News of Wednesday, 1st July 2026
ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર DRIનો સપાટો: ૨૪ કિલો વિદેશી સોનાની હેરાફેરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
પશ્ચિમ બંગાળમાં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની મોટી કાર્યવાહી: કરોડોનું સોનું જપ્ત કરી સાત શખ્સોને જેલભેગા કરાયા

કોલકાતા: ભારત-બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સરહદ પરથી દેશમાં ઘૂસાડવામાં આવતા સોનાના મોટા રેકેટનો ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની ટીમે પર્દાફાશ કર્યો છે. પશ્ચિમ બંગાળમાં હાથ ધરવામાં આવેલા એક ઓપરેશન દરમિયાન DRIએ ૨૪ કિલોગ્રામ વિદેશી સોનું ઝડપી પાડ્યું છે, જેની અંદાજિત બજાર કિંમત ૩૪ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ ઓપરેશન સાથે સંકળાયેલા સાત જેટલા મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવતા દાણચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગોપનીય બાતમીના આધારે DRI દ્વારા લાંબા સમયથી આ સ્મગલિંગ નેટવર્ક પર નજર રાખવામાં આવી રહી હતી. તકો મળતા જ સરહદી વિસ્તારમાં સઘન ચેકિંગ અને સર્વેલન્સ વધારી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન સુરક્ષા એજન્સીઓએ એક વાહનને આંતરીને તપાસ કરી હતી, જેમાં છુપાવેલું વિદેશી માર્કિંગ ધરાવતું સોનું મળી આવ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે, આ સોનું બાંગ્લાદેશ થઈને ગેરકાયદેસર રીતે ભારતીય સરહદમાં પ્રવેશ્યું હતું.
પકડાયેલા તમામ સાત આરોપીઓ આંતરરાજ્ય સ્મગલિંગ નેટવર્કનો હિસ્સો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. DRIના અધિકારીઓ હાલ આ આરોપીઓની સઘન પૂછપરછ કરી રહ્યા છે જેથી આ રેકેટના મુખ્ય સૂત્રધાર કોણ છે અને આ માલ કયા શહેરોમાં સપ્લાય થવાનો હતો, તે દિશામાં કડીઓ જોડી શકાય.
આ કાર્યવાહી પશ્ચિમ બંગાળની સરહદે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. DRI દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને સોનાના સ્ત્રોત અને તેના નેટવર્ક વિશે વધુ વિગતો મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
