<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

ભારત રશિયા પાસેથી દરરોજ ૨૮૬.૨ મિલિયન લિટર ક્રૂડ ઓઇલ ખરીદશે!

અમેરિકાએ રશિયન તેલ આયાત પરના ટેરિફ અને પ્રતિબંધો નાબૂદ કરતા ભારતીય રિફાઇનરીઓ માટે રસ્તો સાફ: રશિયાથી આવતું એક દિવસનું શિપમેન્ટ દિલ્હી જેવા મહાનગરની ૪૦ દિવસની ઇંધણની જરૂરિયાત પૂરી કરી શકશે

નવી દિલ્હી: ટ્રમ્પ દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પરના કડક પ્રતિબંધો અને ટેરિફમાં મોટી છૂટછાટ આપવામાં આવતાં ભારત માટે ઇંધણ પુરવઠા ક્ષેત્રે એક મોટી ચિંતાનો ઉકેલ આવી ગયો છે. યુએસ વહીવટીતંત્રે 'લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ' હેઠળ રશિયન તેલ પરના ટેરિફ દૂર કર્યા છે, જેનાથી ભારતીય ઓઇલ રિફાઇનરીઓ માટે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનો રસ્તો સુગમ બની ગયો છે. આ રાહત બાદ ભારતીય કંપનીઓ રશિયા પાસેથી દરરોજ સરેરાશ ૧.૮ મિલિયન બેરલ એટલે કે આશરે ૨૮૬.૨ મિલિયન લિટર ક્રૂડ ઓઇલ આયાત કરવાની તૈયારી કરી રહી છે, જે દેશની ઊર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

દરિયાઈ માર્ગે વહન થતા તેલના ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે ભારત આ વર્ષે રશિયન ક્રૂડ ઓઇલનો વૈશ્વિક સ્તરે સૌથી મોટો આયાતકાર દેશ રહ્યો છે. દરરોજ ૧.૮ મિલિયન બેરલ આયાત સાથે ભારતે ચીન (૧.૨ મિલિયન બેરલ પ્રતિ દિવસ) ને પણ પાછળ છોડી દીધું છે. ઊર્જા સંશોધન સંસ્થા 'કેપ્લર' ના અંદાજ મુજબ, ઓક્ટોબર મહિનામાં ભારતની રશિયન તેલની આયાત ૧.૮ થી ૧.૯ મિલિયન બેરલ પ્રતિ દિવસની વચ્ચે રહેવાની ધારણા છે. જોકે, આ આંકડો ચાલુ વર્ષના જૂન મહિનામાં નોંધાયેલા રેકોર્ડ ૨.૬ મિલિયન બેરલ અને જુલાઈના ૨.૫૭ મિલિયન બેરલ પ્રતિ દિવસ કરતાં થોડો ઓછો છે. ભારત ઉપરાંત ઇટાલી, તુર્કી અને નેધરલેન્ડ જેવા દેશો પણ રશિયન તેલના મુખ્ય ખરીદદારોમાં સામેલ છે.

વિશ્લેષકોના મતે આ તેલનો જથ્થો ભારતીય ઇંધણ ક્ષેત્ર માટે વિશાળ ભંડાર સમાન છે. એક અંદાજ મુજબ દિલ્હી જેવા મેટ્રો શહેરમાં દરરોજ આશરે ૩.૪૭ મિલિયન લિટર પેટ્રોલ અને ૩.૭૭ મિલિયન લિટર ડીઝલ મળીને કુલ ૭.૨ મિલિયન લિટર ઇંધણનો વપરાશ થાય છે. તેની સરખામણીએ રશિયાથી ભારત આવતી એક દિવસની ૨૮૬.૨ મિલિયન લિટર તેલની આયાત દિલ્હી શહેરની સતત ૪૦ દિવસની તમામ ઇંધણ જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતી છે. એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસીસના મુખ્ય અર્થશાસ્ત્રી માધવી અરોરાના જણાવ્યા મુજબ, યુએસ ટેરિફમાંથી મળેલી આ મુક્તિથી ભારતીય રિફાઇનરીઓને ઓછાં દરે તેલ ખરીદીને દેશમાં ઇંધણનો મોટો અનામત ભંડાર બનાવવામાં મોટી મદદ મળશે.

(9:17 PM IST)