<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

ગ્લોબલ ઇકોનોમીનો 'સુપર પાવર' બન્યું ભારત: વૈશ્વિક આર્થિક વિકાસનું મુખ્ય એન્જિન હોવાની IMF ની મહોર, યુદ્ધ અને મોંઘા તેલ વચ્ચે પણ દેશની અર્થવ્યવસ્થા અડીખમ!

નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માં ભારત ૬.૫ ટકાના દબદબાભર્યા દર સાથે દોડશે: વૈશ્વિક કટોકટી વચ્ચે મજબૂત સ્થાનિક માંગે બચાવ્યું ભારતનું હિત, ૮ જુલાઈએ જાહેર થશે નવો વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક

નવી દિલ્હી : વૈશ્વિક મંચ પર ભારતની આર્થિક તાકાતનો સ્વીકાર કરતાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ એક મોટું અને પ્રશંસનીય નિવેદન આપ્યું છે. આઈએમએફના જણાવ્યા અનુસાર, મધ્ય-પૂર્વ (ખાસ કરીને ઈરાન) માં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઉર્જા (ક્રૂડ ઓઈલ) ના ઊંચા ભાવોના આંચકા છતાં, ભારત સમગ્ર વિશ્વના આર્થિક વિકાસના મુખ્ય ચાલક બળ (ગ્રોથ એન્જિન) તરીકે ઉભરી આવ્યું છે. દુનિયાના અન્ય વિકસિત દેશો જ્યારે મંદીના ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારતની આ સ્પીડ વૈશ્વિક અર્થતંત્ર માટે આશાનું કિરણ બની છે.

મજબૂત સ્થાનિક માંગ અને અમેરિકી નીતિઓથી ભારતને ફાયદો

વોશિંગ્ટન ખાતે આયોજિત નિયમિત પ્રેસ બ્રીફિંગ દરમિયાન IMF ના સંચાર વિભાગના ડાયરેક્ટર જુલી કોઝેકે ભારતીય અર્થતંત્રની પીઠ થાબડી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તમામ પ્રકારના બાહ્ય અવરોધો અને ભૌગોલિક-રાજકીય તણાવ છતાં, ભારતની મજબૂત સ્થાનિક માંગ (Domestic Demand) ના કારણે દેશનું અર્થતંત્ર અસાધારણ રીતે સ્થિતિસ્થાપક અને સુરક્ષિત રહ્યું છે. આઈએમએફએ અગાઉ એપ્રિલ મહિનામાં કરેલા સુધારાને જાળવી રાખીને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતનો વિકાસ દર (GDP Growth) ૬.૫ ટકા રહેવાનો અંદાજ અકબંધ રાખ્યો છે.

વૈશ્વિક બજાર અને તેલના ભાવો પર આઈએમએફનું મહત્વનું વિશ્લેષણ:

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વૈશ્વિક અર્થતંત્રમાં આવી રહેલા હકારાત્મક બદલાવોની પણ ચર્ચા કરવામાં આવી હતી:

·         હોર્મુઝ સ્ટ્રેટ અને યુદ્ધવિરામ: મધ્ય-પૂર્વમાં તાજેતરના યુદ્ધવિરામના પ્રયાસો અને વ્યાપારિક દ્રષ્ટિએ અતિ મહત્વના ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' (Strait of Hormuz) ને ફરીથી ખોલવાની દિશામાં થઈ રહેલી પ્રગતિને IMF એ વૈશ્વિક બજાર માટે મોટો બૂસ્ટર ગણાવ્યો છે.

·         ક્રૂડ ઓઈલની સ્થિતિ: આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવો હવે તેની સર્વોચ્ચ સપાટીથી નીચે આવ્યા છે, જોકે તે હજુ પણ યુદ્ધ પહેલાના સામાન્ય સ્તર કરતાં ૧૦% ઊંચા છે.

·         યુએસ ટેરિફમાં ઘટાડો: અમેરિકા દ્વારા ટેરિફ દરોમાં કરાયેલા ઘટાડાથી વૈશ્વિક ઉર્જા સંકટની નકારાત્મક અસરોને ઓછી કરવામાં મોટી મદદ મળી છે, જેનો સીધો લાભ ભારતીય બજારને પણ મળ્યો છે.

પ્રથમ ત્રિમાસિક ગાળામાં અપેક્ષા કરતાં બહેતર પ્રદર્શન

જુલી કોઝેકે વધુમાં ઉમેર્યું હતું કે કેલેન્ડર વર્ષ ૨૦૨૬ ના પ્રથમ ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ) દરમિયાન ભારતની અર્થવ્યવસ્થાએ તમામ વૈશ્વિક રેટિંગ એજન્સીઓની અપેક્ષાઓ કરતાં ઘણું બહેતર અને શાનદાર પ્રદર્શન કર્યું છે. ગત વર્ષની આર્થિક ગતિની સાતત્યતા જ આ તેજીનું મુખ્ય કારણ છે. હવે આખી દુનિયાની નજર આગામી ૮ જુલાઈ પર ટકેલી છે, જ્યારે IMF સત્તાવાર રીતે પોતાનો અપડેટેડ 'વૈશ્વિક આર્થિક અંદાજ' (World Economic Outlook) જાહેર કરશે, જેમાં ભારત માટે વધુ હકારાત્મક આંકડા સામે આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.

(8:26 PM IST)