તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
દક્ષિણ ચીન સમુદ્રમાં ભારતીય નૌકાદળની એન્ટ્રીથી ચીન પેટમાં તેલ રેડાયું: ફિલિપાઇન્સના રાજદૂતે ભારતની વધતી હાજરીને ગણાવી 'મોટો સંકેત'; કહ્યું- 'નિયમ-આધારિત દરિયાઈ વ્યવસ્થા માટે ભારત આપણો મજબૂત સંગાથી'!
દિલ્હીમાં યોજાયેલી વિશેષ ચર્ચામાં ફિલિપાઇન્સના રાજદૂત જોસેલ એફ. ઇગ્નાસિયોનું મોટું નિવેદન: UNCLOS હેઠળ દરિયાઈ સુરક્ષા, આર્થિક સ્થિતિસ્થાપકતા અને સંરક્ષણ ક્ષેત્રે ભારત-ફિલિપાઇન્સની ભાગીદારી થશે વધુ મજબૂત

નવી દિલ્હી, તા.૨૧: વૈશ્વિક રાજનીતિ અને સંરક્ષણ ક્ષેત્રે ભારતનું પ્રભુત્વ સતત વધી રહ્યું છે. દક્ષિણ ચીન સમુદ્ર (South China Sea) માં ભારતીય નૌકાદળની વધતી હાજરી અને ફિલિપાઇન્સ સાથેના સંયુક્ત નૌકાભ્યાસથી ચીનની દાદાગીરી સામે મોટો સવાલ ઊભો થયો છે. ભારતમાં ફિલિપાઇન્સના રાજદૂત જોસેલ એફ. ઇગ્નાસિયોએ દક્ષિણ ચીન સમુદ્રમાં ભારતીય નૌકાદળની સક્રિય તૈનાતીના મુક્તકંઠે વખાણ કર્યા છે અને તેને આંતરરાષ્ટ્રીય સમુદ્રી કાયદાઓ (UNCLOS) ની રક્ષા માટે એક "અત્યંત મહત્વપૂર્ણ અને સ્પષ્ટ સંકેત" ગણાવ્યો છે.
દિલ્હી ખાતે અનંત સેન્ટર દ્વારા આયોજિત 'પાણીમાં દોરેલી રેખાઓ' (Lines Drawn in Water) વિષય પરની રાઉન્ડ ટેબલ ચર્ચા દરમિયાન વાતચીત કરતા રાજદૂત ઇગ્નાસિયોએ જણાવ્યું હતું કે ભારત અને ફિલિપાઇન્સ બંને જવાબદાર દરિયાઈ દેશો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ખાસ કરીને તાજેતરના બે વર્ષમાં બંને દેશો વચ્ચેની સંરક્ષણ ભાગીદારી અભૂતપૂર્વ રીતે મજબૂત થઈ છે, જે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે ખૂબ જરૂરી છે.
બ્રહ્મોસ મિસાઇલ ડીલથી લઈને સમુદ્રી સુરક્ષા સુધી મજબૂત જોડાણ
ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે સંરક્ષણ સંબંધોમાં તાજેતરમાં ઐતિહાસિક પ્રગતિ જોવા મળી છે, જેમાં ભારત પાસેથી સુપરસોનિક બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલ ખરીદવાની સીમાચિહ્નરૂપ ડીલ મુખ્ય છે. રાજદૂતે સ્પષ્ટ કર્યું કે ભારતનું યોગદાન માત્ર સંરક્ષણ ક્ષેત્ર પૂરતું સીમિત નથી, પરંતુ તે પ્રાદેશિક આર્થિક સ્થિતિસ્થાપકતા, દરિયાઈ કનેક્ટિવિટી, સપ્લાય ચેઈન સુરક્ષા અને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ મોટું પ્રદાન આપી રહ્યું છે. તેમણે ભારતના 'MAHASAGAR' અને 'IPOI' (ઇન્ડો-પેસિફિક ઓશન્સ ઇનિશિયેટિવ) વિઝનની પણ પ્રશંસા કરી હતી.
PCA ના સર્વસંમતિથી અપાયેલા ચુકાદાના ૧૦ વર્ષ
આ ચર્ચા દરમિયાન, દક્ષિણ ચીન સમુદ્ર પર ૧૨ જુલાઈ, ૨૦૧૬ ના રોજ પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન (PCA) દ્વારા આપવામાં આવેલા સર્વસંમતિના ચુકાદાની ૧૦મી વર્ષગાંઠ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ ચુકાદામાં ચીનના મનસ્વી પ્રાદેશિક દાવાઓને ફગાવી દેવાયા હતા. ફિલિપાઇન્સે સ્પ્રેટલી ટાપુઓ અને સ્કારબોરો શોલ જેવા વિસ્તારોમાં ચીનની ઘૂસણખોરી સામે ભારતના આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને ક્વાડ (Quad) તેમજ આસિયાન (ASEAN) સમૂહના સમર્થનને બિરદાવ્યું હતું.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
