તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ આખરી ઓપમાં: 'સેક્શન 301'ની અડચણ ઉકેલાતાં જ આગામી ૩-૪ મહિનામાં થશે ઐતિહાસિક કરાર
યુએસ ટ્રેડ એક્ટ હેઠળ ચાલતી તપાસ પૂર્ણ થવાના આરે: આસિયાન બેઠકમાં યુએસ અધિકારીનો દાવો : જ્યારે જેનેરિક દવાઓ પર ટ્રમ્પના નવા ટેરિફ પ્રસ્તાવથી ભારતીય ફાર્મા સેક્ટર માટે ચિંતાના વાદળો

નવી દિલ્હી : ભારત અને યુએસ વચ્ચેના દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં એક નવો મોડ આવ્યો છે, જ્યાં બંને દેશો વચ્ચેનો પ્રસ્તાવિત વેપાર કરાર લગભગ આખરી તબક્કામાં પહોંચી ગયો છે. મનીલામાં આસિયાન વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ દાવો કર્યો છે કે દસ્તાવેજો સંપૂર્ણપણે તૈયાર છે અને આગામી ત્રણથી ચાર મહિનામાં આ કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. જોકે, આ પ્રક્રિયામાં હાલ યુએસ ટ્રેડ એક્ટની 'સેક્શન 301' હેઠળ ચાલી રહેલી તપાસ મુખ્ય વિલંબનું કારણ બની રહી છે, જે આ અઠવાડિયે કે આવતા અઠવાડિયે પૂર્ણ થવાની સંભાવના છે.
'સેક્શન 301' એ ૧૯૭૪ના અમેરિકી વેપાર કાયદાની એક વિશેષ જોગવાઈ છે, જે યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવને અન્ય દેશોની અન્યાયી કે ભેદભાવપૂર્ણ વેપાર નીતિઓ સામે તપાસ કરવાની અને જરૂર પડે તો ટેરિફ લાદવાની સત્તા આપે છે. અધિકારીના જણાવ્યા મુજબ, વિલંબ દ્વિપક્ષીય મતભેદોના કારણે નથી પરંતુ ૬૦ જેટલા દેશો સામે ચાલી રહેલી આંતરિક યુએસ તપાસને કારણે છે. આ તપાસ પ્રક્રિયા આટોપાઈ ગયા બાદ ભારત સહિતના દેશો સાથેના કરાર ઝડપથી આગળ વધશે, જેનાથી દ્વિપક્ષીય આર્થિક સંબંધોને એક નવી દિશા અને મજબૂતી મળશે.
બીજી તરફ, આ કરારની જાહેરાત વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ટેરિફ નીતિએ ભારતીય ઉદ્યોગજગતની ચિંતા વધારી દીધી છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકામાં આયાત થતી જેનેરિક દવાઓ પર ૧ ઓગસ્ટથી બે વર્ષ સુધી ટેરિફ ફ્રી રહેશે, પરંતુ ત્યારબાદના વર્ષોમાં ૧૦૦% થી ૨૦૦% સુધીનો ભારે ટેરિફ ઝીંકવામાં આવશે. ભારતની ફાર્માસ્યુટિકલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો લગભગ ૩૮% જેટલો મોટો છે, જેથી આ નિર્ણાયક ફેરફારોની અસર ભારતના ફાર્મા ક્ષેત્ર પર સીધી પડી શકે છે. આમ, વેપાર કરારની આશા વચ્ચે ટેરિફના નવા પડકારો પણ સામે આવી રહ્યા છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
