News of Saturday, 12th September 2026
ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે નવી ઐતિહાસિક ભાગીદારીના મંડાણ: પુતિનની દિલ્હી મુલાકાત દરમિયાન એસ-૫૦૦ મિસાઈલ સિસ્ટમ, પાંચમી પેઢીના એસયુ-૫૭ ફાઈટર જેટ અને ‘સુપર સુખોઈ’ અપગ્રેડેશન સહિતના અબજો ડોલરના મેગા ડિફેન્સ પેકેજ પર મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા
નવી દિલ્હીમાં યોજાનારી દ્વિપક્ષીય શિખર મુલાકાતમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત સમક્ષ માત્ર શસ્ત્રોના વેચાણ સુધી સીમિત ન રહેતા ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ સંયુક્ત ઉત્પાદન અને અત્યાધુનિક ટેકનોલોજી ટ્રાન્સફરની મહત્ત્વકાંક્ષી દિલચસ્પી દર્શાવશે; વાયુસેનાને વધુ મજબૂત બનાવવાની રણનીતિ પર વૈશ્વિક નજર

નવી દિલ્હી:વૈશ્વિક ભૌગોલિક અને રાજકીય સમીકરણો વચ્ચે ભારત અને રશિયાના દાયકાઓ જૂના વ્યૂહાત્મક સંબંધો એક નવો વળાંક લેવા જઈ રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આગામી ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી અંગે નિર્ણય થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. રશિયા દ્વારા ભારતને પોતાના સૌથી આધુનિક સૈન્ય સાધનો પૂરા પાડવા માટે એક વિશાળ પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં મુખ્યત્વે પાંચમી પેઢીનું 'સુખોઈ એસયુ-૫૭' (Su-57) સ્ટીલ્થ ફાઈટર જેટ, 'એસ-૫૦૦' પ્રોમિથિયસ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ અને ભારતીય વાયુસેનાના હાલના સુખોઈ ફ્લીટને 'સુપર સુખોઈ'માં રૂપાંતરિત કરવાના મહત્ત્વના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
રશિયન દ્રષ્ટિકોણ મુજબ, આ વખતે બંને દેશો વચ્ચે માત્ર શસ્ત્રોની ખરીદી-વેચાણનો જ સંબંધ નહીં રહે, પરંતુ ભારતની સાથે સંયુક્ત ઉત્પાદન (Joint Production) અને ટેકનોલોજી ટ્રાન્સફર (Transfer of Technology)ની નવી દિશા ખોલવામાં આવશે. આ પ્રસ્તાવ હેઠળ રશિયાએ ભારતમાં જ એસયુ-૫૭ વિમાનોના નિર્માણ તેમજ તેના આધુનિક એન્જિનની તકનીક ભારત સાથે શેર કરવાની તૈયારી દર્શાવી છે. આ સિવાય ભારતીય વાયુસેનાના ૨૬૦ જેટલા 'એસયુ-૩૦ એમકેઆઈ' વિમાનોને ૧૧ અબજ ડોલરથી વધુના ખર્ચે 'સુપર સુખોઈ' સ્ટેન્ડર્ડમાં અપગ્રેડ કરવાનો તબક્કાવાર કાર્યક્રમ પણ આ વાટાઘાટોનું મુખ્ય આકર્ષણ છે. આ અપગ્રેડેશનથી આ વિમાનોમાં નવું એઈસા (AESA) રડાર, આધુનિક એવિઓનિક્સ અને નવી પેઢીના શસ્ત્રો જોડવાની સુવિધા મળશે, જેમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) મુખ્ય ભૂમિકા ભજવશે.
બીજી તરફ, હવાઈ સુરક્ષાને કાવચ પૂરું પાડવા માટે રશિયા તરફથી એસ-૪૦૦ સિસ્ટમની ભવ્ય સફળતા બાદ વધુ અદ્યતન એસ-૫૦૦ એર ડિફેન્સ સિસ્ટમ પણ ભારતને ઓફર કરવામાં આવી રહી છે. આ સિસ્ટમ હાઈપરસોનિક મિસાઈલો અને અવકાશમાંથી આવતા ખતરાઓને પણ હવામાં જ નિષ્ફળ બનાવવાની ક્ષમતા ધરાવે છે. ભારતીય સૈન્ય નિષ્ણાતો અને સંરક્ષણ મંત્રાલય આ તમામ દરખાસ્તોની ક્ષમતા, જરૂરિયાત અને નાણાકીય પાસાઓનું ઊંડું મૂલ્યાંકન કરી રહ્યા છે. રશિયન પ્રમુખની આ મુલાકાત ભારતની આત્મનિર્ભરતા અને સંરક્ષણ સજ્જતા બંને માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જેના પર સમગ્ર વિશ્વની નજરો મંડાયેલી છે.
(12:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
