<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

ભારત અમેરિકા ટ્રેડ ડીલને ટૂંક સમયમાં અંતિમ સ્‍વરૂપ અપાશે

ભારતનું પ્રતિનિધીમંડળ આગામી સપ્તાહે અમેરિકા જશે

નવી દિલ્‍હી,તા.૨૧: ભારત અને અમેરિકા વચ્‍ચે  દ્વિપક્ષીય વેપાર કરાર અંગે  ચાલી રહેલા પ્રયાસો અંતિમ અને સૌથી મહત્‍વપૂર્ણ તબક્કામાં છે. બંને દેશો વચ્‍ચે  મહત્‍વપૂર્ણ ટ્રેડ ડીલને  ટૂંક સમયમાં અંતિમ સ્‍વરૂપ આપવામાં આવશે. જેની માટે ભારતનું પ્રતિનિધીમંડળ આગામી સપ્તાહે અમેરિકા જવાનું છે.

આ અંગે ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે બંને દેશો વચ્‍ચે વધતા આર્થિક અને વેપાર સંબંધો અંગે મહત્‍વપૂર્ણ માહિતી શેર કરી છે. તેમણે એકસ પર  પુષ્ટિ કરતા જણાવ્‍યું હતું કે આ અઠવાડિયે એક ભારતીય વેપાર પ્રતિનિધિમંડળ વોશિગ્‍ટન જઇ રહ્યું છે. આ મહત્‍વપૂર્ણ મુલાકાતનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્‍વરૂપ આપવાનો છે.

જેમાં દ્વિપક્ષીય વેપાર કરાર સાથે સંકળાયેલી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે આ અઠવાડિયે એક ખાસ ભારતીય વેપાર પ્રતિનિધિમંડળ વોશિગ્‍ટનની મુલાકાતે આવી રહ્યું છે.આ  પ્રતિનિધિમંડળની મુલાકાતનું સ્‍વાગત કરતાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે તેને ટ્રેડ ડીલને અંતિમ સ્‍વરૂપ આપવા તરફનું એક મોટું પગલું ગણાવ્‍યું છે.

આ કરારના આર્થિક પરિણામો પર ટિપ્‍પણી કરતા અમેરિકાના રાજદૂતે જણાવ્‍યું હતું કે આ આગામી કરાર બંને દેશો માટે મહત્‍વના છે.  અમેરિકાના  રાજદૂતના નિવેદનથી સ્‍પષ્ટ થાય છે કે ટ્રમ્‍પ વહીવટીતંત્ર આ દ્વિપક્ષીય કરારને બંને દેશો માટે પરસ્‍પર ફાયદાકારક માને છે. ઉદ્યોગ જગતની  નજર હવે આ અઠવાડિયે વોશિગ્‍ટનમાં યોજાનારી મહત્‍વપૂર્ણ બેઠકો તેમજ કરાર માટે મંજૂરીની અંતિમ મહોર પર ટકેલી છે.

(10:24 AM IST)