તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
અમેરિકાના પ્રતિબંધો વચ્ચે વેનેઝુએલા માટે મસીહા બન્યું ભારત: ‘ઓપરેશન એમિસ્ટાડ’ હેઠળ સેનાએ રાતોરાત ઉભી કરી હાઇ-ટેક હોસ્પિટલ
વિનાશક ભૂકંપના કાટમાળ વચ્ચે પીડિતોની મલમપટ્ટી કરતા ભારતીય તબીબોને જોઈ ભાવુક થયા વેનેઝુએલાના વિદેશ મંત્રી : પીએમ મોદી અને ભારત સરકારનો માન્યો હૃદયપૂર્વક આભાર

કારાકાસ: અમેરિકાના કડક આર્થિક પ્રતિબંધો અને ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા વેનેઝુએલા પર જ્યારે કુદરતે કાળો કેર વર્તાવ્યો, ત્યારે સમગ્ર વિશ્વએ તેનાથી મોઢું ફેરવી લીધું હતું. ગત ૨૪ જૂને આવેલા વિનાશક ભૂકંપમાં ૨,૩૦૦ થી વધુ લોકોના કરૂણ મોત થયા અને હજારો લોકો કાટમાળ નીચે દબાયા, જેના કારણે દેશની આરોગ્ય વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી હતી. કટોકટીની આ કપરી ઘડીમાં ભારત સાચા મસીહા અને તારણહાર તરીકે ઉભરી આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતે તત્કાલ 'ઓપરેશન એમિસ્ટાડ' (Operation Amistad) શરૂ કરીને માનવતાની એક અનન્ય મિસાલ કાયમ કરી છે.
આ ઓપરેશન અંતર્ગત ભારતીય સેનાના જાંબાઝ ડોક્ટરો, નર્સો અને પેરામેડિકલ સ્ટાફે વેનેઝુએલાના નેશનલ હિપ્પોડ્રોમ ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસમાં રાતોરાત એક અત્યાધુનિક હાઇ-ટેક ફિલ્ડ હોસ્પિટલ ઉભી કરી દીધી છે. કોઈ મોટા શહેરની કોર્પોરેટ હોસ્પિટલ જેવી તમામ આધુનિક સુવિધાઓ ધરાવતી આ મોબાઇલ હોસ્પિટલમાં ભારતીય ટીમ ચોવીસે કલાક, ઊંઘ્યા વિના અથાક સેવાઓ આપી રહી છે. હાલમાં અહીં દરરોજ ૪૦૦ થી વધુ ભૂકંપ પીડિતોની મફત અને વિશ્વસ્તરીય સારવાર કરવામાં આવી રહી છે, જેમાં જટિલ સર્જરીથી લઈને એક્સ-રે અને ડેન્ટલ કેર જેવી સુવિધાઓ સામેલ છે. ભારતીય તબીબો માત્ર સામાન્ય નાગરિકો જ નહીં, પરંતુ અન્ય લોકોને બચાવતા ઘાયલ થયેલા વેનેઝુએલાના બચાવકર્મીઓની પણ એટલી જ તીવ્રતાથી સારવાર કરી રહ્યા છે.
ભારત તરફથી મળી રહેલી આ અભૂતપૂર્વ સહાયની પ્રત્યક્ષ સમીક્ષા કરવા પહોંચેલા વેનેઝુએલાના વિદેશ મંત્રી ઇવાન ગિલ ભારતીય સેનાની આ અદભુત વ્યવસ્થા અને સમર્પણ જોઈને ભાવુક થઈ ગયા હતા. ભારતીય રાજદૂત પી.કે. અશોક બાબુ સાથે હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તેમણે જણાવ્યું કે, મુશ્કેલીના આ સમયમાં ભારતીય ડોક્ટરોનું કાર્ય બંને દેશો વચ્ચેના અતૂટ ભાઈચારોનો સૌથી મોટો પુરાવો છે. સારવારની સાથે ભારત દ્વારા ટનબંધ જીવનરક્ષક દવાઓ પણ મફત વિતરિત કરવામાં આવી રહી છે, જેના કારણે આજે વેનેઝુએલાની ધરતી પર પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા હજારો પીડિતોની આંખોમાં આશાના આંસુ છે અને તેમના હોઠ પર ભારત તેમજ પીએમ મોદી માટે દરરોજ પ્રાર્થનાઓ નીકળી રહી છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
