<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

ટુરિઝમ ઈન્‍ડેક્‍સમાં ૯ ક્રમની છલાંગ સાથે ભારત ૩૧મા સ્‍થાને

જાપાન પ્રથમ ક્રમે, ત્‍યારબાદ US, સ્‍પેન, ઓસ્‍ટ્રેલિયા તથા ફ્રાંસનો સમાવેશ : ભારતના પ્રવાસન ક્ષેત્રે કુશળ કર્મચારીઓ, પર્યાવરણની સાતત્‍યતા તથા ટુરિઝમ માળખાની ગુણવત્તા જેવી બાબતોમાં સુધારો કરવાની તાતી આવશ્‍યક્‍તા

નવી દિલ્‍હી તા.૨૯: સમૃદ્ધ સાંસ્‍કૃતિક વારસા અને કિફાયતી પર્યટનને પગલે ભારતે વૈશ્વિક ટ્રાવેલ અને ટુરિઝમ ડેવલપમેન્‍ટ ઈન્‍ડેક્‍સમાં નવ ક્રમની છલાંગ લગાવી ૩૧મું સ્‍થાન હાંસલ કર્યું છે. આ યાદીમાં જાપાન ટોચના ક્રમે છે. ઝ્‍યુરીચ ઈન્‍સ્‍યોરન્‍સ ગ્રૂપના સહયોગથી તૈયાર કરાયેલ વર્લ્‍ડ ઈકોનોમિક ફોરમની યાદીમાં તે પછી અનુક્રમે યુએસ, સ્‍પેન, ઓસ્‍ટ્રેલિયા તથા ફ્રાંસનો ટોચના પાંચ દેશોમાં સમાવેશ થાય છે.

આ યાદીમાં ટોચના સ્‍થાને આર્થિક રીતે વિકસીત દેશોનો દબદબો હોવા છતાં ચીન, ભારત, ઈન્‍ડોનેશિયા, મલેશિયા, થાઈલેન્‍ડ, વિયેતનામ, ફિલિપાઈન્‍સ, તુર્કિયે, મેક્‍સિકો તથા બ્રાઝિલ જેવા દેશોમાં પણ મજબૂત વૃદ્ધિ જોવાઈ રહી હોવાનું વર્લ્‍ડ ઈકોનોમિક ફોરમ (ડબલ્‍યુઈએફ)એ જણાવ્‍યું હતું.

વર્લ્‍ડ હેરિટેજ કલ્‍ચરલ સાઈટ્‍સની સંખ્‍યાની યાદીમાં ચીન, ભારત તથા મેક્‍સિકોએ ટોચના ૧૦ દેશોમાં સ્‍થાન હાંસલ કર્યું છે. અહેવાલમાં જણાવ્‍યાં અનુસાર, પર્યટનની લ્લષ્ટિએ ભારતમાં અત્‍યંત કિફાયતી માહોલ તથા સમૃદ્ધ સાંસ્‍કૃતિક સંસાધનો, અઢળક કુદરતી સંપત્તિનો ભંડાર છે. આ ઉપરાંત પર્યટનને લગતી માળખાકીય સુવિધાઓમાં થયેલો ઝડપી અને નોંધપાત્ર સુધારો, સાંસ્‍કૃતિક ધરોહરો તથા બિઝનેસ ટ્રાવેલ સંસાધનોને કારણે વિશ્વની અગ્રણી ટુરિઝમ અર્થવ્‍યવસ્‍થાઓમાં ભારતે સૌથી વધુ પ્રગતિ કરી છે.

ભારતના પ્રવાસન ક્ષેત્રે રહેલાં પડકારો અંગે અહેવાલમાં જણાવાયું છે કે, કુશળ કર્મચારીઓ, પર્યાવરણની સાતત્‍યતા તથા ટુરિઝમ માળખાની ગુણવત્તા જેવી બાબતોમાં સુધારો કરવાની તાતી આવશ્‍યક્‍તા છે.

સમગ્ર વિશ્વમાં ટુરિઝમ ક્ષેત્રે મોટો ઉછાળો જોવા મળ્‍યો હોવાં છતાં પર્યટન સ્‍થળો માટે એક નવી મુશ્‍કેલી સર્જાઈ હોવાનું જણાવતાં આ અહેવાલ મુજબ, વધતા ખર્ચ, વૈશ્વિક તણાવ, વાતાવરણમાં ફેરફાર, કર્મચારીઓની અછત અને સંસાધનો પર પડતા ભારે દબાણ વચ્‍ચે પણ આ વિક્રમજનક માંગનો મહત્તમ અને દિર્ઘકાલીન લાભ કેવી રીતે મેળવવો, તે એક પડકાર છે

(10:26 AM IST)