News of Thursday, 24th September 2026
૩ ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનની ટક્કર? એશિયન ગેમ્સમાં હાઈવોલ્ટેજ મુકાબલાનું સમીકરણ તૈયાર
બંને ટીમોને સીધી ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી, ગ્રૂપ કે ક્વાર્ટરમાં સામસામે નહીં આવે ક્વાર્ટર અને સેમિફાઇનલનો પડકાર પાર કર્યો તો ૩ ઓક્ટોબરે ગોલ્ડ મેડલ માટે ટકરાવાની શકયતા

નવી દિલ્હી : જાપાનના આઈચી-નાગોયામાં ચાલી રહેલી ૨૦મી એશિયન ગેમ્સમાં પુરુષોની ક્રિકેટ સ્પર્ધામાં આ વખતે કુલ ૧૦ ટીમો મેડલ માટે મેદાનમાં ઉતરી છે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશને તેમની રેન્કિંગના આધારે સીધી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.
ક્રિકેટ ચાહકોમાં સૌથી વધુ ચર્ચા ભારત અને પાકિસ્તાન વચ્ચેની સંભવિત ટક્કરને લઈને છે. હાલના ડ્રો પ્રમાણે બંને ટીમો ગ્રૂપ સ્ટેજમાં એકબીજાની સામે નહીં આવે. એટલું જ નહીં, બંને અલગ બ્રેકેટમાં હોવાથી ક્વાર્ટર ફાઇનલમાં પણ ભારત-પાકિસ્તાન મુકાબલો શકય નથી.
ભારત ૨૮ સપ્ટેમ્બરે ગ્રૂપ ‘એ'માં બીજા ક્રમે રહેનારી ટીમ સામે ક્વાર્ટર ફાઇનલ રમશે. ગ્રૂપ ‘એ'માં અફઘાનિસ્તાન, જાપાન અને નેપાળનો સમાવેશ થાય છે. બીજી તરફ પાકિસ્તાન ૨૮ સપ્ટેમ્બરે ગ્રૂપ ‘બી'ની બીજા ક્રમે રહેનારી ટીમ સામે ક્વાર્ટર ફાઇનલ રમશે.
જો ભારત અને પાકિસ્તાન પોતાની-પોતાની ક્વાર્ટર ફાઇનલ જીતશે તો બંને સેમિફાઇનલમાં પહોંચશે. ત્યારબાદ બંને ટીમો સેમિફાઇનલમાં પણ વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કરે તો ૩ ઓક્ટોબરે ગોલ્ડ મેડલ માટે ભારત-પાકિસ્તાનની ધમાકેદાર ટક્કર જોવા મળી શકે છે.
જોકે બંને ટીમો સેમિફાઇનલમાં હારી જાય તો પણ ૩ ઓક્ટોબરે બ્રોન્ઝ મેડલ માટે ભારત-પાકિસ્તાન સામસામે આવી શકે છે. એટલે ક્રિકેટ ચાહકો માટે ૩ ઓક્ટોબરનો દિવસ ખાસ બની શકે છે.
પુરુષોની ક્રિકેટ સ્પર્ધાની ફાઇનલ ૩ ઓક્ટોબરે રમાવાની છે. સત્તાવાર કાર્યક્રમ મુજબ ગોલ્ડ મેડલ મેચ ભારતીય સમય પ્રમાણે સવારે ૧૦:૩૦ વાગ્યે નિર્ધારિત છે, જ્યારે બ્રોન્ઝ મેડલ મેચ સવારે ૫:૩૦ વાગ્યે રમાશે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
