<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

"ભારત બનાના રિપબ્લિક નથી": રામલીલા મેદાનની રેલી પર જેપી નડ્ડાના રાહુલ ગાંધી પર તીખા પ્રહારો

વિપક્ષ લોકશાહીની આડમાં દેશમાં અરાજકતા ફેલાવી ચૂંટાયેલી સરકારને ઉથલાવવાનું કાવતરું ઘડી રહ્યો હોવાનો ભાજપનો ગંભીર આરોપ

નવી દિલ્હી :દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી વિપક્ષી ગઠબંધનની રેલી અને વિરોધ પ્રદર્શનને લઈને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) અને વિપક્ષી દળો વચ્ચે રાજકીય સંગ્રામ ચરમસીમાએ પહોંચ્યો છે. આ વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ગંભીર આરોપ લગાવ્યો હતો કે વિપક્ષ લોકશાહીના આડમાં દેશમાં અરાજકતા ફેલાવવા, દેશના અર્થતંત્રને માઠું નુકસાન પહોંચાડવા અને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને ધરાશાયી કરવાનું મોટું કાવતરું ઘડી રહ્યો છે.

આ દરમિયાન કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ રાહુલ ગાંધીની રાજકીય કાર્યશૈલી અને મોડેલ પર સીધા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીનું આખું રાજકારણ માત્ર ચાર સિદ્ધાંતો પર જ નભેલું છે: સતત જૂઠાણું ફેલાવવું, શેરીઓમાં અરાજકતા ભડકાવવી, દેશની આર્થિક સ્થિતિને નુકસાન પહોંચાડવું અને વિદેશી શક્તિઓના ઈશારે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરવો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારત કોઈ 'બનાના રિપબ્લિક' નથી જ્યાં આવી અરાજકતા સાંખી લેવામાં આવે.

જેપી નડ્ડાના આ ધારદાર પ્રહાર બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય વાકયુદ્ધ વધુ તેજ બન્યું છે. ભાજપના અન્ય અગ્રણી નેતાઓએ પણ રેલીના વિરોધમાં મોરચો માંડ્યો છે અને વિપક્ષી ગઠબંધન દેશની છબી ખરાબ કરી રહ્યું હોવાના આક્ષેપો કર્યા છે. બીજી તરફ, વિપક્ષી ખેમા દ્વારા પણ આ નિવેદનો વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે, જેના કારણે રાજધાની દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.

ભૂતકાળમાં પણ સંસદથી લઈને શેરીઓ સુધી સરકારી નીતિઓ અને વિવિધ મુદ્દે ભાજપ તથા વિપક્ષ સામસામે આવી ચૂક્યા છે. આગામી દિવસોમાં આ રાજકીય નિવેદનબાજી અને સંઘર્ષ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે. વિપક્ષી આંદોલન સામે શાસક પક્ષ દ્વારા આક્રમક રણનીતિ અપનાવવામાં આવી રહી છે, જેને પગલે આવનારા સમયમાં સંસદ અને રાજકીય મંચો પર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેનો આ સંગ્રામ વધુ તીવ્ર બનશે.

(2:16 PM IST)