<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ઈન્ડિયા ગઠબંધનના મોરચાના મંડાણ: અશોકા હોટેલમાં મંજૂરી ન મળતા હવે ખડગેના નિવાસસ્થાને યોજાશે 'જનતાનો મહાભિયોગ'

મતદાર યાદીઓમાંથી ગેરકાયદેસર રીતે નામ કાઢી નાખી 'મત ચોરી' કરાતી હોવાનો રાહુલ ગાંધીનો આક્ષેપ: CEC રાજીનામું ન આપે કે પીએમ મોદી તેમને ન હટાવે ત્યાં સુધી લડત ચાલુ રાખવા વિપક્ષનો મક્કમ નિર્ધાર

નવી દિલ્હી :  મુખ્ય ચૂંટણી કમિશનર  જ્ઞાનેશ કુમાર સામે 'ઈન્ડિયા' ગઠબંધન દ્વારા આરપારની લડાઈનું ઈલાન કરવામાં આવ્યું છે. દિલ્હીમાં વિરોધ પક્ષો દ્વારા આયોજિત 'જન મહાભિયોગ' (પીપલ્સ ઈમ્પીચમેન્ટ) કાર્યક્રમને અશોકા હોટેલ અને ત્યારબાદ અન્ય સ્થળોએ યોજવાની પરવાનગી ન મળ્યા બાદ હવે આ કાર્યક્રમ ૩૦ ઓક્ટોબરના રોજ કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના સત્તાવાર નિવાસસ્થાન ૧૦, રાજાજી માર્ગ ખાતે યોજવાનું નક્કી કરાયું છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે કેન્દ્ર સરકાર પર વિપક્ષનો અવાજ દબાવવાનો અને કાર્યક્રમમાં અડચણો ઊભી કરવાનો સંગીન આરોપ લગાવ્યો છે.

દિલ્હીના ત્રિલોકપુરી વિસ્તારમાં યોજાયેલી 'જાહેર સુનાવણી' દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે દેશમાં ઉચ્ચ સ્તરેથી સંગઠિત રીતે 'મત ચોરી' થઈ રહી છે અને ગરીબોને તેમના બંધારણીય મતાધિકારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. ત્રિલોકપુરીના માત્ર ચાર મતદાન મથકોમાંથી ૪૧૬ મતદારોના નામ ગેરકાયદેસર રીતે દૂર કરાયા હોવાનો દાવો કરતા તેમણે કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનરને પૂછાયેલા પ્રશ્નોના તેઓ જવાબ આપવાને બદલે ટાળી રહ્યા છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી જ્ઞાનેશ કુમાર પોતાના પદ પરથી રાજીનામું ન આપે અથવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને પદભ્રષ્ટ ન કરે ત્યાં સુધી ઈન્ડિયા ગઠબંધન પોતાની લડત ચાલુ જ રાખશે.

કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલે દાવો કર્યો હતો કે વિપક્ષે અગાઉ અશોકા હોટેલનું લોન બુક કરાવવાની તૈયારી કરી હતી પરંતુ પાછળથી સરકારી દબાણ હેઠળ પરવાનગી નકારવામાં આવી હતી. ત્યારબાદ ૨૫ ઓક્ટોબરથી ૩ નવેમ્બર સુધી રામલીલા મેદાન બુક હોવા છતાં ત્યાં પણ પોલીસ દ્વારા કાર્યક્રમમાં અવરોધો ઊભા કરાયા છે. તેમણે ઉમેર્યું કે ૧ નવેમ્બરે રામલીલા મેદાનમાં યોજાનારી વિશાળ રેલી પૂર્વે ૩૦ ઓક્ટોબરે ખડગેના નિવાસસ્થાને પ્રતીકાત્મક સંસદ અને 'જનતાનો મહાભિયોગ' કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ઈશારે તંત્ર વિપક્ષોને રોકવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે ઈન્ડિયા ગઠબંધન કોઈપણ સંજોગોમાં ઝૂકશે નહીં.

(12:18 AM IST)