તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સૂર પુરાવનાર યુરોપિયન યુનિયનને ભારતને જડબાતોડ સલાહ : નેપાળ સરહદ વિવાદ અને વેનેઝુએલાની મુલાકાત પર વિદેશ મંત્રાલયે વલણ સ્પષ્ટ કર્યું
બાહ્ય સંગઠનોને ભારતની સાર્વભૌમત્વનું સન્માન રાખવા અને આવા બિનજરૂરી સંદર્ભોથી દૂર રહેવાની કડક સલાહ આપી

નવી દિલ્હી: કાશ્મીર મુદ્દે પાકિસ્તાન અને યુરોપિયન યુનિયન દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદન સામે ભારતે આકરો વિરોધ નોંધાવી વૈશ્વિક મંચ પર આકરી ચેતવણી આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીર તેમજ લદ્દાખ એ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે, તેથી કોઈપણ ત્રીજા પક્ષને આ આંતરિક બાબત પર ટિપ્પણી કરવાનો કોઈ કાનૂની આધાર કે અધિકાર નથી. ભારતે બાહ્ય સંગઠનોને ભારતની સાર્વભૌમત્વનું સન્માન રાખવા અને આવા બિનજરૂરી સંદર્ભોથી દૂર રહેવાની કડક સલાહ આપી છે.
બીજી તરફ, નેપાળ સાથેના સરહદ વિવાદ અંગે વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે બંને દેશો વચ્ચેની આશરે 98 ટકા સરહદનું સીમાંકન થઈ ચૂક્યું છે અને ગંડક નદીના બદલાતા પ્રવાહને કારણે બાકી રહેલા વિસ્તારો માટે સંયુક્ત મેપિંગ ચાલુ છે. આ મામલે પણ ત્રીજા પક્ષની દખલગીરીને નકારતા ભારતે સ્પષ્ટ કર્યું છે કે દ્વિપક્ષીય વાર્તાલાપ દ્વારા જ પડોશી દેશ સાથેના તમામ પ્રશ્નો ઉકેલાશે. વૈશ્વિક સંબંધોને મજબૂત કરવાના ભાગરૂપે વિદેશ મંત્રાલયે વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝની 3 થી 7 જૂન દરમિયાન થનારી ઉચ્ચ સ્તરીય ભારત મુલાકાતની પણ જાહેરાત કરી છે, જેમાં ઊર્જા, ફાર્માસ્યુટિકલ્સ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવામાં આવશે.
અમેરિકામાંથી ભારતીય નાગરિકોના કથિત દેશનિકાલના અહેવાલો પર પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયે પોતાનું વલણ કડક રાખ્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે ભારત સરકાર કોઈપણ સ્તરે ગેરકાયદેસર ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપતી નથી. અમેરિકા સાથેના દ્વિપક્ષીય સહયોગ હેઠળ આવા કિસ્સાઓની યોગ્ય તપાસ કરીને જ નાગરિકોને સ્વદેશ પરત લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. વૈશ્વિક કૂટનીતિ, સરહદી સુરક્ષા અને ગેરકાયદેસર સ્થળાંતર સામેના ભારતના આ મક્કમ વલણે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની મજબૂત છબીનો પુનઃ પરિચય કરાવ્યો છે.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
