તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
ભારત-નેપાળ સરહદ વિવાદ: પીએમ બાલેન શાહના લિપુલેખ-કાલાપાણી પરના નિવેદનથી રાજકીય ગરમાવો
રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીની બેઠકમાં નેપાળી વડાપ્રધાને મજબૂત પુરાવા હોવાનો દાવો કરી ભારત સાથે સરહદી મુદ્દા પર આરપારની લડાઈના સંકેત આપ્યા : વિપક્ષોએ સંસદમાં ઘેરી રાજીનામાની માંગ કરી

કાઠમંડુ: નેપાળના યુવા વડા પ્રધાન બાલેન શાહે ભારત સાથેના વર્ષો જૂના લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાણી સરહદ વિવાદને ફરીથી જીવંત કરીને બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ વધારી દીધો છે. પોતાની પાર્ટી 'રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી' (RSP) ની તાજેતરની બેઠકમાં તેમણે દાવો કર્યો હતો કે નેપાળ પાસે આ વ્યૂહાત્મક ત્રિ-જંકશન ક્ષેત્ર (ભારત, નેપાળ અને ચીનની સરહદ) પર પોતાનો હક સાબિત કરવા માટે સજ્જડ પુરાવા છે. વર્ષ ૧૮૧૬ની સુગૌલી સંધિનો હવાલો આપતા તેમણે જણાવ્યું કે કાલી નદી આ પ્રદેશની વાસ્તવિક સરહદ નક્કી કરે છે અને નેપાળ પડોશી દેશ ભારત સાથે આ મુદ્દે વાટાઘાટો દ્વારા નિર્ણાયક ઉકેલ લાવવા માંગે છે.
જો કે, બાલેન શાહે તાજેતરમાં સંસદમાં આપેલા એક વિવાદાસ્પદ નિવેદને નેપાળના આંતરિક રાજકારણમાં મોટું તોફાન મચાવી દીધું છે, જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે કેટલીક જગ્યાએ નેપાળે પણ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી છે. આ નિવેદન બાદ વિપક્ષી પક્ષો અને દેશના વરિષ્ઠ નેતાઓ તેમની પર આકરા પ્રહારો કરી રહ્યા છે અને સંસદને ગંભીરતાથી ચલાવવાની સલાહ આપીને કહ્યું છે કે આવા સંવેદનશીલ દાવા ચાની દુકાન પર ચર્ચા જેવા ન હોવા જોઈએ. દેશના વિવિધ વિદ્યાર્થી સંગઠનો અને વિપક્ષોએ પીએમ બાલેન શાહના આ વલણ સામે ભારે વિરોધ પ્રદર્શનો શરૂ કરીને તેમના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે.
ભૂતપૂર્વ રેપર અને કાઠમંડુના મેયર રહી ચૂકેલા ૩૬ વર્ષીય બાલેન શાહ નેપાળમાં ભ્રષ્ટાચાર મુક્ત યુવા નેતૃત્વના પ્રતીક તરીકે સત્તામાં આવ્યા છે, પરંતુ આ સરહદ વિવાદ હવે તેમની સરકાર માટે સૌથી મોટો વૈદેશિક પડકાર બની ગયો છે. વર્ષ ૨૦૨૦માં નેપાળે આ વિવાદિત વિસ્તારોને પોતાના નકશામાં દર્શાવીને નવો રાજકીય નકશો બહાર પાડ્યો હતો, જેનો ભારતે સખત વિરોધ કર્યો હતો. લિપુલેખ ક્ષેત્રમાં તાજેતરમાં જોવા મળેલી સૈન્ય હિલચાલ અને તણાવના અહેવાલો વચ્ચે બાલેન શાહનું આ નવું નિવેદન ભારત અને નેપાળના પરંપરાગત મૈત્રીપૂર્ણ સંબંધોમાં વધુ ખટાશ લાવી શકે છે.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
