<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

વૈશ્વિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ભવિષ્યને આકાર આપશે ભારતીય ઉદ્યોગપતિઓ: મુકેશ અંબાણી, સુનીલ ભારતી મિત્તલ અને લક્ષ્મી મિત્તલની ગ્લોબલ AI કમિશનમાં વરણી!

એમેઝોન, માઈક્રોસોફ્ટ અને એનવીડિયાના દિગ્ગજો સાથે મળીને ભારતીય બિઝનેસ લીડર્સ કરશે જવાબદાર AI ગવર્નન્સ અને ડિજિટલ સમાવેશ માટે કામ

નવી દિલ્હી : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં ભારતનું કદ અને પ્રભાવ સતત વધી રહ્યો છે. ટેકનોલોજીના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે ભારતની વધતી જતી તાકાતનો પુરાવો ત્યારે મળ્યો છે જ્યારે ભારતના ત્રણ દિગ્ગજ ઉદ્યોગપતિઓ - રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, ભારતી એન્ટરપ્રાઇઝના ફાઉન્ડર અને ચેરમેન સુનીલ ભારતી મિત્તલ તથા આર્સેલરમિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી એન. મિત્તલની પ્રતિષ્ઠિત 'AI ફોર ગુડ ગ્લોબલ કમિશન' (AI for Good Global Commission) ના સ્થાપક સભ્યો તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ૪૪ સભ્યો ધરાવતું ઉચ્ચ સ્તરીય વૈશ્વિક કમિશન AI ના સુરક્ષિત, નૈતિક અને જવાબદાર ઉપયોગ માટે દુનિયાભરમાં બ્લૂપ્રિન્ટ તૈયાર કરશે.
આ વૈશ્વિક સમિતિમાં ભારત ઉપરાંત વિશ્વની અન્ય અગ્રણી ટેક કંપનીઓના વડાઓનો પણ સમાવેશ થાય છે, જેમાં એમેઝોનના સીઈઓ એન્ડી જેસી, એનવીડિયાના ફાઉન્ડર અને સીઈઓ જેન્સન હુઆંગ, માઈક્રોસોફ્ટના વાઈસ ચેર અને પ્રેસિડેન્ટ બ્રૅડ સ્મિથ તથા ક્વોલકોમના સીઈઓ ક્રિસ્ટિયાનો એમોન જેવા દિગ્ગજ નામો સામેલ છે. આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારો અને ખાનગી ક્ષેત્ર વચ્ચેના અંતરને ઘટાડીને AI ટેકનોલોજીના જવાબદાર અમલીકરણ માટે વ્યવહારુ માર્ગો નક્કી કરવાનો છે, જેથી આધુનિક ટેકનોલોજીનો લાભ માત્ર વિકસિત દેશોને જ નહીં પરંતુ વિકસિત થઈ રહેલા અર્થતંત્રોને પણ મળે.
AI ના ઉપયોગમાં વિકાસશીલ દેશો પાછળ ન રહી જાય તે પ્રાથમિકતા
આ કમિશનનું લોન્ચિંગ રવાન્ડાના રાષ્ટ્રપતિ પોલ કાગામે, સેલ્સફોર્સના ચેર અને સીઈઓ માર્ક બેનિઓફ તથા ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) ના સેક્રેટરી-જનરલ ડોરીન બોગડાન-માર્ટિન દ્વારા કરવામાં આવ્યું હતું. ITU ના આંકડા મુજબ, વિશ્વની લગભગ એક-ચતુર્થાંશ વસ્તી હજુ પણ ડિજિટલ ટેકનોલોજીથી દૂર છે અને અંદાજે ૨.૨ અબજ લોકો ઓફલાઈન છે. આ કમિશનનો મુખ્ય ધ્યેય AI ના ઝડપી વિકાસની સાથે સાથે વધતી જતી ડિજિટલ અસમાનતાને રોકવાનો છે. તે સુનિશ્ચિત કરવા માંગે છે કે AI નો ઉપયોગ માત્ર આર્થિક અંતર વધારવા માટે નહીં, પરંતુ વૈશ્વિક પડકારોને ઉકેલવા માટે કરવામાં આવે.
આગામી દિવસોમાં જીનીવામાં યોજાશે પ્રથમ બેઠક
આ મહત્વપૂર્ણ વૈશ્વિક પહેલની પ્રથમ બેઠક આગામી ૭ જુલાઈથી ૧૦ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન જીનીવામાં યોજાનારા 'AI ફોર ગુડ ગ્લોબલ સમિટ ૨૦૨૬' ના ભાગરૂપે યોજાશે. આ બેઠક ડિજિટલ વીકના ભાગરૂપે યોજાશે અને તેમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા નિર્ધારિત AI ગવર્નન્સ પરની પ્રથમ વૈશ્વિક સંવાદ અને WSIS ફોરમ ૨૦૨૬ પણ સામેલ હશે. મુકેશ અંબાણી, સુનીલ મિત્તલ અને લક્ષ્મી મિત્તલ જેવા ભારતીય લીડર્સનું આ સમિતિમાં હોવું એ સાબિત કરે છે કે ભારત હવે માત્ર ટેકનોલોજીનો ગ્રાહક નથી રહ્યો, પરંતુ તે વૈશ્વિક નીતિ નિર્ધારણમાં પણ મહત્વની ભૂમિકા ભજવવા માટે સજ્જ છે.

(10:03 PM IST)