<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી ડિજિટલ અર્થવ્‍યવસ્‍થાઃ એઆઈ અપનાવવામાં ચોથા ક્રમે

એઆઈ અપનાવવામાં ભારતે જર્મની, ફ્રાન્‍સ, જાપાન, કેનેડા જેવા દેશોને પાછળ છોડ્‍યાં

નવી દિલ્‍હી તા.૧: ઈન્‍ટરનેટના વધતાં વ્‍યાપને પગલે ડિજિટલ માધ્‍યોમાંના ઉપયોગમાં થયેલાં વધારાને પરિણામે ભારત વિશ્વની પાંચમી સૌથી વધુ ડિજિટલાઈઝ્‍ડ અર્થવ્‍યવસ્‍થા બન્‍યું છે. જ્‍યારે આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ (એઆઈ) અપનાવવાના મામલે વિશ્વમાં ચોથો ક્રમ હાંસલ કરી ભારતે જર્મની, ફ્રાન્‍સ, જાપાન, યુકે તથા કેનેડા જેવા ૭૧ દેશોને એઆઈની રેસમાં પાછળ ધકેલી દીધાં છે. અહેવાલમાં જણાવ્‍યાં અનુસાર, ૨૦૨૫માં આ યાદીમાં ભારત આઠમાં સ્‍થાને હતું.

વિશ્વના ટોચના પાંચ ડિજિટલ અર્થતંત્રોમાં ચીન, સિગાપોર અને ભારતનો સમાવેશ ઈન્‍ડો-પેસિફિક ક્ષેત્રમાં ડિજિટલ માધ્‍યમોની વધતી સ્‍વીકૃતિ દર્શાવે છે. જ્‍યારે એઆઈ ઈન્‍ડેક્‍સમાં અમેરિકા, ચીન અને સિગાપોર પછી ચોથા ક્રમે રહેલું ભારત, એક મજબૂત વૈશ્વિક એઆઈ પાવરહાઉસ તરીકે ઉભરવાની તેની ક્ષમતા દર્શાવે છે તેમ અહેવાલમાં જણાવાયું છે. તાજેતરના વર્ષોમાં ભારતમાં ડિજિટલ માધ્‍યમોના ઉપયોગમાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરમાં જારી કરાયેલાં આઈસીઆરઆઈઆર-પ્રોસસ સેન્‍ટર ફોર ઈન્‍ટરનેટ એન્‍ડ ડિજિટલ ઈકોનોમી (IPCIDE)ના  વૈશ્વિક અહેવાલમાં જણાવ્‍યાં અનુસાર, વિશ્વના કુલ ૭૨ ટકા એઆઈ યુઝર્સ હાલ વિકાસશીલ દેશોમાં છે. સ્‍ટેટ ઓફ ઈન્‍ડિયાસ ડિજિટલ ઈકોનોમી (એસઆઈડીઈ), ૨૦૨૬ના અહેવાલ અનુસાર, વિશ્વની સૌથી વધુ ડિજિટલાઈઝડ અર્થવ્‍યવસ્‍થામાં ભારતે પાંચમાં ક્રમે જ્‍યારે ચીપ્‍સ-એઆઈ ઈન્‍ડેક્‍સમાં તેણે ચોથું સ્‍થાન હાંસલ કર્યું છે.

વૈશ્વિક સ્‍તરે ડિજિટલ માધ્‍યમોના ઉપયોગમાં થયેલાં વ્‍યાપક પરિવર્તનનોનો ઉલ્‍લેખ કરતાં અહેવાલમાં જણાવાયું છે કે, એઆઈના ૭૨ ટકા જેટલાં વપરાશકર્તાઓ વિકાસશીલ દેશોમાં છે. એઆઈ અપનાવવાના મામલે ભારત અને ચીન સંયુક્‍તપણે વિશ્વભરમાં ૪૦ ટકા હિસ્‍સો ધરાવે છે. ડિજિટલી વિતરિત વેપારના માધ્‍યમથી ભારતે ૩૨૮ અબજ ડોલરની કમાણી કરી છે અને તે વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો એઆઈ પ્રતિભાઓ ધરાવતો દેશ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

આઈસીઆરઆઈઆરના ચેરપર્સન પ્રમોદ ભસીનના જણાવ્‍યાં અનુસાર, ભારતે કનેક્‍ટિવિટી, ઉદ્યોગસાહસિકતા તથા ડિજિટલ પબ્‍લિક ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના માધ્‍યમથી ડિજિટલ ઈકોનોમી માટે મજબૂત પાયાનું નિર્માણ કર્યું છે. પ્રોસસના વાઈસ પ્રેસિડેન્‍ટ સેહરાજ સિહના જણાવ્‍યાં અનુસાર, ભારત હવે માત્ર એક મોટું ડિજિટલ માર્કેટ નથી રહ્યું, બલ્‍કે તે વિશ્વનું એક સૌથી પ્રભાવશાળી અર્થતંત્ર બનવા આગળ વધી રહ્યું છે.(

(10:06 AM IST)