તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
ભારત 2027માં અમેરિકા પાસેથી દર મહિને પાંચ જહાજ જેટલી LPG ખરીદશે
ઇન્ડિયન ઓઇલ, BPCL અને HPCLએ કુલ 27.5 લાખ ટન ગેસ માટે કરાર કર્યો:કુલ LPG આયાતમાં અમેરિકાનો હિસ્સો 25% કરશે ભારત : મિડલ ઈસ્ટ પરની નિર્ભરતા ઘટશે

ભારત હવે રસોઈ ગેસ એટલે કે LPGની આયાત માટે મિડલ ઈસ્ટ પરની નિર્ભરતા ઘટાડવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે દેશની સરકારી ઓઇલ કંપનીઓએ વર્ષ 2027 માટે અમેરિકા પાસેથી મોટી માત્રામાં LPG ખરીદવાનો કરાર કર્યો છે. આ કરાર હેઠળ ભારત દર મહિને અમેરિકાથી પાંચ મોટા જહાજ જેટલી ગેસની આયાત કરશે. આ પગલાથી દેશને ગેસની સપ્લાય માટે નવો વિકલ્પ મળશે અને આંતરરાષ્ટ્રીય સપ્લાયમાં અડચણ આવે તો તેની અસર ઘટાડવામાં મદદ મળી શકે છે.
એક અહેવાલ અનુસાર, ઇન્ડિયન ઓઇલ , ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL)એ વર્ષ 2027 માટે અમેરિકાથી આશરે 27.5 લાખ મેટ્રિક ટન LPG ખરીદવાનો કરાર કર્યો છે. આ યોજના હેઠળ દર મહિને પાંચ મોટા જહાજ જેટલી LPG ભારત પહોંચશે. આમાંથી ચાર જહાજની ડિલિવરી નિર્ધારિત કરારની શરતો અનુસાર થશે, જ્યારે એક જહાજનો જથ્થો અમેરિકામાંથી સીધી ખરીદી દ્વારા મેળવવામાં આવશે.
માર્કેટ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકાની અને વૈશ્વિક ઊર્જા કંપનીઓ પાસેથી LPG ખરીદવામાં આવશે. સાઉદી અરામકો અને શેવરોન પાસેથી દર મહિને એક-એક કાર્ગો મળશે. જ્યારે ટોટલએનર્જીઝ ટ્રેડિંગ SA (TOTSA) પાસેથી દર મહિને બે કાર્ગોની ડિલિવરી થશે.
આ ઉપરાંત ટ્રેડિંગ કંપની વિટોલ (Vitol) પાસેથી દર મહિને એક જહાજ જેટલી LPG ખરીદવામાં આવશે. એક મોટા LPG જહાજ એટલે કે વેરી લાર્જ ગેસ કેરિયર (VLGC)માં આશરે 46,000 ટન ગેસ લઈ જવાની ક્ષમતા હોય છે. LPGમાં મુખ્યત્વે પ્રોપેન અને બ્યુટેનનો સમાવેશ થાય છે.
ભારત અત્યાર સુધી LPGની જરૂરિયાત માટે મોટા પ્રમાણમાં મિડલ ઈસ્ટના દેશો પર નિર્ભર રહ્યું છે. વર્ષ 2025માં ભારતે આશરે 2.185 કરોડ ટન LPGની આયાત કરી હતી. આમાંથી લગભગ 90% ગેસ મિડલ ઈસ્ટના દેશોમાંથી આવ્યો હતો.
આટલી મોટી નિર્ભરતાને કારણે જો કોઈ કારણસર આ વિસ્તારમાંથી સપ્લાય ખોરવાય તો ભારતની ગેસ જરૂરિયાતો પર અસર થઈ શકે છે. આ જોખમ ઘટાડવા માટે ભારત હવે અમેરિકાથી ખરીદી વધારી રહ્યું છે.
અહેવાલ મુજબ ભારતનો હેતુ વર્ષ 2027 સુધીમાં કુલ LPG આયાતનો 25% હિસ્સો અમેરિકા પાસેથી મેળવવાનો છે. આ પગલાથી ગેસની આયાત માટે વૈકલ્પિક બજાર ઊભું થશે અને સપ્લાય ચેઇન વધુ મજબૂત બનશે. આ ઉપરાંત અમેરિકાથી ઊર્જા ઉત્પાદનોની ખરીદી વધવાથી ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંતુલનમાં સુધારો લાવવામાં પણ મદદ મળી શકે છે.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
