News of Thursday, 7th May 2026
દુબઈમાં ભારતીય વેપારી સમુદાયનો ડંકો: ૧૦૦ વર્ષ જૂના ‘અંકલ્સ શોપ’ પરિવારને પ્રતિષ્ઠિત ‘અર્થ દુબઈ’ એવોર્ડ, શેખ મોહમ્મદે સ્વહસ્તે કર્યું સન્માન
૧૯૨૨માં ‘વત્રા’ દ્વારા નખાયેલો પાયો આજે ચોથી પેઢી સુધી પહોંચ્યો: દુબઈના વિકાસ અને સંસ્કૃતિને જાળવવામાં ભારતીય પરિવારના યોગદાનની વૈશ્વિક સ્તરે નોંધ

દુબઈ,: દુબઈના આર્થિક અને સામાજિક વિકાસમાં ભારતીય બિઝનેસમેનોનો વર્ષોથી સિંહફાળો રહ્યો છે. આ કડીમાં એક ઐતિહાસિક ક્ષણ ત્યારે આવી જ્યારે દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમે ભારતીય મૂળની ૧૦૦ વર્ષ જૂની ટ્રેડિંગ પેઢી ‘અંકલ્સ શોપ બિલ્ડિંગ મટીરિયલ ટ્રેડિંગ’ (Uncle’s Shop) ને શહેરના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ‘અર્થ દુબઈ’ (Erth Dubai) થી નવાજ્યા. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર દીપક ભાટિયાએ ‘બેસ્ટ પ્રાઈવેટ સેક્ટર એન્ટિટી’ શ્રેણીમાં આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
સદી પુરાણો વારસો અને અતૂટ વિશ્વાસ
આ વ્યવસાયનો પાયો છેક ૧૯૨૨માં સ્વર્ગસ્થ ઉત્તમચંદ ભાટિયા દ્વારા નાખવામાં આવ્યો હતો, જેઓ સ્નેહથી ‘વત્રા’ તરીકે ઓળખાતા હતા. આજે આ પરિવારની ચોથી પેઢી દુબઈના વેપાર, બાંધકામ ક્ષેત્ર અને સમુદાયના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહી છે. આ એવોર્ડ એ વાતનું પ્રતીક છે કે દુબઈના એક નાના બંદરથી લઈને વૈશ્વિક મહાનગર બનવા સુધીની સફરમાં ભારતીય ઉદ્યોગપતિઓએ કેટલી મહેનત અને પ્રામાણિકતાથી કામ કર્યું છે.
શેખ મોહમ્મદ અને ક્રાઉન પ્રિન્સની ઉપસ્થિતિ
આ ભવ્ય એવોર્ડ સમારોહમાં દુબઈના શાસક ઉપરાંત ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમ પણ ઉપસ્થિત રહ્યા હતા. દીપક ભાટિયાએ આ સન્માન બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ એવોર્ડ માત્ર અમારી કંપની માટે જ નહીં, પરંતુ અમારા સ્થાપક અને અમારા પરિવારના એ તમામ સભ્યો માટે શ્રદ્ધાંજલિ છે જેમણે દુબઈની પ્રગતિમાં નિષ્ઠાપૂર્વક ફાળો આપ્યો છે. અમને ગર્વ છે કે અમે દુબઈને અમારું ઘર કહી શકીએ છીએ.”
શું છે ‘અર્થ દુબઈ’ એવોર્ડ?
‘અર્થ દુબઈ’ એ અમીરાતના સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંનું એક છે. આ એવોર્ડ તે વ્યક્તિઓ, પરિવારો અને સંસ્થાઓને આપવામાં આવે છે જેમણે દુબઈની ઓળખ, વારસો અને વિકાસને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હોય. ખાસ કરીને જે પરિવારોએ દુબઈના સાંસ્કૃતિક સ્મૃતિઓને જાળવી રાખવા અને તેના વિકાસની યાત્રામાં દાયકાઓ સુધી સાથ આપ્યો છે, તેમને આ સન્માન આપવામાં આવે છે. ભાટિયા પરિવારનું આ સન્માન ભારત અને દુબઈ વચ્ચેના અતૂટ વ્યાપારી સંબંધોની યાદ અપાવે છે.
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
