News of Thursday, 2nd July 2026
ગ્લોબલ ફેશન સ્ટેજ પર ભારતનો દબદબો: ૧૭ વર્ષના લાંબા અંતરાલ બાદ ન્યૂ યોર્ક ફેશન વીકમાં કિંગ સબ્યાસાચીની ભવ્ય વાપસી, પણ પોતે આપ્યું ચોંકાવનારું નિવેદન!
સ્પ્રિંગ/સમર ૨૦૨૭ કલેક્શન સાથે ગ્લેમર જગતમાં ધૂમ મચાવવા તૈયાર કિંગ ઓફ કોચર; સબ્યાસાચીએ કહ્યું- "હું ક્યારેય ગયો જ નહોતો, બસ શાંતિથી સર્જન કરી રહ્યો હતો", વાયરલ ટ્રેન્ડ્સ પાછળ અંધાધૂંધ દોડતા વેસ્ટર્ન ફેશન ઉદ્યોગને આયનો બતાવ્યો

નવી દિલ્હી : ભારતના પ્રખ્યાત ફેશન ડિઝાઇનર સબ્યાસાચી મુખર્જી, જેમના ડિઝાઇન કરેલા આઉટફિટ્સ પહેરવાનું દરેક દુલ્હનનું સપનું હોય છે, તેઓ વૈશ્વિક ફેશન જગતમાં એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. કાઉન્સિલ ઓફ ફેશન ડિઝાઇનર્સ ઓફ અમેરિકા (CFDA) ના સત્તાવાર શેડ્યૂલ મુજબ, સબ્યાસાચી પૂરા ૧૭ વર્ષ પછી પ્રતિષ્ઠિત 'ન્યૂ યોર્ક ફેશન વીક' (NYFW) ના રનવે પર વાપસી કરી રહ્યા છે. આગામી ૧૫ સપ્ટેમ્બરના રોજ તેઓ પોતાનું સ્પ્રિંગ/સમર ૨૦૨૭ કલેક્શન રજૂ કરશે. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ફેશન પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ દરમિયાન સબ્યાસાચીએ પોતે ઇન્સ્ટાગ્રામ પર એક આશ્ચર્યજનક પોસ્ટ શેર કરીને ઇન્ડસ્ટ્રીમાં નવી ચર્ચા છેડી દીધી છે.
"હું ક્યારેય ગયો જ નહોતો..." સબ્યાસાચીનો મોટો ખુલાસો
ન્યૂ યોર્ક ફેશન વીકમાં તેમના કમબેક (પુનરાગમન) ને લઈને મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા સબ્યાસાચીએ લખ્યું, "ન્યૂ યોર્ક ફેશન વીકમાં મારા પાછા ફરવા વિશે ઘણી વાતો થઈ રહી છે. પરંતુ સત્ય એ છે કે, હું ખરેખર ક્યારેય આ બજારથી દૂર ગયો જ નહોતો. મેં ફક્ત લાઈમલાઈટથી દૂર રહીને એકાંતમાં અને શાંતિથી નવું સર્જન કરવાનું પસંદ કર્યું હતું."
