તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
ભારત ૨૦૨૫માં સૌથી મોટા અર્થતંત્રમાં છઠ્ઠા ક્રમે સરક્યું: ત્રીજા ક્રમે છેક ૨૦૩૧માં આવશે
અમેરિકા ૩૦.૮ લાખ કરોડ ડોલરના અર્થતંત્ર સાથે ટોચના ક્રમેઃ IMF : વર્ષ ૨૦૨૫માં ભારતીય અર્થતંત્ર અંદાજે ૩.૯૨ લાખ કરોડ ડોલરનું રહ્યું છે. આ રીતે તે યુકેના ૪ લાખ કરોડ ડોલર અને જાપાનના ૪.૪૪ લાખ કરોડ ડોલરના અર્થતંત્ર કરતાં પાછળ

નવી દિલ્હી તા.૧૬: ભારત વર્ષ ૨૦૨૫માં વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં છઠ્ઠા ક્રમે સરકી ગયું છે. ૨૦૨૪ની સરખામણીમાં તે એક ક્રમ નીચે ગયું છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)ના લેટેસ્ટ ડેટાનું આ તારણ છે. વિશ્વમાં સૌથી ઝડપી ગ્રોથ ધરાવતા અર્થતંત્ર તરીકે ભારતે ટોચનું સ્થાન જાળવ્યું છે.
વર્ષ ૨૦૨૫માં ભારતીય અર્થતંત્ર અંદાજે ૩.૯૨ લાખ કરોડ ડોલરનું રહ્યું છે. આ રીતે તે યુકેના ૪ લાખ કરોડ ડોલર અને જાપાનના ૪.૪૪ લાખ કરોડ ડોલરના અર્થતંત્ર કરતાં પાછળ રહ્યું છે. અમેરિકા ૩૦.૮ લાખ કરોડ ડોલરના જીડીપી સાથે વિશ્વમાં ટોચનું અર્થતંત્ર રહ્યું છે. બીજા ક્રમે ચીન ૧૯.૬ લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર બન્યું છે અને જર્મની ૪.૭ લાખ કરોડ ડોલરના અર્થતંત્ર સાથે ત્રીજા ક્રમે રહ્યું છે.
૨૦૨૪માં ભારત ૩.૫ લાખ કરોડ ડોલરના અર્થતંત્ર સાથે પાંચમા ક્રમે રહ્યું હતું અને તેણે યુકેને પાછળ રાખ્યું હતું અને ટોપ-૫માં સ્થાન મેળવ્યું હતું. યુકેના અર્થતંત્રનું કદ ૩.૪ લાખ કરોડ ડોલર હતો.
ભારતે ગત વર્ષે રૂપી ટર્મમાં ૯ ટકાનો નોમિનલ ગ્રોથ દર્શાવ્યો હતો, પરંતુ ડોલર ટર્મમાં તે પાછળ રહ્યું હતું. વૈશ્વિક આર્થિક રેન્કિંગ ડોલરમાં ગણતરીમાં લેવામાં આ છે અને વળી ભારતીય રૂપિયો ડોલર સામે નબળો પડ્યો હતો તેને કારણે ભારત છઠ્ઠા ક્રમે રહ્યું હતું.
આઈએમએફના અંદાજ મુજબ ભારતીય અર્થતંત્ર ૨૦૨૬માં પણ છઠ્ઠા ક્રમે જ રહેશે. ૨૦૨૭ સુધીમાં ચોથા ક્રમ પર આવી જશે અને તેનો જીડીપી ૪.૫૮ લાખ કરોડ ડોલર થશે તેવો અંદાજ છે. બ્રિટનનો જીડીપી તે સમયે ૪.૪૭ લાખ કરોડ ડોલર રહેશે. અગાઉ આઈએમએફે અંદાજ આપ્યો હતો તે મુજબ વર્ષ ૨૦૨૮માં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનું સૌથી મોટુ અર્થતંત્ર બની જશે તેમ કહ્યું હતું. પરંતુ હવે સુધારાયેલા અંદાજ મુજબ ભારત છેક ૨૦૩૧ સુધીમાં જાપાનને પાછળ રાખીને વિશ્વનું ત્રીજા ક્રમનું અર્થતંત્ર બની શકે છે. ૨૦૩૧માં ભારતીય અર્થતંત્રનું કદ ૬.૭૯ લાખ કરોડ ડોલર થશે અને જાપાનનું અર્થતંત્ર ૫.૧૩ લાખ કરોડ ડોલરનું થશે
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
