<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત અને આફ્રિકાનું પ્રતિનિધિત્વ અપૂરતું ન રહી શકે: વિદેશ મંત્રી એસ. જયશંકર

એડિસ અબાબામાં યોજાયેલી સભામાં જયશંકરે કરી વૈશ્વિક સ્તરે યોગ્ય ભાગીદારીની જોરદાર હિમાયત; ભારત-આફ્રિકા દ્વિપક્ષીય વેપાર ૧૦૦ અબજ ડૉલરને આરે

એડિસ અબાબા : વૈશ્વિક મંચો પર ભારતના વધતા પ્રભાવ અને કૂટનીતિક રજૂઆતો વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં સુધારાની જરૂરિયાત પર ભાર મૂકતા અત્યંત મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વૈશ્વિક સ્તરે લેવાતા મહત્વના નિર્ણયોની પ્રક્રિયામાં ભારત અને આફ્રિકા જેવા વિશાળ પ્રદેશોનું પ્રતિનિધિત્વ ક્યારેય અપૂરતું ન રહી શકે. આફ્રિકાના ત્રણ દેશોની સત્તાવાર યાત્રાના અંતિમ ચરણ દરમિયાન તેમણે આ મહત્વપૂર્ણ વાત કહી હતી.

 

ઇથોપિયાની રાજધાની એડિસ અબાબા ખાતે આવેલા ઐતિહાસિક 'અદ્વા વિક્ટરી મેમોરિયલ મ્યુઝિયમ' ખાતે એક વિશેષ સભાને સંબોધતા વિદેશ મંત્રીએ યુએન સુરક્ષા પરિષદમાં કાયમી અને બિન-કાયમી સભ્યપદ એમ બંનેમાં આફ્રિકાને યોગ્ય અને પૂરતું સ્થાન મળવું જોઈએ તેવી પ્રબળ માંગ દોહરાવી હતી. આ સાથે તેમણે વર્ષ ૨૦૨૩માં ભારતની જી-૨૦ (G20) અધ્યક્ષતા દરમિયાન આફ્રિકન યુનિયનને કાયમી સભ્યપદ અપાવવા માટે ભારતે કરેલા સફળ પ્રયાસોને પણ યાદ કર્યા હતા.

 

આફ્રિકા સાથેના આર્થિક અને વિકાસલક્ષી સંબંધોની વાત કરતા વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે ભારત હાલ આફ્રિકાનો ચોથો સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ બની ગયો છે અને બંને વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર હવે ૧૦૦ અબજ યુએસ ડૉલરની ખૂબ જ નજીક પહોંચી ગયો છે. સમગ્ર આફ્રિકી ખંડમાં ભારતના સમર્થનથી આશરે ૪.૫ અબજ ડૉલરના મૂલ્યના ૨૨૦થી વધુ વિકાસ પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. તેમણે ભારતીય ઉદ્યોગો અને રોકાણકારોને આફ્રિકાના બજારમાં રોકાણ વધારવા આહ્વાન કર્યું હતું તેમજ ખાદ્ય સુરક્ષા, આધુનિક કૃષિ અને ટકાઉ વિકાસના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.

 

સંબોધન દરમિયાન ઇતિહાસના પાનાંઓ વાગોળતા તેમણે ૧૮૯૬માં ઇટાલિયન દળો સામે અદ્વા ખાતે ઇથોપિયાને મળેલી ભવ્ય જીતને યાદ કરી હતી. તેમણે કહ્યું કે આ જીતે વિશ્વભરના સંસ્થાનવાદ-વિરોધી સંઘર્ષોને મોટી પ્રેરણા પૂરી પાડી હતી અને તે ભારતના સ્વતંત્રતા સંગ્રામ સાથે પણ સુસંગત હતી. વિદેશ મંત્રીએ ઉમેર્યું હતું કે ભારતનો 'વિકાસિત ભારત ૨૦૪૭' નો દ્રષ્ટિકોણ અને આફ્રિકન યુનિયનનો 'એજન્ડા ૨૦૬૩' એકબીજાના પૂરક બનીને આગળ વધી રહ્યા છે.

 

(7:28 PM IST)