જ્યારે વિદેશી પત્રકારે આપી હતી ભારત પાછા જવાની સલાહ
સબ્યાસાચીનો ન્યૂ યોર્ક ફેશન વીક સાથેનો સંબંધ ઘણો જૂનો છે. તેમણે સૌપ્રથમ વર્ષ ૨૦૦૬ માં 'સ્નેઇલ' (Snail) નામના કલેક્શન સાથે અહીં ડેબ્યુ કર્યું હતું, જેમાં 'સ્લો ફેશન' (ટકાઉ ફેશન) નો અનોખો કોન્સેપ્ટ હતો. ત્યારબાદ ૨૦૦૯ માં તેઓ હેન્ડ-એમ્બ્રોઇડરી અને મણકાના કામવાળા શાનદાર રેડી-ટુ-વેર કલેક્શન સાથે પાછા આવ્યા. જોકે વિવેચકોએ તેમના કામની પ્રશંસા કરી, પણ સબ્યાસાચીના મતે તે સમયે આંતરરાષ્ટ્રીય માર્કેટ તેમની ભારતીય કળાને સ્વીકારવા પૂરી રીતે તૈયાર નહોતું. તે સમયે પ્રખ્યાત ફેશન પત્રકાર સુઝી મેનકેસે તેમને એક અમૂલ્ય સલાહ આપી હતી કે, "અત્યારે ઘરે (ભારત) પાછા જાઓ અને ત્યાં બ્રાન્ડને એટલી મજબૂત બનાવો કે બજારે તમારી પાછળ દોડવું પડે, તમારે બજારનો પીછો ન કરવો પડે." સબ્યાસાચીએ આ સલાહને શિરોધાર્ય માની અને આજે પરિણામ દુનિયાની સામે છે.
વાયરલ કલ્ચર અને વેસ્ટર્ન ફેશન ઉદ્યોગ પર આકરા પ્રહારો
પોતાની પોસ્ટમાં સબ્યાસાચીએ આજના ગ્લેમર વર્લ્ડ પર આકરા પ્રહારો પણ કર્યા છે. તેમણે લખ્યું, "હું જેમ જેમ પરિપક્વ થઈ રહ્યો છું, તેમ તેમ હું માત્ર અવાજ (દેખાડા) કરતાં પદાર્થ (ગુણવત્તા) ને વધુ મહત્વ આપું છું. આજની ફેશન માત્ર સોશિયલ મીડિયા એન્ગેજમેન્ટ અને સ્પીડ (ઝડપ) થી ચાલે છે. આ દોડમાં ક્યાંક ને ક્યાંક કપડાંનું અસલી અસ્તિત્વ ગૌણ બની ગયું છે." તેમણે વધુમાં ઉમેર્યું કે પશ્ચિમી જગત ભારતને માત્ર ભવ્યતા અને શોભા તરીકે જ જુએ છે, પરંતુ તેની નીચે એક અત્યંત આધુનિક અને સમજદાર આત્મા છુપાયેલો છે. ટૂંકા ગાળાની નવીનતા કરતાં ગુણવત્તા અને કારીગરી વધુ ટકાઉ છે, અને આ સ્થાયીતા જ અસલી વૈભવી (Real Luxury) છે.
પોતાની શરતો પર રાજ કરે છે સબ્યાસાચી
છેલ્લા બે દાયકામાં સબ્યાસાચીએ બ્રાઇડલ કોચર, લક્ઝરી જ્વેલરી, એસેસરીઝ અને લાઈફસ્ટાઈલ ક્ષેત્રે એક અજેય સામ્રાજ્ય ઊભું કર્યું છે. ન્યૂ યોર્કના વેસ્ટ વિલેજમાં તેમનો આલીશાન ફ્લેગશિપ સ્ટોર છે અને બોલિવૂડના ટોચના સિતારાઓથી લઈને હોલિવૂડ સુપરસ્ટાર ઓપ્રાહ વિનફ્રે સુધીની હસ્તીઓ તેમની ડિઝાઇનની દીવાની છે. તેઓ મોસમી શો કરવાને બદલે સીધા ઇન્સ્ટાગ્રામ ડ્રોપ્સ દ્વારા કલેક્શન લોન્ચ કરવાનું પસંદ કરે છે. સપ્ટેમ્બરમાં યોજાનારો તેમનો આ શો કોઈ ભપકાદાર પ્રોડક્શન નહીં, પરંતુ શુદ્ધ ભારતીય કારીગરીનું પ્રદર્શન હશે. આ શો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય લક્ઝરી ફેશનને એક નવી ઊંચાઈ પર લઈ જશે તે નક્કી છે.
(5:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
