તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Sunday, 2nd August 2026
ભારત-તાલિબાનની નિકટતાથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું : ધાર્મિક ઝેર ઓકવા પર ઊતરી આવ્યું
અફઘાન મંત્રી દ્વારા ભારત અને અફઘાનિસ્તાનના સમાન DNA અને સાંસ્કૃતિક સંબંધોના નિવેદન બાદ પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ ધાર્મિક શ્લોકોનો આશરો લઈ તાલિબાન-ભારત સંબંધો પર તીખો હુમલો કર્યો

રાવલપિંડી : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સતત મજબૂત થઈ રહેલા રાજદ્વારી અને સાંસ્કૃતિક સંબંધોથી પાકિસ્તાન ભારે અકળાઈ ગયું છે. તાજેતરમાં અફઘાન તાલિબાન સરકારના એક મંત્રીએ ભારતની મુલાકાત દરમિયાન બંને દેશોના લોકો સમાન ડીએનએ (DNA) અને સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધો ધરાવતા હોવાનું નિવેદન આપ્યું હતું. આ નિવેદનથી પાકિસ્તાની સેનામાં ભારે ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાની સેનાના ઇન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આ નિકટતા સામે તીખો વિરોધ નોંધાવ્યો છે.
રાવલપિંડીમાં યોજાયેલી આ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાની લશ્કરી પ્રવક્તાએ ધાર્મિક સંદર્ભો અને કુરાનની આયતોનો ઉપયોગ કરીને ધાર્મિક ઝેર ઓકવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે મુસ્લિમોએ બિન-મુસ્લિમો કે કાફિરો સાથે મિત્રતા કે રક્ષણ સંબંધો ન બાંધવા જોઈએ. તાલિબાન શાસન પર આકરા પ્રહારો કરતા તેમણે દાવો કર્યો હતો કે તાલિબાન અને ભારતીય શાસક પક્ષ કે આરએસએસ (RSS) વચ્ચેનો વાસ્તવિક સંબંધ "માલિક અને ગુલામ" જેવો છે. તેમણે આરોપ લગાવ્યો કે તાલિબાન સરકાર ભારતની કથિત નીતિઓ મુજબ કામ કરીને ઇસ્લામને નુકસાન પહોંચાડી રહી છે.
બીજી તરફ, ભારતીય ગુપ્તચર વર્તુળો અને રાજકીય વિશ્લેષકોના મતે પાકિસ્તાનની આ બોખલાહટ પાછળ તેનું આંતરિક સંકટ જવાબદાર છે. હાલમાં પાકિસ્તાન બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં વધી રહેલા આતંકવાદી હુમલા અને આંતરિક અસંતોષથી ઘેરાયેલું છે. આ ઉપરાંત, ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટ્સની સુરક્ષા માટે ચીન તરફથી પાકિસ્તાન પર ભારે દબાણ છે. પોતાની સુરક્ષા અને સૈન્ય નિષ્ફળતાઓથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે જ પાકિસ્તાની સેના ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો પર આવા ધાર્મિક અને વિવાદાસ્પદ નિવેદનો આપી રહી છે.
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
