તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ અને સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ ૪ ડિસેમ્બરે પ્રભુતામાં પગલાં પાડશે: લખનૌની રામાડા હોટેલમાં યોજાશે રોયલ વેડિંગ!
ટી-૨૦ સ્પેશિયાલિસ્ટ રિંકુ અને મછલીશહરના યુવા સાંસદના હાઈ-પ્રોફાઈલ લગ્નને લઈને તૈયારીઓ તેજ; રાજકારણ, ક્રિકેટ અને બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓનો જામશે જમાવડો

લખનૌ : ભારતીય ક્રિકેટ ટીમનો આક્રમક બેટ્સમેન રિંકુ સિંહ અને ઉત્તર પ્રદેશની મછલીશહર લોકસભા બેઠકના સમાજવાદી પાર્ટીના યુવા સાંસદ પ્રિયા સરોજ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અહેવાલો મુજબ, આ હાઈ-પ્રોફાઈલ યુગલના લગ્ન આવનારી ૪ ડિસેમ્બરના રોજ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ સ્થિત પ્રતિષ્ઠિત 'રામાડા હોટેલ' ખાતે ધામધૂમથી યોજાશે.
મછલીશહરથી સાંસદ બનેલા પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટીના યુવા અને પ્રભાવશાળી ચહેરાઓમાંથી એક છે. તેઓ અગ્રણી નેતા અને પૂર્વ સાંસદ તૂફાની સરોજના પુત્રી છે, જેઓ ઘણા વર્ષોથી ઉત્તર પ્રદેશના રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. રિંકુ સિંહ અને પ્રિયા સરોજે ગયા વર્ષે લખનૌની સેન્ટ્રમ હોટેલમાં અત્યંત ખાનગી પણ ભવ્ય સમારોહમાં સગાઈ કરી હતી, અને હવે આ જોડી પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કરવા માટે ઉત્સુક છે.
૪ ડિસેમ્બરની તારીખ નજીક આવી રહી હોવાથી બંને પરિવારોમાં ઉત્સાહ અને લગ્નની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. એક તરફ સિક્સર કિંગ રિંકુ સિંહ ભારતીય ક્રિકેટમાં પોપ્યુલર ફેસ છે, તો બીજી તરફ પ્રિયા સરોજ યુવા રાજકીય પ્રતિનિધિ તરીકે જાણીતા છે. આથી, લખનૌમાં યોજાનારા આ રોયલ વેડિંગમાં રમતગમત, રાજકારણ, બિઝનેસ અને મનોરંજન ક્ષેત્રની અનેક દિગ્ગજ હસ્તીઓ હાજરી આપે તેવી પૂરેપૂરી સંભાવના છે. બંને ક્ષેત્રોના ચાહકો આ લગ્નની ઉજવણીની વધુ વિગતો જાણવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
