તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
હોર્મુઝની સામુદ્રધુનીમાં વેપારી જહાજો પર થઈ રહેલા હુમલાથી ભારત ચિંતિત, ગણાવ્યા 'અક્ષમ્ય': સંયુક્ત રાષ્ટ્રમાં ગર્જી ભારતની દીકરી
ખાડી દેશોમાં વસતા 1 કરોડ ભારતીયોની સુરક્ષા અમારી ટોચની પ્રાથમિકતા; ઉર્જા અને આર્થિક સુરક્ષા માટે હોર્મુઝનો રૂટ સુરક્ષિત રહેવો અનિવાર્ય, યુદ્ધ રોકવા ભારતની અપીલ

નવી દિલ્હી: અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની જ્વાળાઓ હવે સમુદ્રી વેપાર સુધી પહોંચી છે, જેણે ભારતની ચિંતામાં વધારો કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) માં ભારતના ડેપ્યુટી પરમેનન્ટ રિપ્રેઝન્ટેટિવ એમ્બેસેડર યોજના પટેલે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં વેપારી જહાજો પર થઈ રહેલા હુમલાઓની આકરી ટીકા કરી છે. તેમણે આ હુમલાઓને 'ખેદજનક' ગણાવતા સ્પષ્ટ કર્યું હતું કે આંતરરાષ્ટ્રીય જળસીમામાં નેવિગેશનની સ્વતંત્રતા જળવાઈ રહેવી જોઈએ.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મધ્ય પૂર્વની સ્થિતિ પર બોલતા યોજના પટેલે જણાવ્યું હતું કે, ભારતની ઉર્જા અને આર્થિક સુરક્ષા માટે હોર્મુઝનો રૂટ અત્યંત મહત્વનો છે. વેપારી જહાજોને સૈન્ય હુમલાનું નિશાન બનાવવું એ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન છે. તેમણે દુખ વ્યક્ત કરતા ઉમેર્યું કે આ સંઘર્ષમાં અનેક ભારતીય નાવિકોએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે, જે ભારત માટે અસહ્ય છે.
ભારત માટે આ સંઘર્ષ માત્ર આર્થિક જ નહીં પણ માનવીય દ્રષ્ટિએ પણ સંવેદનશીલ છે. ખાડી દેશોમાં આશરે 10 મિલિયન (1 કરોડ) ભારતીયો રહે છે અને કામ કરે છે. તેમની સુરક્ષા ભારત સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધ બાદ ભારત સતત સંયમ જાળવવા અને મુત્સદ્દીગીરી દ્વારા વિવાદ ઉકેલવા પર ભાર મૂકી રહ્યું છે. ભારતનું માનવું છે કે કોઈ પણ દેશની પ્રાદેશિક અખંડિતતાનું સન્માન થવું જોઈએ અને નાગરિકોના જીવ જોખમમાં ન મુકવા જોઈએ.
આ ઉપરાંત, ભારતે ગાઝા અને લેબનોનની સ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરી છે. લેબનોનમાં તૈનાત યુએન શાંતિ રક્ષકો (Blue Helmets) પર થઈ રહેલા હુમલાની ભારતે સખત શબ્દોમાં નિંદા કરી છે. યોજના પટેલે જણાવ્યું હતું કે શાંતિ રક્ષકો પરના હુમલાઓની તાત્કાલિક તપાસ થવી જોઈએ અને ગુનેગારોને સજા મળવી જોઈએ. સીરિયામાં પણ શાંતિ સ્થપાય અને મધ્ય પૂર્વ વિસ્તાર ફરીથી સંઘર્ષનું મેદાન ન બને તે માટે ભારત તમામ શાંતિ પ્રયાસોને સમર્થન આપવા તૈયાર છે. અત્યારે જ્યારે ઈરાને અમેરિકા પર સમુદ્રી ચાંચિયાગીરીનો આરોપ મૂક્યો છે, ત્યારે ભારતની આ સ્પષ્ટ ચેતવણી વૈશ્વિક સ્તરે મહત્વની સાબિત થશે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
