તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
ભારતીય સેના બનશે મહાશક્તિશાળી: સંરક્ષણ દળો માટે ₹૫૨,૦૦૦ કરોડના મેગા પ્રોજેક્ટ્સને મંજૂરી
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આગેવાનીમાં ત્રણેય પાંખોની તાકાત વધારવા માટે એન્ટી-ડ્રોન સિસ્ટમ 'આકાશ તરંગ', કામિકાઝ ડ્રોન, મિસાઈલો અને નૌકાદળ માટે અત્યાધુનિક માનવરહિત પ્રણાલીઓની ખરીદીને લીલી ઝંડી

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે અને સરહદો પર વધી રહેલા વ્યૂહાત્મક પડકારોને પહોંચી વળવા માટે ભારત સરકારે દેશના સશસ્ત્ર દળોને વધુ આધુનિક અને ઘાતક બનાવવાની દિશામાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી સંરક્ષણ સંપાદન પરિષદ (DAC) ની ઉચ્ચ સ્તરીય બેઠકમાં અંદાજે ₹૫૨,૦૦૦ કરોડના મૂડી સંરક્ષણ ખરીદી પ્રોજેક્ટ્સને સૈદ્ધાંતિક મંજૂરી (AoN) આપવામાં આવી છે. આ મેગા ડીલનો મુખ્ય હેતુ ભવિષ્યના આધુનિક યુદ્ધક્ષેત્રની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારતીય આર્મી, નેવી અને એરફોર્સની લડાયક ક્ષમતા, હવાઈ સુરક્ષા અને દેખરેખ પ્રણાલીને અભેદ્ય બનાવવાનો છે.
આ મંજૂરી હેઠળ ભારતીય સેનાને દુશ્મનના ડ્રોન હુમલાઓનો સફાયો કરવા માટે અત્યાધુનિક એન્ટી-ડ્રોન ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી "આકાશ તરંગ" મળવા જઈ રહી છે, જે આગળના મોરચે તૈનાત લશ્કરી ઠેકાણાઓને સુરક્ષિત રાખશે. આ સિસ્ટમ દુશ્મનના ડ્રોનને શોધીને તેને હવામાં જ નિષ્ક્રિય કરવા માટે સક્ષમ છે. આ ઉપરાંત, પાયદળ સૈનિકોની તાકાત વધારવા માટે મેન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ, શોર્ટ-રેન્જ અને મીડિયમ-રેન્જ સરફેસ-ટુ-એર મિસાઇલ સિસ્ટમ અને ટેન્કોની રક્ષા કરતી સક્રિય સુરક્ષા પ્રણાલી ખરીદવામાં આવશે. આ યુદ્ધ સામગ્રીમાં નવી પેઢીના જેટ-આધારિત 'કામિકાઝ ડ્રોન' પણ સામેલ છે, જે હવામાંથી જ દુશ્મનના ચોક્કસ લક્ષ્યો પર સચોટ આત્મઘાતી હુમલો કરી શકે છે.
બીજી તરફ, સમુદ્રમાં ડ્રેગન અને પડોશી દેશોની નાપાક હિલચાલને રોકવા માટે ભારતીય નૌકાદળ (નેવી) ને પણ ભારે આધુનિક હથિયારોથી સજ્જ કરવામાં આવશે. નૌકાદળ માટે મલ્ટી-રોલ દરિયાઈ ખાણો, લાંબા અંતરની દેખરેખ રાખવા માટે હાઈ-ટેક સેન્સર્સથી સજ્જ માનવરહિત હવાઈ પ્રણાલીઓ અને ભાવિ યુદ્ધ જહાજોના વિકાસ માટે ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમની જમીન-આધારિત પરીક્ષણ સુવિધા સ્થાપવાની દરખાસ્તને મંજૂરી મળી છે. આ તમામ સંરક્ષણ પ્રણાલીઓ સ્વદેશી ટેકનોલોજી અને 'મેક ઇન ઇન્ડિયા' ને પ્રોત્સાહન આપતા ભારતીય જળ અને જમીન સરહદોની સાર્વભૌમત્વને અખંડ રાખવામાં ગેમ-ચેન્જર સાબિત થશે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
