<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

અંતરિક્ષ ક્ષેત્રે ભારત-અમેરિકા રચશે નવો ઇતિહાસ: ઓગસ્ટમાં બેંગલુરુમાં યોજાશે હાઇ-પ્રોફાઇલ 'સિવિલ સ્પેસ જોઈન્ટ વર્કિંગ ગ્રુપ'ની બેઠક!

ISRO અને NASA ના ટોચના અવકાશ વૈજ્ઞાનિકો વચ્ચે યોજાશે દ્વિપક્ષીય મંત્રણા: મંગળ ગ્રહ પર ભૂતકાળમાં જીવન હોવાના ચોંકાવનારા પુરાવા મળ્યાનો દાવો

બેંગલુરુ : અવકાશ સંશોધનના ક્ષેત્રે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના સંબંધો વધુ ગાઢ બની રહ્યા છે. ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં આઇટી કેપિટલ બેંગલુરુ ખાતે 'ભારત-અમેરિકા સિવિલ સ્પેસ જોઈન્ટ વર્કિંગ ગ્રુપ' (CSJWG) ની અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવશે, જેમાં બંને દેશોના અગ્રણી અવકાશ વિજ્ઞાનીઓ અને અધિકારીઓ ભવિષ્યના સ્પેસ મિશનો અંગે ચર્ચા કરશે.

યુએસ કોન્સ્યુલેટ જનરલના પબ્લિક ડિપ્લોમસી ઓફિસર એરિક એટકિન્સે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, અવકાશ ક્ષેત્રે ભારત અને અમેરિકાની ભાગીદારી નવી ઊંચાઈઓ આંબી રહી છે. ૨૦૦૫માં સ્થપાયેલા આ વર્કિંગ ગ્રુપ દ્વારા ISRO અને NASA એક્સિઓમ-૪ (Axiom-4) મિશનથી લઈને NISAR સેટેલાઇટ પ્રોજેક્ટ જેવા અનેક મહત્ત્વકાંક્ષી મિશનો પર સાથે મળીને કામ કરી રહ્યા છે.

નાસાના 'પર્સિવરન્સ રોવર'ને મંગળ ગ્રહ પર મળ્યા જીવનના સંકેતો!

બીજી તરફ, બેંગલુરુની મુલાકાતે આવેલા નાસાની 'જેટ પ્રોપલ્શન લેબોરેટરી' (JPL) ના ભારતીય મૂળના પ્રખ્યાત સ્પેસ સાયન્ટિસ્ટ ડૉ. સ્વાતિ મોહને મંગળ મિશન (Mars 2020) અંગે એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે.

તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, મંગળ ગ્રહ પર કાર્યરત 'પર્સિવરન્સ રોવર' એ તેનું મુખ્ય મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. રોવર દ્વારા મંગળના 'ચેયાવા ધોધ' વિસ્તારમાંથી એકત્રિત કરવામાં આવેલા ૩૩ નમૂનાઓમાંથી લાલ ગ્રહ પર ભૂતકાળમાં સૂક્ષ્મજીવો કે જીવન હોવાના ખૂબ જ મજબૂત અને સંભવિત પુરાવા મળી આવ્યા છે! આ ઉપરાંત, નાસાના 'ઇન્જેન્યુઇટી માર્સ હેલિકોપ્ટરે' મંગળના વાતાવરણમાં ૭૦થી વધુ સફળ ઉડાન ભરીને રેકોર્ડ સર્જ્યો છે.

 

(6:39 PM IST)