<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

ભારત-બાંગ્લાદેશ બોર્ડર સીલ: ઘૂસણખોરી કરાવતા 'નકલી દસ્તાવેજ' નેટવર્કનો પર્દાફાશ

બાયોમેટ્રિક સ્કેનિંગ અને નદી-નાળાઓ પર BSFની બાજ નજર વચ્ચે વિઝા પ્રક્રિયામાં મોટો કાપ અને ૨૫ હજારમાં વેચાતા નકલી સરકારી કાગળોના કાળા કારોબાર પર એજન્સીઓનો પંજો

નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા એજન્સીઓએ અભૂતપૂર્વ ઓપરેશન શરૂ કરીને હાઈ-એલર્ટ જાહેર કર્યું છે. પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલી ૨,૦૦૦ કિલોમીટરથી વધુ લાંબી અને અત્યંત સંવેદનશીલ સરહદ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને સ્થાનિક પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. ખાસ કરીને પેટ્રાપોલ સહિતના વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા ચાર મોટા હોલ્ડિંગ સેન્ટરો પર ચોકીબાની એટલી કડક કરાઈ છે કે કાયદેસરની મંજૂરી વિના ચકલી પણ ન મારી શકે. આ કડક વલણ વચ્ચે એજન્સીઓએ એક માનવતાવાદી સંદેશ પણ જારી કર્યો છે કે, જે બાંગ્લાદેશી નાગરિકો ભૂતકાળમાં ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી ચૂક્યા છે અને હવે પોતાના વતન પાછા ફરવા માંગે છે, તેઓ કોઈપણ ડર વગર સ્થાનિક વહીવટીતંત્ર કે BSFનો સીધો સંપર્ક કરી શકે છે.

સરહદ પર કડકાઈ વધારવાનું મુખ્ય કારણ સરહદ પારથી ઓપરેટ થતું એક મોટું ઇન્ટરનેશનલ રેકેટ છે, જે ભારતીય સુરક્ષા માટે મોટો પડકાર બની ગયું હતું. તપાસ એજન્સીઓએ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ભારતમાં ગેરકાયદેસર આશ્રય આપતા અને આશરે રૂપિયા ૨૦,૦૦૦ થી ૨૫,૦૦૦ની મસમોટી રકમ વસૂલીને નકલી આધાર કાર્ડ, રેશન કાર્ડ, વીજળી બિલ અને રહેઠાણના બોગસ પુરાવા બનાવી આપતા દલાલોના નેટવર્કને વેરવિખેર કરી નાખ્યું છે. આ આખું કૌભાંડ સરહદ પાર બેઠેલા આકાઓ દ્વારા સંચાલિત થતું હતું, જેના પર હવે કાનૂની સપાટો બોલાવવામાં આવ્યો છે. ખાસ કરીને નદીઓ, નાળાઓ, દળદળવાળા વિસ્તારો અને જ્યાં કાંટાળી વાડ નથી બોર્ડરના એવા તમામ છિદ્રાળુ માર્ગો પર આધુનિક ટેકનોલોજી અને વધારાના સૈન્ય બળ દ્વારા કિલ્લાબંધી મજબૂત કરવામાં આવી રહી છે.

બીજી તરફ, રાજદ્વારી સ્તરે પણ પ્રવાસી (ટૂરિસ્ટ) વિઝા જારી કરવાની પ્રક્રિયા પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે, જેના કારણે અગાઉ રોજની ૬,૦૦૦ સુધી પહોંચતી વિઝા અરજીઓનો આંકડો ઘટીને માત્ર ૨,૦૦૦ પર આવી ગયો છે. હાલમાં માત્ર મેડિકલ, બિઝનેસ, વર્ક અને જીવનસાથી જેવી અત્યંત અનિવાર્ય શ્રેણીઓમાં જ પ્રાથમિકતાના ધોરણે વિઝા આપવામાં આવી રહ્યા છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કવાયત પાછળનો મુખ્ય હેતુ ભારતમાં ગેરકાયદેસર વસવાટને કારણે થતા વસ્તી વિષયક ફેરફારોને રોકવાનો છે. પકડાયેલા તમામ સંદિગ્ધ લોકોના બાયોમેટ્રિક ડેટા અને વંશાવળીની વિગતો એકત્રિત કરીને કાયમી ધોરણે આ ઘૂસણખોરી નેટવર્કની કમર તોડી નાખવાની સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે.

(10:25 PM IST)