<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

એશિયન પેરા ગેમ્સમાં 30 ગોલ્ડ સહિત 114 મેડલ સાથે ભારતે જૂનો રેકોર્ડ તોડ્યો: વડાપ્રધાન મોદીએ ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને તેમની મહેનતને બિરદાવી.

જાપાનમાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ એવી સિદ્ધિ હાંસલ કરી જે દેશના રમતગમત ઇતિહાસમાં નોંધાઈ ગઈ

જાપાનના આઈચી-નાગોયામાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ દેશનું નામ રોશન કર્યું છે. ભારતીય પેરા એથ્લેટ્સે કુલ 114 મેડલ જીતીને અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે. આ સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પદક વિજેતા ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને તેમના સંઘર્ષ, મહેનત તથા સિદ્ધિઓની પ્રશંસા કરી હતી.

એશિયન પેરા ગેમ્સમાં ભારતે કુલ 114 મેડલ પોતાના નામે કર્યા છે. જેમાં 30 ગોલ્ડ, 35 સિલ્વર અને 49 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં 97 ભારતીય પેરા એથ્લેટ્સે મેડલ જીતવામાં યોગદાન આપ્યું હતું. ભારતીય દળના આ પ્રદર્શને દેશ માટે નવો રેકોર્ડ બનાવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુરુવારે પદક વિજેતા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, ખેલાડીઓનો સંઘર્ષ અને તેમની સિદ્ધિઓ દેશના દરેક નાગરિક માટે પ્રેરણારૂપ છે. તેમણે ઉમેર્યું કે, એક સમય એવો હતો જ્યારે માતા-પિતા બાળકોને રમતગમતમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરતાં અચકાતા હતા, કારણ કે પ્રતિભાને યોગ્ય તક અને સહકાર આપતી વ્યવસ્થાનો અભાવ હતો. વડાપ્રધાને કહ્યું કે, દેશના યુવાનોની પ્રતિભા વેડફાઈ ન જાય તે માટે વ્યવસ્થામાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ યુવાનને પોતાની પ્રતિભા પર વિશ્વાસ હોય તો તેને દેશનો સહકાર મળશે તેવો વિશ્વાસ પણ છે.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયા અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસે પણ ઉપસ્થિત રહ્યાં હતાં. બે ગોલ્ડ મેડલ જીતનાર હાથ વગરની તીરંદાજ શીતલ દેવી અને દૃષ્ટિહીન દોડવીર સિમરન પણ આ મુલાકાતમાં જોડાયાં હતાં.

(12:19 AM IST)