તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
કાશ્મીરમાં દિવ્યાંગો માટે આશીર્વાદરૂપ બની ભારતીય સેના : કૃત્રિમ અંગો, શ્રવણયંત્ર અને વ્હીલચેરનું નિઃશુલ્ક વિતરણ
ચિનાર કોર અને જયપુર ફૂટના સંયુક્ત ઉપક્રમે શરીરની ખોડખાંપણ ધરાવતા લોકોને નવજીવન આપવાનો પ્રયાસ : જરૂરિયાતમંદોને આત્મનિર્ભર બનાવવાની માનવતાભરી પહેલ

જમ્મુ : કાશ્મીરના શરીફાબાદમાં ભારતીય સેનાએ વિશેષ શિબિર યોજીને દિવ્યાંગોને કૃત્રિમ હાથ-પગ, શ્રવણયંત્ર, વ્હીલચેર અને ચાલવામાં મદદરૂપ સાધનો ઉપલબ્ધ કરાવ્યાં : નિષ્ણાત તબીબોએ વ્યક્તિગત તપાસ કરીને જરૂરિયાત મુજબ સાધનો આપ્યાં.
દેશની સરહદોની રક્ષા કરવાની સાથે માનવસેવામાં પણ ભારતીય સેના સતત અગ્રેસર રહી છે. કાશ્મીરમાં ભારતીય સેનાની ચિનાર કોરે દિવ્યાંગ વ્યક્તિઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી એક પ્રશંસનીય માનવતાભર્યું અભિયાન હાથ ધર્યું છે. જયપુરની જાણીતી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ, જે 'જયપુર ફૂટ' તરીકે ઓળખાય છે, તેના સહયોગથી કાશ્મીરના શરીફાબાદ ખાતે કૃત્રિમ અંગો અને સહાયક સાધનોના વિતરણ માટે વિશેષ શિબિર યોજવામાં આવી હતી.
આ શિબિરમાં અકસ્માત, બીમારી અથવા અન્ય કારણોસર હાથ કે પગ ગુમાવનારા લોકોને નિઃશુલ્ક કૃત્રિમ અંગો આપવામાં આવ્યાં હતાં. જયપુર ફૂટના નિષ્ણાત તબીબો અને ટેકનિશિયનોની ટીમે દરેક લાભાર્થીની શારીરિક સ્થિતિ અને જરૂરિયાતનું વ્યક્તિગત મૂલ્યાંકન કરીને તેને અનુરૂપ કૃત્રિમ અંગો તૈયાર કરી આપ્યાં હતાં.
આ ઉપરાંત સાંભળવામાં તકલીફ અનુભવતા લોકોને શ્રવણયંત્ર તથા હલનચલનમાં મુશ્કેલી ધરાવતા દિવ્યાંગોને વ્હીલચેર, ઘોડી અને કેલિપર સહિતનાં સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં હતાં.
આ પ્રયાસનો મુખ્ય હેતુ માત્ર સાધનોનું વિતરણ કરવાનો નહોતો, પરંતુ દિવ્યાંગોને દૈનિક જીવનમાં વધુ સ્વતંત્રતા, આત્મવિશ્વાસ અને સન્માનપૂર્વક જીવન જીવવાની તક આપવાનો હતો. આ પ્રકારની સહાયથી લાભાર્થીઓને પરિવાર અને સમાજની પ્રવૃત્તિઓમાં વધુ સક્રિયપણે જોડાવાની તક મળી શકે છે.
સેનાના આ માનવતાભર્યા પ્રયાસને સ્થાનિક રહેવાસીઓ અને લાભાર્થીઓએ આવકાર્યો હતો. જરૂરિયાતમંદ લોકો સુધી તેમના જ વિસ્તારમાં પુનર્વસન સેવાઓ પહોંચાડવા બદલ ભારતીય સેના અને જયપુર ફૂટ સંસ્થાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
