તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
રૂપિયાને પતનથી બચાવવા ભારત સરકારનો મહાપ્લાન: દેશના ફોરેક્સ રિઝર્વને મજબૂત કરવા માટે ૩.૫ કરોડ પ્રવાસી ભારતીયોના 'ડાયસ્પોરા ડોલર'નો લેવાશે આશરો
નાણામંત્રી નિર્મલા સીતારમણની સરકારી બેંકોને કડક સૂચના—વધુ વ્યાજ અને આકર્ષક સ્કીમો આપી NRI ડિપોઝિટ આકર્ષો; દેશમાં $50 બિલિયનનો જંગી વિદેશી પ્રવાહ આવવાની આશા

નવી દિલ્હી, તા. ૧૪: આંતરરાષ્ટ્રીય બજારમાં વૈશ્વિક અનિશ્ચિતતા, ભૌગોલિક-રાજકીય તણાવ અને ક્રૂડ ઓઇલના ભડકે બળતા ભાવો વચ્ચે ભારતીય ચલણ રૂપિયાને ઘસારાથી બચાવવા માટે ભારત સરકારે એક મોટો માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે. દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર (Forex Reserve) ને અભેદ્ય બનાવવા માટે સરકારે હવે વિશ્વભરમાં ફેલાયેલા તેના વિશાળ પ્રવાસી ભારતીય (Diaspora) સમુદાય તરફ નજર દોડાવી છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, સરકારે જાહેર ક્ષેત્રની તમામ બેંકોને આશરે ૩.૫ કરોડ પ્રવાસી ભારતીયો પાસેથી વિદેશી થાપણો (NRI Deposits) એકત્રિત કરવાની ઝુંબેશ તેજ કરવા આદેશ આપ્યો છે.
નાણામંત્રીની બેંક વડાઓ સાથે મહત્વની બેઠક
નાણામંત્રી નિર્મલા સીતારમણે સરકારી બેંકોના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજેલી એક ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે, બેંકો પોતાના ડિજિટલ નેટવર્ક અને આઉટરીચ પ્રોગ્રામ્સને વધુ વ્યાપક બનાવે જેથી વિદેશી ભારતીયો ભારતમાં વધુને વધુ નાણાં ડિપોઝિટ કરે. નાણામંત્રીએ સરકારી ધિરાણકર્તાઓને ગુજરાતની પ્રતિષ્ઠિત 'ગિફ્ટ સિટી' (GIFT City) ખાતે ઉપલબ્ધ વૈશ્વિક બેંકિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્તમ ઉપયોગ કરવા પણ તાકીદ કરી છે. આ નવીનતમ પહેલ વર્ષ ૨૦૧૩ના "ટેપર ટેન્ટ્રમ" કટોકટી જેવી જ છે, જ્યારે ભારતે વિશેષ ડિપોઝિટ સ્કીમ દ્વારા $૩૪ બિલિયન એકત્ર કરી રૂપિયાને મજબૂત રક્ષણ આપ્યું હતું.
૭.૫ ટકા સુધી વ્યાજ ઓફર કરી રહી છે બેંકો
વિદેશી હૂંડિયામણના પ્રવાહને વેગ આપવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) પણ સંપૂર્ણ એક્શન મોડમાં છે. સેન્ટ્રલ બેંકે તાજેતરમાં જ બેંકો માટે સંપૂર્ણ હેજિંગ-કોસ્ટ સપોર્ટ લંબાવ્યો છે, જેના કારણે બેંકો હવે વિદેશી થાપણદારોને આકર્ષવા માટે ૭.૫ ટકા સુધીના ઉંચા વ્યાજ દરો ઓફર કરી રહી છે. આ આકર્ષક વ્યાજ દરોને કારણે સિંગાપોર, હોંગકોંગ, યુએસએ, યુકે અને ગલ્ફ દેશોમાં વસતા બિન-નિવાસી ભારતીયો (NRIs) આ યોજનામાં ભારે રસ દાખવી રહ્યા છે. આર્થિક વિશ્લેષકોના મતે આ આયોજનથી ભારતમાં અંદાજે $૫૦ બિલિયન (રૂ. ૪ લાખ કરોડથી વધુ) નો નવો વિદેશી પ્રવાહ આવી શકે છે.
સમસ્યાઓ ઉકેલવા RBI ગવર્નર પણ બેઠક યોજશે
આ આખી પ્રક્રિયાને ઝડપી અને વધુ સુગમ બનાવવા માટે ટૂંક સમયમાં જ આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા સરકારી અને ખાનગી ક્ષેત્રના અગ્રણી બેંક વડાઓ સાથે એક ખાસ બેઠક યોજવાના છે. આ બેઠકમાં વિદેશી ચલણ વધારવા અને તેના અમલીકરણમાં આવતા ઓપરેશનલ પડકારોને દૂર કરવા અંગે વિસ્તૃત ચર્ચા થશે.
વૈશ્વિક સ્તરે ભારત અગાઉથી જ $૧૦૦ બિલિયનથી વધુ રેમિટન્સ મેળવતો વિશ્વનો સૌથી મોટો દેશ છે, અને હવે પ્રવાસી ભારતીયોની આ બચતો દેશની આર્થિક સ્થિરતા માટે વરદાન સાબિત થઈ શકે છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
