તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
ઈન્ડિયામાં ડોલર ૫૦૦માં બધું પતી ગયું: અમેરિકામાં ડોલર ૨૩,૦૦૦ બિલ આવ્યું
છાતીમાં દુઃખાવો થતાં અમેરિકાની હોસ્પિટલમાં પહોંચેલા એક યુવકે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે યુએસમાં સેટલ થવાનો વિચાર પણ ન કરી શકાય

ન્યૂયોર્ક તા.૨૧: અમેરિકામાં છાતીમાં દુઃખાવો ઉપડતા જાતે જ કાર ડ્રાઈવ કરીને હોસ્પિટલ પહોંચેલો એક ઈન્ડિયન યુવક પોતાને મળેલા ૨૩ હજાર ડોલરના બિલને કારણે બરાબરનો ભડક્યો છે.. મોંઘો હેલ્થ ઈન્શ્યોરન્સ હોવા છતાંય તેને પોતાના ખિસ્સાાંથી સાત હજાર ડોલર પે કરવા પડશે.. તેણે જણાવ્યું છે કે છાતીમાં દુઃખાવો ઉપડ્યો ત્યારે તે એમ્બ્યુલન્સ બોલાવવાની હિમત નહોતો કરી શક્યો કારણકે તેનો ખર્ચો પણ ખિસ્સા ખાલી થઈ જાય તેવો આવે છે. આ યુવકનું કહેવું છે કે પોતે ઈન્ડિયામાં હતો ત્યારે એકવાર આ જ રીતે અચાનક બીમાર થઈ ગયો હતો. તે વખતે તે હોસ્પિટલે પહોંચ્યો ત્યારે તુરંત જ તેને પ્રાઈવેટ રૂમ આપી દેવાયો હતો, તેના ટેસ્ટ્સ થઈ ગયા હતા તેમજ ગમે ત્યારે વાત કરવા માટે ડોક્ટર પણ ઉપલબ્ધ હતા. જ્યારે અમેરિકામાં તો હોસ્પિટલ પહોંચ્યા બાદ પણ તેને ખાસ્સો સમય ડોક્ટરની રાહ જોવી પડી હતી અને તેને ડિસ્ચાર્જ કરાયો ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડવા પાછળનું કારણ શું હતું તેને લઈને ડોક્ટર પણ શ્યોર નહોતા.
હાલ યુએસમાં જોબ કરતા આ યુવકે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા એક વિડીયોમાં જણાવ્યું છે કે પોતે ઈન્ડિયા પાછો આવી રહ્યો છે અને તેની પાછળનું એકમાત્ર કારણ છે હેલ્થકેર. તેનો દાવો છે કે ઈન્ડિયામાં તે અચાનક બીમાર થયો ત્યારે તેની ટ્રીટમેન્ટનો ખર્ચો માંડ ૫૦૦ ડોલર આવ્યો હતો અને ડોક્ટરે તેની બીમારીનું પૂરું ડાયગ્નોનિસ કરવાની સાથે ફોલો-અપ પ્લાન પણ બનાવી આપ્યો હતો જ્યારે અમેરિકામાં હોસ્પિટલે ૨૮ હજાપ ડોલરનું બિલ બનાવી દીધું ત્યારબાદ પણ ડોક્ટર પોતે જ શું સમસ્યા થઈ હતી તેને લઈને ક્લીયર નહોતા.
યુવાન ઈબનેઝ ગરવાર નામના આ શખસનું કહેવું છે કે ઈન્ડિયામાં ઝીરો પેપરવર્ક સાથે તેના ECG, MRI, સિટી સ્કેન અને ફુલ બ્લડ ટેસ્ટ થઈ ગયા હતા અને ડોક્ટર પણ સીધા તેના સંપર્કમાં હતા તેમજ હોસ્પિટલે પ્રોપર ટ્રીટમેન્ટ પ્લાન પણ આપ્યો હતો. તો બીજી તરફ, અમેરિકામાં બાસ્કેટ બોલ રમતી વખતે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ વધુ ખર્ચો ના થઈ જાય તેવા ડરથી તેણે એમ્બ્યુલન્સ બોલાવવાનું ટાળ્યું હતું અને દુઃખાવો સહન કરીને પણ તે પોતાની કાર લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો. જોકે, ત્યાં તેને ઈમરજન્સી જેવી સ્થિતિમાં પણ દોઢ કલાક સુધી વેઈટિંગમાં બેસવું પડ્યું હતું.
ડોક્ટરે તેને થોડા સમય બાદ મિની હાર્ટ અટેક આવ્યો હોવાનું જણાવ્યું હતું, પરંતુ હોસ્પિટલમાં તેના સવાલોના જવાબ આપનારું કોઈ નહોતું. આ બધું થયું તેના અમુક દિવસો બાદ હોસ્પિટલે એવું કહી દીધું હતું કે તમને ખરેખર શું થયું છે તે સ્પષ્ટ નથી. યુવાનને કોઈ ફોલો-અપ પ્લાન પણ આપવામાં નહોતો આવ્યો પણ તેના ઘરે ૨૩ હજાર ડોલરનું બિલ ચોક્કસ મોકલી દેવાયું હતું, જેમાંથી તેને સાત હજાર પોતાના ખિસ્સામાંથી કાઢવા પડ્યા હતા. પોતાના વિડીયોના અંતમાં તેણે જણાવ્યું છે કે અમેરિકામાં બીમાર પડવાની સજા મળે છે અને હોસ્પિટલો તેનો ફાયદો ઉઠાવે છે. તેણે એવો મુદ્દો પણ ઉપસ્થિત કર્યો હતો કે અમેરિકામાં ભલે વેધર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અપોર્ચ્યુનિટીઝ ઈન્ડિયાની સરખામણીએ ઘણા સારા હોય પરંતુ હેલ્થકેરને કારણે પોતે આ દેશમાં ક્યારેય સેટ નહીં થઈ શકે.
યુવાનના વિડીયો પર કમેન્ટ કરનારા કેટલાક લોકોએ પણ તેની સાથે વાત સહમતી વ્યક્ત કરી છે. એક યુઝરે પોતાની કમેન્ટમાં એવું લખ્યું હતું કે ઈન્ડિયામાં આટલું બધું હોવા છતાંય લોકો કેમ વિદેશ જાય છે? જોકે, રમણીક પંડ્યા નામના એક યુઝરનું એવું કહેવું હતું કે અમેરિકાથી ઘણા લોકો મેડિકલ ટ્રીટમેન્ટ માટે ઈન્ડિયા આવે છે, જો તમારી કમાણી ડોલરમાં હોય તો ઈન્ડિયામાં બધું સસ્તું લાગે છે અને ઈન્શ્યોરન્સ કંપની પણ ઘણો-ખરો ખર્ચો ચૂકવી દે છે. જોકે, ઈન્ડિયામાં ઈન્શ્યોરન્સ કંપની પાસેથી પૈસા કઢાવવા જરાય આસાન નથી. તેમણે આ શખસને એવી પણ સલાહ આપી હતી કે ઈન્ડિયા જવું જ હોય તો રિટાયર્ડ થયા બાદ સારા એવા પૈસા લઈને ત્યાં આરામની જિદગી જીવી શકાય
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
