તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
ભારતનો ચીન પર આકરો પ્રહાર: 'આતંકવાદીઓને બચાવવાથી તમારી પ્રતિષ્ઠાને કલંક લાગશે', ઓપરેશન સિંદૂર પર મોટો ધડાકો!
ચીનનો પર્દાફાશ: પાકિસ્તાનની આતંકવાદી ચોકીઓને બચાવવા મેદાનમાં આવ્યું હતું બેઇજિંગ - વિદેશ મંત્રાલયે ચીનની 'શાખ' પર ઉઠાવ્યા સવાલ, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને જમીની સ્તરે મદદ કરવાનો ચીને પ્રથમવાર કર્યો સ્વીકાર

નવી દિલ્હી : ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) મંગળવારે ચીનને આકરા શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, પાકિસ્તાનના આતંકવાદી માળખાને બચાવવાના તેના પ્રયાસો તેની વૈશ્વિક 'પ્રતિષ્ઠા અને શાખ' ને ભારે નુકસાન પહોંચાડી શકે છે. MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે એક સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં આ ટિપ્પણી કરી હતી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ચીને મે ૨૦૨૫ માં ભારતના 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાનને સક્રિય સહાય પૂરી પાડી હોવાનો પ્રથમ વખત એકરાર કર્યો છે.
શું હતું ઓપરેશન સિંદૂર?
ગયા વર્ષે ૨૨ એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. ૬ અને ૭ મે, ૨૦૨૫ ની મધ્યરાત્રિએ ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને ૯ આતંકવાદી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યા હતા, જેમાં ૧૦૦ થી વધુ આતંકવાદીઓ ઠાર થયા હતા. જયસ્વાલે આ ઓપરેશનને "ચોક્કસ અને લક્ષ્યાંકિત પ્રતિભાવ" ગણાવ્યો હતો.
ચીન-તુર્કી-પાકિસ્તાનનું ગઠબંધન?
લેફ્ટનન્ટ જનરલ રાહુલ સિંહના ખુલાસા મુજબ, જ્યારે બંને દેશોના મિલિટરી ઓપરેશન્સના ડાયરેક્ટર જનરલ (DGMO) સ્તરે વાટાઘાટો ચાલતી હતી, ત્યારે ચીન પાકિસ્તાનને ભારતીય સેનાની જમાવટ અંગે 'લાઈવ ઇનપુટ્સ' આપી રહ્યું હતું. એટલું જ નહીં, તુર્કીએ પણ પાકિસ્તાનને 'બાયરાક્તાર ડ્રોન' પૂરા પાડીને આ સંઘર્ષમાં મદદ કરી હતી. ચીની એન્જિનિયરોએ પણ સ્વીકાર્યું છે કે તેમણે ૫૦ ડિગ્રી જેટલા આકરા તાપમાનમાં પાકિસ્તાની કર્મચારીઓ સાથે ખભેખભો મિલાવીને કામ કર્યું હતું.
ભારતનું કડક વલણ
વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જે રાષ્ટ્રો પોતાની જાતને જવાબદાર માને છે, તેમણે વિચારવું જોઈએ કે શું આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશને મદદ કરવી યોગ્ય છે? ઓપરેશન સિંદૂર ૧૦ મે ના રોજ પાકિસ્તાનની યુદ્ધવિરામની વિનંતી બાદ થોભાવવામાં આવ્યું હતું, પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ મિશન હજુ માત્ર 'પોઝ' (Pause) કરવામાં આવ્યું છે, પૂરું થયું નથી.
ભારતનો આ 'પ્રતિષ્ઠા' પ્રહાર વિશ્વ સ્તરે ચીનની છબી પર મોટા સવાલ ઉભા કરી રહ્યો છે અને દર્શાવે છે કે ભારત હવે સરહદ પર કે રાજદ્વારી મોરચે કોઈની પણ દખલગીરી સાંખી લેવાના મૂડમાં નથી.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
