તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
ભારતીય નૌકાદળની દરિયામાં ત્રિશક્તિ: પીએમ મોદીએ INS દુનાગિરી, INS સંશોધક અને INS અગ્રે યુદ્ધજહાજોનું કર્યું ઐતિહાસિક કમિશનિંગ!
કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી બંદર પરથી વડાપ્રધાને ગર્જના કરી- "ભારત હવે સંરક્ષણ ક્ષેત્રમાં માત્ર ખરીદદાર બનીને નહીં રહે, આપણી લશ્કરી શક્તિ વૈશ્વિક બજાર માટે મોહતાજ નથી"

કોલકાતા: ભારતની દરિયાઈ સરહદોને અભેદ્ય બનાવવા અને હિંદ મહાસાગરમાં ડ્રેગન સહિતના દુશ્મનોને જોરદાર પછાડ આપવા માટે ભારતીય નૌકાદળમાં એકસાથે ત્રણ-ત્રણ શક્તિશાળી સ્વદેશી યુદ્ધજહાજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવેલા ઐતિહાસિક શ્યામા પ્રસાદ મુખર્જી બંદર પર આયોજિત એક ભવ્ય સમારોહમાં INS દુનાગિરી, INS સંશોધક અને INS અગ્રેનું રાષ્ટ્રજોગ કમિશનિંગ કર્યું હતું. સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા અને ભારતની વધતી જતી વૈશ્વિક સૈન્ય તાકાત તરફ આ એક ખૂબ જ મોટો અને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ કદમ માનવામાં આવી રહ્યો છે. આ ત્રણેય જહાજો લડાઇ, સમુદ્રી સર્વેક્ષણ અને સબમરીન વિરોધી યુદ્ધમાં ભારતીય નૌકાદળની તાકાતમાં તોતિંગ વધારો કરશે.
આ ત્રણેય લડાકુ જહાજોમાં 'INS દુનાગિરી' એક અત્યંત શક્તિશાળી સ્ટીલ્થ ફ્રિગેટ (દુશ્મનની રડારમાં ન આવે તેવું યુદ્ધજહાજ) છે, જે દુનિયાની સૌથી ઘાતક ગણાતી બ્રહ્મોસ સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલો અને મધ્યમ શ્રેણીની સપાટીથી હવામાં પ્રહાર કરતી આધુનિક મિસાઇલ સિસ્ટમથી સજ્જ છે. નૌકાદળના જણાવ્યા અનુસાર, આ જહાજ બહુ-પરિમાણીય ઓપરેશન્સ માટે ચોકસાઈ, તાકાત અને ચપળતા પ્રદાન કરશે. જ્યારે 'INS સંશોધક' એક વિશાળ સર્વેક્ષણ જહાજ છે, જે ઊંડા અને દરિયાકાંઠાના પાણીમાં હાઇડ્રોગ્રાફિક સર્વે કરવાની સાથે સ્વાયત્ત અને રીમોટ કંટ્રોલ્ડ અંડરવોટર વાહનોની મદદથી સૈન્ય અને નાગરિક હેતુઓ માટે સમુદ્રશાસ્ત્રીય ડેટા એકત્રિત કરશે. ત્રીજું જહાજ 'INS અગ્રે' અર્નાલા-ક્લાસનું એન્ટિ-સબમરીન વોરફેર ક્રાફ્ટ છે, જે સમુદ્રની અંદર છુપાયેલી દુશ્મન સબમરીનોને શોધીને હળવા વજનના ટોર્પિડો અને સ્વદેશી રોકેટ લોન્ચર વડે પાણીમાં જ નેસ્તનાબૂદ કરવા સક્ષમ છે.
આ ગૌરવશાળી અવસરે દેશને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, “આજે ભારત સંરક્ષણ ક્ષેત્રમાં ફક્ત ખરીદદાર બનીને રહેવા માંગતું નથી. આપણી લશ્કરી શક્તિ હવે વિશ્વના અન્ય દેશોના હથિયારો વેચવા માટેનું બજાર બની શકે નહીં.” પીએમ મોદીએ દેશના એન્જિનિયરો, વૈજ્ઞાનિકો અને કામદારોની પ્રશંસા કરતા ઉમેર્યું કે, આ ત્રણેય જહાજો ભારતની આત્મનિર્ભરતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતીક છે. તેમણે નૌકાદળની વ્યાપક સફરને સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત સાથે જોડતા કહ્યું કે, વિક્રાંતથી શરૂ થયેલી આ સફરને હવે અગ્રે, દુનાગિરી અને સંશોધક નવી ઊંચાઈઓ અને નવી પ્રેરણા આપી રહ્યા છે.
આ હાઇ-પ્રોફાઇલ કમિશનિંગ સમારોહ દરમિયાન પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આર.એન. રવિ, મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને ભારતીય નૌકાદળના વડા એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન સહિત અનેક દેશ-વિદેશના વીઆઇપી મહાનુભાવો અને સૈન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે પોતાનો પ્રભાવ વધારવા ઈચ્છતા કોઈપણ દેશ માટે મજબૂત દરિયાઈ ક્ષમતા અનિવાર્ય છે અને ભારત ભવિષ્યના આ વ્યૂહાત્મક પડકારો માટે પોતાને અત્યારથી જ સક્રિયપણે તૈયાર કરી રહ્યું છે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
