<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

ભારત-અમેરિકા ટ્રેડ ડીલઃ ‘ગુડ ન્‍યૂઝ'ની આતુરતા અને અંતિમ નિર્ણયની આશા

વેપાર, ખનીજ, સંરક્ષણ અને ક્‍વાડ ચર્ચાના કેન્‍દ્રમાં : માર્ક રૂબીયોની ભારત યાત્રા ટૂંક સમયમાં થશે

નવી દિલ્‍હી, તા.૬: ભારત અને અમેરિકા વચ્‍ચેના વ્‍યાપારી સંબંધો હવે એક એવા મોડ પર આવી પહોંચ્‍યા છે જ્‍યાંથી બંને દેશોના અર્થતંત્રનો નકશો બદલાઈ શકે છે. અમેરિકાના નાયબ વિદેશ મંત્રી ક્રિસ્‍ટોફર લેન્‍ડૌએ આશાવાદ વ્‍યક્‍ત કર્યો છે કે બંને દેશો ઐતિહાસિક વેપાર કરારની ખૂબ જ નજીક છે. મેરીલેન્‍ડના નેશનલ હાર્બરમાં યોજાયેલી સમિટમાં તેમણે આપેલું નિવેદન એ વાતનો સંકેત છે કે વૈશ્વિક સ્‍તરે ભારતની આર્થિક તાકાત હવે નજરઅંદાજ કરી શકાય તેમ નથી. લેન્‍ડૌએ ભારતને વિશ્વની મહાન શક્‍તિઓમાંથી એક ગણાવીને એ સ્‍વીકાર્યું છે કે ભારત દાયકાઓ જૂના આર્થિક મોડલને ફગાવીને હવે લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા અને વિશાળ વિકાસ સાધવા માટે સંપૂર્ણ સજ્જ છે.

જોકે, આ સોદો જેટલો સરળ દેખાય છે તેટલો રહ્યો નથી. ખાસ કરીને ટેરિફ (જકાત) મામલે જે મોટી રાહતની આશા હતી, તેમાં કાયદાકીય અડચણોએ રોમાંચ વધાર્યો છે. અમેરિકાએ ભારત પરના ટેરિફ ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવા સંમતિ દર્શાવી હતી અને રશિયા પાસેથી તેલની ખરીદીને કારણે પેદા થયેલા તણાવ છતાં વધારાના ૨૫ ટકા ટેરિફ હટાવવાની તૈયારી બતાવી હતી. પરંતુ, ૨૦ ફેબ્રુઆરીના રોજ યુએસ સુપ્રીમ કોર્ટના આંતરરાષ્‍ટ્રીય કટોકટી આર્થિક શક્‍તિ અધિનિયમ અંગેના ચુકાદાએ સમીકરણો બદલી નાખ્‍યા છે. આ કાનૂની ફેરફારે જૂના કરારના પાયાને હચમચાવી દીધો છે, જેને કારણે હવે બંને દેશોએ વાટાઘાટોના ટેબલ પર ફરીથી બેસવું પડ્‍યું છે.

હાલમાં સૌથી મોટો પ્રશ્‍ન એ છે કે લેન્‍ડૌ જે છેલ્લી અવરોધની વાત કરી રહ્યા છે તે શું છે? નિષ્‍ણાતોનું માનવું છે કે ભારતીય વાટાઘાટકારો હવે આ કરારને પુનઃસંતુલિત કરવામાં વ્‍યસ્‍ત છે. ભારત એ સુનિヘતિ કરવા માંગે છે કે નવા વૈશ્વિક ટેરિફ માળખામાં તેના રાષ્‍ટ્રીય હિતો અને સ્‍થાનિક ઉદ્યોગોને કોઈ નુકસાન ન પહોંચે. ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપારને ઼૫૦૦ બિલિયન સુધી લઈ જવાનું જે સપનું છે, તેને સાકાર કરવા માટે આ છેલ્લો અવરોધ પાર કરવો અનિવાર્ય છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં વોશિંગ્‍ટનથી સારા સમાચાર કયારે સત્તાવાર રીતે જાહેર થાય છે. 

(3:04 PM IST)