<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

CWG 2026 માં ૧૩ ગોલ્ડ સહિત ૩૯ મેડલ જીતી ભારતીય ખેલાડીઓએ રચ્યો ઈતિહાસ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સફળતાને બિરદાવી, અમદાવાદ ૨૦૩૦ રમતો માટે ભારતને સોંપાયો ધ્વજ

કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ માં ભારતે ચોથું સ્થાન મેળવ્યું: ૨૦૩૦ માં શતાબ્દી આવૃત્તિની યજમાની માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્કોટલેન્ડમાં સત્તાવાર ધ્વજ સ્વીકાર્યો.

નવી દિલ્હી : ગ્લાસગો ખાતે સમાપ્ત થયેલી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ માં ભારતીય ખેલાડીઓએ પોતાની શાનદાર રમતથી સમગ્ર દેશનું દિલ જીતી લીધું છે. ભારતીય ટુકડીએ કુલ ૩૯ મેડલ — ૧૩ ગોલ્ડ, ૧૭ સિલ્વર અને ૯ બ્રોન્ઝ — પોતાના નામે કરીને મેડલ ટેલીમાં ચોથું સ્થાન હાંસલ કર્યું છે. ભારતના આ અદ્ભુત અને ઐતિહાસિક પ્રદર્શન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર તમામ મેડલ વિજેતા ખેલાડીઓ અને સમગ્ર ભારતીય ટુકડીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રી મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, "ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં આપણા ખેલાડીઓના પ્રદર્શન પર સમગ્ર દેશને ગર્વ છે. ૧૩ ગોલ્ડ સહિત ૩૯ મેડલ જીતવાની આ સિદ્ધિ અત્યંત આનંદદાયક છે. સમગ્ર સ્પર્ધા દરમિયાન આપણા પ્રતિભાશાળી રમતવીરોએ અસાધારણ કૌશલ્ય, સમર્પણ અને દ્રઢ સંકલ્પ શક્તિનો પરિચય આપ્યો છે. તેમની આ મહેનત દેશના કરોડો યુવાનો માટે પ્રેરણાસ્રોત બનશે." પ્રધાનમંત્રીએ ભવિષ્યની સ્પર્ધાઓ માટે પણ ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ વખતના ગેમ્સમાં ભારતના શ્રેષ્ઠ પ્રદર્શન આપતા કેટલાક રમત-વિભાગો કાપવામાં આવ્યા હોવા છતાં ખેલાડીઓએ દેશની ઝોળીમાં વિજયી મેડલોનો વરસાદ કર્યો હતો. રવિવારે આ રમતોનો સત્તાવાર સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં ભારત માટે એક યાદગાર અને ગૌરવપૂર્ણ ક્ષણ આવી હતી.
વર્ષ ૨૦૩૦ માં કોમનવેલ્થ ગેમ્સની ૧૦૦મી શતાબ્દી આવૃત્તિનું આયોજન ગુજરાતના અમદાવાદ શહેરમાં થવાનું છે. આ નિમિત્તે પરંપરાગત ફ્લેગ હેન્ડઓવર સરેમની દરમિયાન સ્કોટલેન્ડથી ભારતને સત્તાવાર રીતે સીડબ્લ્યુજી ધ્વજ સોંપવામાં આવ્યો હતો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતીકાત્મક રીતે આ ધ્વજ સ્વીકારીને અમદાવાદ ૨૦૩૦ ની ઐતિહાસિક રમતગમત સફરનો અધિકૃત પ્રારંભ કર્યો હતો.

(6:49 PM IST)