News of Saturday, 27th June 2026
અમેરિકામાં રહેતા ભારતીય દંપતી સમક્ષ આજીવિકા બચાવવી કે કેન્સર પીડિત માતાની અંતિમ ક્ષણોમાં પડખે ઊભા રહેવું તે અંગે ધર્મસંકટ: સોશિયલ મીડિયા પર દર્દનાક આપવીતી વાયરલ થયા બાદ પ્રવાસી ભારતીયોમાં ભારે ચર્ચા
એચ-૧બી વિઝાના કડક નિયમો અને પાસપોર્ટ પર સ્ટેમ્પિંગની મુદત પૂરી થઈ ગઈ હોવાથી વતન પરત ફરવામાં નોકરી ગુમાવવાનું મોટું જોખમ; ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ મેળવવા માટે પણ કલાકો સુધી વેબસાઇટ ફંફોસવા મજબૂર બનેલા પરિવારની વ્હારે આવવા લોકોની અપીલ

વોશિંગ્ટન, ૨૭ જૂન : અમેરિકામાં સ્થાયી થયેલા એચ-૧બી (H-1B) વિઝા ધારક એક ભારતીય દંપતી અત્યારે અત્યંત કપરા અને હૃદયદ્રાવક દોરમાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ ભારતમાં વસતા પત્નીના માતા કેન્સરના છેલ્લા સ્ટેજમાં હોવાથી જિંદગીની આખરી લડાઈ લડી રહ્યા છે, જ્યારે બીજી તરફ અમેરિકાના કડક વિઝા નિયમો આ પરિવાર માટે ભારત આવવામાં સૌથી મોટી આડખીલી બન્યા છે. વતન પરત ફર્યા બાદ ફરી અમેરિકા જવા માટે વિઝા સ્ટેમ્પિંગની લાંબી પ્રક્રિયાના કારણે બંનેની નોકરીઓ છૂટી જવાનો મોટો ડર સતાવી રહ્યો છે. આ આખી દર્દનાક કહાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'રેડિટ' પર વાયરલ થયા બાદ વૈશ્વિક સ્તરે પ્રવાસી ભારતીયોમાં વિઝા નીતિઓને લઈને એક નવી ચર્ચા છેડાઈ છે.
મળતી વિગતો અનુસાર, અમેરિકામાં નોકરી કરતા આ ભારતીય દંપતીને બે સંતાનો છે, જેમાંથી એક બાળક મિડલ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને બીજું ઘણું નાનું છે. તાજેતરમાં જ પરિવારને સમાચાર મળ્યા હતા કે ભારતમાં રહેતા પત્નીના માતા ગંભીર પ્રકારના કેન્સરથી પીડિત છે અને તેઓ જીવનના અંતિમ પડાવ પર છે. આ નાજુક પરિસ્થિતિમાં પુત્રી અને જમાઈ તરીકે આખા પરિવારે તાત્કાલિક ભારત પહોંચવું અનિવાર્ય બન્યું છે. જોકે, તેમની સામે કાનૂની ટેકનિકલ સમસ્યા એ આવીને ઊભી રહી છે કે તેમના પાસપોર્ટ પર રહેલા એચ-૧બી વિઝાની સ્ટેમ્પિંગ મુદત પૂરી થઈ ગઈ છે.
અમેરિકન ઇમિગ્રેશનના પ્રવર્તમાન નિયમો મુજબ, જો કોઈ વિઝા ધારક દેશની બહાર જાય અને તેના પાસપોર્ટ પર સક્રિય સ્ટેમ્પિંગ ન હોય, તો તેણે ફરી અમેરિકામાં પ્રવેશવા માટે વતનમાં આવેલા અમેરિકી દૂતાવાસ (એમ્બેસી) કે કોન્સ્યુલેટમાંથી ફરજિયાતપણે વિઝા સ્ટેમ્પિંગ કરાવવું પડે છે. ટ્રમ્પ વહીવટીતંત્રના સમયથી અમલમાં આવેલા સોશિયલ મીડિયા સ્ક્રિનિંગ અને કડક બેકગ્રાઉન્ડ વેરિફિકેશન જેવા નિયમોના લીધે હાલના સમયમાં ભારતમાં વિઝા સ્ટેમ્પિંગ માટેની એપોઇન્ટમેન્ટ મેળવવામાં મહિનાઓનો સમય નીકળી જાય છે. દંપતીને સૌથી મોટો ભય એ છે કે જો તેઓ ભારત આવ્યા બાદ સમયસર વિઝા સ્ટેમ્પિંગ નહીં કરાવી શકે, તો તેઓ સમયમર્યાદામાં અમેરિકા પરત ફરી શકશે નહીં અને આ સ્થિતિમાં કંપનીઓ તેમને નોકરીમાંથી બરતરફ કરી દેશે.
આ આર્થિક અને પારિવારિક કટોકટી વચ્ચે પતિ ભારે મુંઝવણમાં મુકાયો છે કે પત્નીને એકલી ભારત મોકલવી કે પછી બંને બાળકો સાથે આખા પરિવારે વતન જવાનું જોખમ ઉઠાવવું. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ મૂકાયા બાદ હજારો પ્રવાસી ભારતીયોએ તેના પર પ્રતિક્રિયા આપી છે. કેટલાક લોકોએ એવી ભાવનાત્મક સલાહ આપી છે કે નોકરી કે આજીવિકા કરતા માતાની છત્રછાયા વધુ કિંમતી છે, માટે આખા પરિવારે કોઈ પણ ચિંતા વગર ભારત જવું જોઈએ. તો વળી કેટલાક ટેકનિકલ જાણકારોએ વહેલી સવારે ૨ થી ૩ વાગ્યાના સમયે યુએસ ઇમિગ્રેશનની વેબસાઇટ ચેક કરીને તબીબી કટોકટીના આધારે 'ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ' મેળવવાનો પ્રયાસ કરવા સૂચવ્યું છે.
બીજી તરફ, કેટલાક યુઝર્સે વ્યવહારુ પાસાંઓ પર ભાર મૂકતા જણાવ્યું છે કે આખા પરિવારે જોખમ લેવાને બદલે પત્નીને એકલી જ ભારત મોકલવી હિતાવહ રહેશે, કારણ કે સિંગલ અરજદાર માટે ઇમરજન્સી વિઝા સ્ટેમ્પિંગની એપોઇન્ટમેન્ટ મળવી આખા પરિવારની સરખામણીએ ઘણી સરળ હોય છે. પતિ બાળકો સાથે અમેરિકા રોકાશે તો ઓછામાં ઓછી એક નોકરી અને આજીવિકા સુરક્ષિત રહેશે. આ ગંભીર કટોકટી વચ્ચે અનેક લોકોએ પોતાના સકારાત્મક અનુભવો શેર કરીને દંપતીને સાંત્વના અને હિંમત પણ આપી છે કે જો તમામ કાગળો કાયદેસર અને યોગ્ય હશે તો માનવતાના ધોરણે સ્ટેમ્પિંગ વહેલું થઈ શકે છે. જોકે, આ ઘટનાએ અમેરિકામાં વસતા હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને અન્ય કર્મચારીઓની એ વિઝા મજબૂરીને ફરી સપાટી પર લાવી દીધી છે, જ્યાં કટોકટીના સમયે પણ તેઓ પોતાના પરિવાર પાસે મુક્તપણે જઈ શકતા નથી.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
