તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
‘પાકિસ્તાની કાશ્મીર’ શબ્દપ્રયોગ પર ભારતીય દૂતાવાસે ન્યૂ યોર્ક ટાઇમ્સને લપડાક લગાવી: અમેરિકી મીડિયાના પક્ષપાતી કવરેજ સામે ભારતનો ભારે આક્રોશ
મંગળયાન કાર્ટૂનથી લઈને કાશ્મીર અને હિન્દુ વિરોધી હિંસા સુધી: વારંવાર ભારતીય વાસ્તવિકતાઓને ખોટી રીતે રજૂ કરીને ભારત વિરોધી એજન્ડા ચલાવવાનો 'ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ' પર ગંભીર આરોપ

વોશિંગ્ટન, તા.30: "દુનિયામાં 'પાકિસ્તાની કાશ્મીર' જેવું કોઈ અસ્તિત્વ જ નથી, જે કંઈ પણ છે તે માત્ર પાકિસ્તાન કબજા હેઠળનું કાશ્મીર (PoK) જ છે." આ કડક અને સ્પષ્ટ શબ્દો સાથે અમેરિકા સ્થિત ભારતીય દૂતાવાસે જાણીતા અમેરિકી અખબાર 'ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ' (NYT) ને ફેક્ટ-ચેક કરીને અરીસો બતાવ્યો છે. પાકિસ્તાન શાસિત કાશ્મીરમાં તાજેતરમાં થયેલી સ્થાનિક ચૂંટણીઓ અને હિંસક અથડામણો પર ન્યૂ યોર્ક ટાઇમ્સે 'પાકિસ્તાની કાશ્મીર' શબ્દપ્રયોગ સાથે અહેવાલ છાપતા ભારે વિવાદ સર્જાયો છે.
ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અવિભાજ્ય અને અભિન્ન ભાગ રહ્યા છે અને હંમેશા રહેશે. પાકિસ્તાને આ વિસ્તારો પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમી મીડિયા અને ખાસ કરીને ન્યૂ યોર્ક ટાઇમ્સ દ્વારા ભારત સંબંધિત મુદ્દાઓ પર આવી ભ્રામક અને પક્ષપાતી માહિતી પીરસવામાં આવી હોય તેવી આ કોઈ પહેલી ઘટના નથી.
અગાઉ વર્ષ 2024 માં બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદ હિન્દુઓ પર થયેલા ભયાનક હુમલાઓને ન્યૂ યોર્ક ટાઇમ્સે "બદલાના હુમલા" (Revenge Attacks) ગણાવીને પીડિતોને જ ગુનેગાર ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. લોકોના ભારે વિરોધ બાદ તેમણે કોઈ પણ માફી માગ્યા વિના હેડલાઈન બદલી નાખી હતી. આ ઉપરાંત, 2023 માં કાશ્મીરમાં પ્રેસ સ્વતંત્રતા અંગે પ્રકાશિત કરેલા લેખને પણ ભારતના તત્કાલીન કેન્દ્રીય મંત્રીએ કાલ્પનિક અને વિષમય પ્રચાર ગણાવ્યો હતો.
ભારતીય સમુદાય અને વૈશ્વિક સ્તરે NYT ના પક્ષપાતનું સૌથી મોટું ઉદાહરણ 2014 માં જોવા મળ્યું હતું. જ્યારે ભારતે સફળતાપૂર્વક 'મંગળયાન' મિશન પૂર્ણ કર્યું, ત્યારે NYT એ એક અત્યંત અપમાનજનક કાર્ટૂન છાપ્યું હતું, જેમાં એક ભારતીય ખેડૂતને ગાય સાથે 'એલીટ સ્પેસ ક્લબ'નો દરવાજો ખટખટાવતો દર્શાવવામાં આવ્યો હતો. આ કાર્ટૂન સામે વૈશ્વિક સ્તરે વિરોધ થતાં આખરે અખબારે સત્તાવાર રીતે માફી માંગવી પડી હતી.
માત્ર એટલું જ નહીં, વર્ષ 2013 માં ભારતીય રાજદ્વારી દેવયાની ખોબ્રાગડેની અમેરિકામાં ગેરકાયદેસર અટકાયત અને તલાશી મામલે પણ આ અખબારે ભારતના વિરોધને "અતિશય પ્રતિક્રિયા" ગણાવી હતી. પશ્ચિમી આઉટલેટ્સ દ્વારા ભારતીય સંપ્રભુતા અને લોકશાહી મૂલ્યોને વારંવાર ટાર્ગેટ કરવાના આ વલણ સામે હવે ભારતીય કૂટનીતિ અને નાગરિકો અત્યંત આક્રમક રીતે જવાબ આપી રહ્યા છે.
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
