<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

"ભારત બાંગ્લાદેશ નથી, ધ્યાનથી સાંભળો!" : શાસન પરિવર્તનના નારા સામે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુની કડક ચેતવણી

વિપક્ષી નેતાઓ અને પ્રશાંત ભૂષણ દ્વારા 'રેજીમ ચેન્જ'ની હાકલ કરાતા રાજકારણ ગરમાયું: રિજિજુએ દેશના યુવાનોની સકારાત્મક શક્તિનો ઉલ્લેખ કરી વિરોધીઓને આપ્યો જવાબ

નવી દિલ્હી:  દેશમાં "શાસન પરિવર્તન" ની માંગને લઈને રાજકીય વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન  ના પ્રમુખ નેહા બોરા, વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ અને કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાના તાજેતરના નિવેદનો બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વિરોધીઓ પર તીખો પ્રહાર કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કડક શબ્દોમાં વિરોધીઓને ચેતવણી આપતા રિજિજુએ સ્પષ્ટપણે કહ્યું કે, "અરે, તમે 'શાસન પરિવર્તન'ની હાકલ કરી રહ્યા છો? ધ્યાનથી સાંભળી લો, ભારત એ બાંગ્લાદેશ નથી." દેશમાં અરાજકતા ફેલાવવાના પ્રયાસો સામે લાલઆંખ કરતા તેમણે ઉમેર્યું હતું કે દેશના સાચા યુવાનો ભારતનું નિર્માણ કરવા માટે સક્ષમ છે, તેને બરબાદ કરવા માટે નહીં.

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે AISA ના નેતા નેહા બોરાએ સમાજવાદી વિદ્યાર્થી મોરચાના રાષ્ટ્રીય અધિવેશનમાં બાંગ્લાદેશના Gen-Z વિદ્યાર્થી આંદોલનની પ્રશંસા કરી તેને લોકશાહીની લડાઈ ગણાવી હતી. ત્યારબાદ ૧૫ ઓક્ટોબરે દિલ્હીમાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ખુલ્લેઆમ "શાસન પરિવર્તન" નો નારો આપતા કહ્યું કે સરમુખત્યારશાહી સામે આ સત્તા બદલવાની લડાઈ છે અને નાગરિકો તરીકે તેમને આ અધિકાર છે. બીજી તરફ, ૧૬ ઓક્ટોબરે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ પણ આ શબ્દનો બચાવ કરતા ઉમેર્યું કે ૧૯૭૭ની જેમ લોકશાહીમાં ચૂંટણીઓ દ્વારા શાસન પરિવર્તન લાવવું એ જ વિપક્ષનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષી નેતાઓ અને આંદોલનકારીઓને અરીસો બતાવતા ભારતીય યુવાનોની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે દેશના યુવાનો મૂર્ખ નથી, તેઓ ટેકનોલોજી, નવીનતા, સ્ટાર્ટઅપ્સ, રમતગમતમાં મેડલ જીતીને અને સાંસ્કૃતિક ક્ષેત્રે ભારતનું નામ રોશન કરી રહ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ આ મામલે વિપક્ષ પર દેશમાં અસ્થિરતા ફેલાવવાનો આરોપ મૂક્યો છે. સમગ્ર ઘટનાક્રમે હાલ દેશના રાજકારણમાં એક નવો વળાંક લાવી દીધો છે, જ્યાં એક તરફ બંધારણીય ચૂંટણી પ્રક્રિયા છે તો બીજી તરફ આંદોલનો દ્વારા સત્તા પરિવર્તનની ચર્ચાઓ ચાલુ છે.

(6:08 PM IST)