<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

ભારત ક્યારેય નેપાળ કે બાંગ્લાદેશ નહીં બને!: મૌલાના શહાબુદ્દીન રઝવીએ સપા શાસનને ફેંકી દઈ યોગી સરકારના કાયદો-વ્યવસ્થાના વખાણ કર્યા!

વિરોધ પ્રદર્શનો માટે વિદેશથી મળતા ફંડિંગ અને પ્રવાસોની ઉચ્ચસ્તરીય તપાસ કરાવવા કડક માગણી: દિલ્હીના જંતર-મંતર પ્રદર્શનથી મુસ્લિમ યુવાનો દૂર રહે: હિંસાથી દેશ અને સમાજને થશે ભારે નુકસાન'

બરેલી :  ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ ભારતની આંતરિક સુરક્ષા અને વૈશ્વિક સ્થિતિ અંગે અત્યંત મહત્વપૂર્ણ અને તીખું નિવેદન આપતાં દેશના રાજકારણમાં નવો ગરમાવો લાવી દીધો છે. ઉત્તર પ્રદેશના બરેલી ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતા મૌલાના રઝવીએ સ્પષ્ટ અને મક્કમ શબ્દોમાં જણાવ્યું હતું કે, ભારત ક્યારેય નેપાળ, બાંગ્લાદેશ કે શ્રીલંકા જેવી અસ્થિરતાનો ભોગ બની શકે નહીં. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ એક મોટી માગણી મૂકતાં કહ્યું કે, ભારતમાં અશાંતિ ફેલાવવા અને વિરોધ પ્રદર્શનો ઉશ્કેરવા માટે વિદેશ પ્રવાસ કરનારા તથા બહારથી આવતા શંકાસ્પદ લોકોની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે, જેથી દેશની શાંતિ અને અખંડિતતા જોખમાય નહીં.

આ સાથે જ મૌલાના શહાબુદ્દીન રઝવીએ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારના કાયદો અને વ્યવસ્થાના ખુલ્લા દિલથી વખાણ કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક અને મજબૂત રહી છે. બહરાઇચ અને સંભલની કેટલીક છૂટાછવાઈ ઘટનાઓને બાદ કરતાં વર્તમાન ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં હિંસાની કોઈ ગંભીર ઘટના બની નથી. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના નેતૃત્વ હેઠળની સમાજવાદી પાર્ટીની સરકાર પર આકરા પ્રહારો કરતાં તેમણે ઉમેર્યું હતું કે, સપાના શાસનમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ખાડે ગઈ હતી અને ગુનાખોરીનો ગ્રાફ ઊંચો હતો.

તાજેતરમાં નવી દિલ્હીના જંતર-મંતર ખાતે આયોજિત વિરોધ પ્રદર્શનો અંગે વાત કરતાં મૌલાના રઝવીએ મુસ્લિમ યુવાનોને શાંતિ જાળવવાની ખાસ અપીલ કરી હતી. તેમણે દિલ્હી અને ઉત્તર પ્રદેશના આસપાસના વિસ્તારોમાં વસતા મુસ્લિમ યુવાનોને આગ્રહ કર્યો હતો કે તેઓ કોઈના ઉશ્કેરાટમાં આવ્યા વગર અરાજકતા કે હિંસા પેદા કરી શકે તેવા કોઈ પણ વિરોધ પ્રદર્શનથી દૂર રહે. વિરોધ કરવો એ લોકશાહી અધિકાર હોવાનું સ્વીકારવાની સાથે તેમણે ચેતવણી આપી હતી કે, જો કોઈ આંદોલન હિંસક રૂપ ધારણ કરે તો તેનાથી સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વધે છે. નેહા બોરા અને પ્રશાંત ભૂષણ જેવા નેતાઓના વિવાદિત નિવેદનોનો ઉલ્લેખ કરીને તેમણે ભારતના આંતરિક તણાવ દૂર રાખવા આહ્વાન કર્યું હતું.

(7:36 PM IST)