<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

ભારત-જર્મની વચ્ચે 8 અબજ ડોલરની સૌથી મોટી ડિફેન્સ ડીલની તૈયારી: ભારતીય નેવીને મળશે 6 અત્યાધુનિક સ્ટેલ્થ સબમરીન

AIP ટેક્નોલોજીથી સજ્જ સબમરીન 3 સપ્તાહ સુધી પાણીની અંદર રહી શકશે: રાજનાથ સિંહ બર્લિનમાં ડીલને આપશે અંતિમ રૂપ

નવી દિલ્હી, તા.૨૪ : ભારત અને જર્મની વચ્ચે અત્યાર સુધીની સૌથી મોટી ડિફેન્સ ડીલની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ડીલ હેઠળ ભારતીય નૌસેનાને 6 અત્યાધુનિક ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીન મળશે, જેનાથી નૌસેનાની તાકાતમાં મોટો વધારો થશે. અંદાજે 8 અબજ ડોલરની આ ડીલને અંતિમ રૂપ આપવા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ બર્લિનની મુલાકાત લેશે.

 

MDL-TKMS વચ્ચે થઈ હતી સમજૂતી

 

વર્ષ 2023માં ભારતની મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) અને જર્મનીની થિસનકુપ મરીન સિસ્ટમ (TKMS) કંપની વચ્ચે એક સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. આ સમજૂતી સાથે જોડાયેલ ટેક્નોલૉજીનું આદાન-પ્રદાન કરવા અને સંરક્ષણ ઉદ્યોગમાં ભાગીદારી વધારવા માટે બંને દેશોના સંરક્ષણ મંત્રીઓ વચ્ચે વિસ્તારપૂર્વક ચર્ચા થશે. 

 

 

સબમરીનની ખાસિયત

 

આ સબમરીન AIP એટલે કે એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન ટેક્નોલૉજીથી સજ્જ હશે. આ ટેક્નોલોજીના કારણે સબમરીન પાણીની સપાટી પર આવ્યા વગર બેથી ત્રણ સપ્તાહ સુધી પાણીમાં રહી શકે છે. આ ખાસિયત દુશ્મનની નજરથી બચીને વ્યૂહાત્મક અભિયાનને અંજામ આપવામાં મદદરૂપ થશે. સ્ટેલ્થ ટેક્નોલોજીને કારણે આ સબમરીન દુશ્મનના રડારમાં પકડવી મુશ્કેલ બનશે.

 

જો આ ડીલ ફાઇનલ થશે તો ભારત માટે અત્યાર સુધીની સૌથી મોટી સંરક્ષણ ડીલ હશે. હિંદ મહાસાગરમાં ચીનની વધતી હાજરીને ધ્યાનમાં રાખીને આ સબમરીન ભારતીય નૌસેનાને વ્યૂહાત્મક રીતે ખૂબ મજબૂત બનાવશે.

(4:54 PM IST)