<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

મુંબઈમાં બેસ્ટના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળથી બસ સેવાઓ ઠપ્પ અને પાવર સપ્લાય ખોરવાયો : લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા

બીએમસી સાથે બજેટ મર્જ કરવા અને સાતમા પગાર પંચની ભલામણો લાગુ કરવા સહિતની પડતર માંગણીઓ સાથે ૧૨ યુનિયનોનું આંદોલન : વહીવટીતંત્રે મેસ્મા એક્ટ લાગુ કરી હડતાળને ગેરકાયદે જાહેર કરી

મુંબઈ: મુંબઈની બીજી સૌથી મોટી જાહેર પરિવહન સેવા ગણાતી બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) ના કર્મચારીઓની સંયુક્ત એક્શન કમિટી દ્વારા મધ્યરાત્રિથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી દેવામાં આવતા આર્થિક પાટનગર મુંબઈમાં બસ સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. લાંબા સમયથી પડતર રહેલી વિવિધ માંગણીઓના સમર્થનમાં કર્મચારીઓએ આ આક્રમક પગલું ભર્યું છે, જેના કારણે દક્ષિણ મુંબઈમાં વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો છે. શુક્રવારની સવારથી જ મુંબઈના રસ્તાઓ પરથી બેસ્ટની બસો ગાયબ જણાતા લાખો દૈનિક મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

૧૨ યુનિયનોના બનેલા સંગઠને કર્યું હડતાળનું એલાન:
બેસ્ટ કર્મચારીઓના ૧૨ વિવિધ યુનિયનોના બનેલા મુખ્ય સંગઠન ‘બેસ્ટ સંયુક્ત કામગાર કૃતિ સમિતિ’ દ્વારા ગુરુવારે સાંજે દાદર ખાતે યોજાયેલી એક મોટી સભામાં આ અનિશ્ચિત મુદ્દતની હડતાળની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. યુનિયનોનો આરોપ છે કે સત્તાવાળાઓ નિર્ધારિત સમયમર્યાદામાં તેમની ન્યાયી માંગણીઓ ઉકેલવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. બેસ્ટ ઉપક્રમ મુંબઈમાં રોજની અંદાજે ૨,૭૦૦ બસોનું સંચાલન કરે છે, જેમાંથી માત્ર ૨૪૩ બસો જ બેસ્ટની માલિકીની છે અને બાકીની બસો ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા વેટ-લીઝના ધોરણે ચલાવવામાં આવે છે. બેસ્ટ રોજ આશરે ૨૫ લાખ મુસાફરોને સેવા આપે છે અને દક્ષિણ મુંબઈના ૧૦ લાખથી વધુ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડે છે.

કર્મચારીઓની મુખ્ય માંગણીઓ અને સાતમા પગાર પંચનો અમલ;
બેસ્ટના કર્મચારીઓ અને યુનિયનો દ્વારા વહીવટીતંત્ર સમક્ષ લાંબી માંગણીઓની યાદી મૂકવામાં આવી છે. જેમાં સૌથી મુખ્ય માંગણી બેસ્ટના બજેટને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના મુખ્ય બજેટ સાથે મર્જ કરવાની છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૬ ના સમયગાળા માટે સાતમા પગાર પંચની ભલામણો તાત્કાલિક લાગુ કરવા, પગાર વધારો આપવા અને પેન્શનના લાભો આપવાની માંગ કરાઈ છે. નિવૃત્ત કર્મચારીઓના લાંબા સમયથી અટકેલા કાયદાકીય લેણાંની વન-ટાઇમ સેટલમેન્ટ હેઠળ ચૂકવણી કરવાની પણ ઉગ્ર માંગ છે.
કર્મચારી સમિતિએ પરિવહન અને વીજળી વિભાગમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવાની અને વેટ-લીઝ બસોમાં કામ કરતા કર્મચારીઓને બેસ્ટના કાયમી વર્કફોર્સમાં સામેલ કરવાની માંગ કરી છે. આ સિવાય ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક નવી ભરતી કરવા, પાત્ર કર્મચારીઓને સમયસર પ્રમોશન આપવા, બેસ્ટની પોતાની માલિકી હેઠળની બસોની સંખ્યા વધારીને ૬,૦૦૦ (અથવા અન્ય ઠરાવ મુજબ ૫,૦૦૦) કરવા અને સંસ્થામાં ચાલી રહેલા ખાનગીકરણ તથા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલને સંપૂર્ણપણે નાબૂદ કરવાની માંગણીઓનો સમાવેશ થાય છે.

પ્રશાસન દ્વારા ‘મેસ્મા’ એક્ટ લાગુ, પોલીસની શાંતિ જાળવવા અપીલ:
હડતાળને પગલે મુંબઈ પ્રશાસન દ્વારા તાત્કાલિક અસરથી કડક વલણ અપનાવીને મહારાષ્ટ્ર આવશ્યક સેવા જાળવણી અધિનિયમ (MESMA) લાગુ કરી દેવામાં આવ્યો છે. સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે ‘મેસ્મા ૨૦૨૩’ હેઠળ આ હડતાળ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અને કોઈપણ કર્મચારીને રજા પર જવા કે આંદોલનમાં ભાગ લેવાની મનાઈ છે. નાગરિકો માટે આવશ્યક સેવાઓ ચાલુ રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. બીજી તરફ, મુંબઈ પોલીસે આંદોલનકારીઓને શાંતિ જાળવવા અને કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતિ ન બગાડવા માટે ખાસ અપીલ કરી છે. કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ વહેલી તકે સંતોષવામાં નહીં આવે તો બસ સેવાઓ અને વીજ પુરવઠો વધુ ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે.

(8:43 AM IST)