’ (Cognitive Offloading) તરીકે ઓળખાવે છે. આ એવી સ્થિતિ છે જેમાં મનુષ્ય પોતાની વિચારવાની જવાબદારી સંપૂર્ણપણે મશીનોને સોંપી દે છે. જો આ ટ્રેન્ડ સતત વધતો રહેશે, તો ભવિષ્યમાં માનવીની સર્જનાત્મકતા (Creativity), આત્મવિશ્વાસ અને સ્વતંત્ર રીતે સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા કાયમી ધોરણે જોખમમાં મુકાઈ શકે છે. નિષ્ણાતો માને છે કે આપણે માત્ર એ જ ન જોવું જોઈએ કે AI આપણા માટે શું કરી શકે છે, પરંતુ એ પણ સમજવું જરૂરી છે કે આ સુવિધાના બદલામાં આપણે આપણી કુદરતી બૌદ્ધિક ક્ષમતા કેટલી ગુમાવી રહ્યા છીએ.

(12:03 AM IST)