તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
અમેરિકાની ચૂંટણીમાં ભારતીય-અમેરિકનોનો મોટો દબદબો: ડેમોક્રેટિક પાર્ટીની તરફેણમાં સૌથી વધુ ૬૬% ભારતીયોનું સમર્થન
AAPI સર્વેક્ષણમાં ખુલાસો: ફિલિપિનો મતદારો રિપબ્લિકન તરફી, જ્યારે મોંઘવારી અને આરોગ્ય ક્ષેત્રે ડેમોક્રેટ્સ પર એશિયન સમુદાયનો સૌથી વધુ ભરોસો

વોશિંગ્ટન : અમેરિકામાં યોજાનારી મધ્યવર્તી (મિડટર્મ) ચૂંટણીઓ પહેલા એશિયન-અમેરિકન મતદારોના રાજકીય વલણ અંગે એક ચોંકાવનારો અને રસપ્રદ અહેવાલ સામે આવ્યો છે. APIAVote અને AAPI ડેટા દ્વારા કરવામાં આવેલા ૨૦૨૬ના વિશાળ સર્વે મુજબ, તમામ એશિયન વંશીય જૂથોમાં ભારતીય-અમેરિકનો ડેમોક્રેટિક ઉમેદવારોને સૌથી વધુ ટેકો આપી રહ્યા છે. સેનેટની ચૂંટણીમાં ભારતીય-અમેરિકનોનું ડેમોક્રેટિક પક્ષ પ્રત્યેનું સમર્થન સૌથી વધુ ૬૬% નોંધાયું છે, જે ભારતીય સમુદાયના મજબૂત રાજકીય પ્રભાવને દર્શાવે છે.
બીજી તરફ, ફિલિપિનો-અમેરિકનો એકમાત્ર એવું જૂથ છે જે રિપબ્લિકન પાર્ટી તરફ વધુ ઝુકાવ ધરાવે છે, જેમાં ૩૯% લોકો રિપબ્લિકન ઉમેદવારને પસંદ કરે છે. એકંદરે સમગ્ર AAPI (એશિયન અમેરિકન અને પેસિફિક આઇલેન્ડર) સમુદાયમાં ડેમોક્રેટ્સ ૨-ટુ-૧ ના વિશાળ માર્જિનથી આગળ છે. કોંગ્રેસની ચૂંટણીમાં ૬૪% એશિયન મતદારોએ ડેમોક્રેટિક પાર્ટી પર પસંદગી ઉતારી છે, જ્યારે રિપબ્લિકન ઉમેદવારોને માત્ર ૨૨% નો ટેકો મળ્યો છે. સ્વતંત્ર (ઇન્ડિપેન્ડન્ટ) મતદારોમાં પણ ૫૪% લોકો ડેમોક્રેટ્સ તરફી ઝુકાવ ધરાવે છે.
આ ચૂંટણીમાં એશિયન-અમેરિકનો માટે 'જીવન નિર્વાહનો ખર્ચ' અને 'મોંઘવારી' સૌથી મોટો ચિંતાનો વિષય છે. ૯૦% મતદારોએ જણાવ્યું હતું કે તેઓ મતદાન કરતી વખતે મોંઘવારીને ધ્યાનમાં રાખશે. વિશેષ વાત એ છે કે, ૪૫% લોકોનું માનવું છે કે ડેમોક્રેટિક પાર્ટી મોંઘવારી પર વધુ સારો કાબૂ મેળવી શકે છે, જ્યારે માત્ર ૧૭% લોકો જ આ બાબતે રિપબ્લિકન પાર્ટી પર ભરોસો મૂકે છે. આ સિવાય હેલ્થકેર (૮૨%), નોકરીઓ અને શિક્ષણ (૭૯%) જેવા મુદ્દાઓ પણ ચૂંટણીના મુખ્ય એજન્ડા બની રહ્યા છે.
અમેરિકાની કુલ ૧૬ મિલિયન (૧.૬ કરોડ) AAPI મતદારોની વસ્તી નેવાડા, એરિઝોના, જ્યોર્જિયા અને પેન્સિલવેનિયા જેવા રસાકસી ભરેલા સ્ટેટ્સમાં હાર-જીત નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. રાજકારણથી થોડા થાકેલા હોવા છતાં, ૯૦% નોંધાયેલા મતદારોએ મતદાન કરવાની સ્પષ્ટ તૈયારી દર્શાવી છે. જોકે, ૪૨% મતદારોએ ફરિયાદ કરી છે કે મુખ્ય રાજકીય પક્ષો હજુ સુધી સીધો તેમનો સંપર્ક કરી શક્યા નથી. આવી સ્થિતિમાં ભારતીય-અમેરિકનોનો એકતરફી ટેકો ડેમોક્રેટિક પાર્ટી માટે બહુ મોટું વરદાન સાબિત થઈ શકે છે.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
