<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ૨૦ ઓક્ટોબરથી મુક્ત વેપાર કરાર અમલી બનશે: દશેરાના પવિત્ર દિવસે દ્વિપક્ષીય વેપાર ક્ષેત્રે નવો અધ્યાય શરુ થશે

ન્યૂઝીલેન્ડમાં ભારતીય કાર, ઓટો પાર્ટ્સ, કાપડ અને સિરામિક્સ પરની ૧૦% સુધીની કસ્ટમ ડ્યુટી નાબૂદ: આવનારા ૫ વર્ષમાં વેપાર ૪ અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય

નવી દિલ્હી: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના આર્થિક અને વેપારી સંબંધોને વધુ મજબૂત બનાવતો એક ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (Free Trade Agreement - FTA) આગામી ૨૦ ઓક્ટોબર અને દશેરાના શુભ પર્વથી અમલી બનવા જઈ રહ્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ તેમજ ન્યૂઝીલેન્ડના વેપાર મંત્રી ટોડ મેકક્લે દ્વારા નવી દિલ્હીમાં યોજાયેલી એક વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ કરારના અમલીકરણથી બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણના નવા દ્વાર ખુલશે.

 

આ કરારનું સૌથી મહત્વનું પાસું એ છે કે ભારતમાંથી ન્યૂઝીલેન્ડ ખાતે નિકાસ થતી તમામ ચીજવસ્તુઓને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ મળશે. આ અગાઉ ન્યૂઝીલેન્ડમાં ભારતીય કાર, વાહનોના સ્પેરપાર્ટ્સ, ગાલીચા, સિરામિક્સ અને કાપડ જેવી ઉત્પાદનો પર ૧૦% સુધીનો ઊંચો ટેરિફ (જકાત) લાગુ પડતો હતો. હવે ૨૦ ઓક્ટોબરથી આ ટેરિફ સંપૂર્ણપણે નાબૂદ થતાં ન્યૂઝીલેન્ડના બજારોમાં ભારતીય પ્રોડક્ટ્સ નોંધપાત્ર રીતે સસ્તી અને વધુ સ્પર્ધાત્મક બનશે.

 

૫ વર્ષમાં ૪ અબજ ડોલરના વેપારનો લક્ષ્યાંક

 

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ૫ વર્ષમાં બંને દેશો વચ્ચે વસ્તુઓ અને સેવાઓનો કુલ વેપાર વધારીને આશરે ૪ અબજ અંકિત ડોલર સુધી પહોંચાડવાનો છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ ૨૦૨૬ માં ન્યૂઝીલેન્ડની ઐતિહાસિક મુલાકાત લીધી હતી, જે છેલ્લાં ચાર દાયકામાં કોઈ પણ ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત હતી. વડાપ્રધાનની આ મુલાકાતે વેપાર વાટાઘાટોને આખરી ઓપ આપવામાં અને બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈ આપવા માટે મહત્વપૂર્ણ પાયો નાખ્યો હતો.

(7:00 PM IST)