તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
અમેરિકામાં ઉબેર-લિફ્ટના ડ્રાઈવરો માટે ભારતીય મૂળના નેતાનો મોટો વિજય: જે.જે. સિંહનું 'રાઈડશેર ટ્રાન્સપરન્સી બિલ' હવે કાયદો બન્યું, વર્જિનિયાના ગવર્નરે આપી મંજૂરી!
ભાડાની વહેંચણીમાં પારદર્શિતા આવશે અને ખોટી રીતે એકાઉન્ટ ડિએક્ટિવેટ કરવા પર લાગશે બ્રેક: જે.જે. સિંહ અને કાનન શ્રીનિવાસનની જોડીએ વર્જિનિયા એસેમ્બલીમાં ગાજ્યું ભારતીય નામ

વર્જિનિયા, તા. 28: અમેરિકાના વર્જિનિયા રાજ્યમાં ઉબેર (Uber) અને લિફ્ટ (Lyft) જેવી રાઈડશેર કંપનીઓ માટે કામ કરતા હજારો ડ્રાઈવરો માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય મૂળના ડેલિગેટ જે.જે. સિંહ દ્વારા રજૂ કરવામાં આવેલું 'ટ્રાન્સપરન્સી બિલ' (પારદર્શિતા કાયદો) હવે વર્જિનિયાના ગવર્નર એબિગેલ સ્પેનબર્જર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા બાદ સત્તાવાર રીતે કાયદો બની ગયું છે. આ બિલનો ઉદ્દેશ્ય ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક કંપનીઓ (TNCs) ના વહીવટમાં વધુ સ્પષ્ટતા લાવવાનો છે.
ડ્રાઈવરોને મળશે હક અને હિસાબ
ડેલિગેટ જે.જે. સિંહે આ બિલ રજૂ કરતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી ઉબેર અને લિફ્ટ જેવી કંપનીઓ ભાડાના દર કેવી રીતે નક્કી કરે છે તે અંગે ડ્રાઈવરો અંધારામાં હતા. નવા કાયદા મુજબ, હવે કંપનીઓએ ડ્રાઈવરોને દૈનિક અને સાપ્તાહિક સારાંશ આપવો પડશે, જેમાં પેસેન્જર પાસેથી વસૂલવામાં આવેલું કુલ ભાડું અને તેમાંથી ડ્રાઈવરને મળેલી ટકાવારીનો સ્પષ્ટ ઉલ્લેખ હશે. આ ઉપરાંત, કંપનીઓએ હવે દર વર્ષે DMV (ડિપાર્ટમેન્ટ ઓફ મોટર વ્હીકલ્સ) ને ડેટા રિપોર્ટ સુપરત કરવો પડશે.
ખોટી રીતે એકાઉન્ટ બંધ નહીં કરી શકાય
આ કાયદાની સૌથી મહત્વની જોગવાઈ ડ્રાઈવરોના એકાઉન્ટ ડિએક્ટિવેશન (બંધ કરવા) અંગેની છે. અત્યાર સુધી ડ્રાઈવરો ઘણીવાર રાઈડ સ્વીકારવાની ના પાડે ત્યારે તેમના એકાઉન્ટ બંધ કરી દેવાતા હતા. હવે કંપનીઓએ ડિએક્ટિવેશનની પ્રક્રિયાને વધુ સ્પષ્ટ બનાવવી પડશે અને જો કોઈ ડ્રાઈવરનું એકાઉન્ટ અન્યાયી રીતે બંધ કરવામાં આવ્યું હોય, તો ડ્રાઈવર તેને પડકારી પણ શકશે.
બે ભારતીય નેતાઓનું સફળ જોડાણ
આ બિલને સફળ બનાવવામાં જે.જે. સિંહને અન્ય ભારતીય મૂળના સેનેટર કાનન શ્રીનિવાસનનો પૂરો સાથ મળ્યો હતો. બંને ગૃહોમાં આ બિલ સર્વસંમતિથી પસાર થયું હતું. જે.જે. સિંહે સોશિયલ મીડિયા પર આ જીત બદલ 'ન્યૂ વર્જિનિયા મેજોરિટી' અને 'ACE કોલેબોરેટિવ' જેવી સંસ્થાઓનો આભાર માન્યો હતો. આ જોડીએ અગાઉ હાઈ-વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઈનોને ભૂગર્ભમાં નાખવાના પ્રોજેક્ટ માટે પણ સાથે મળીને કામ કર્યું હતું.
વર્જિનિયાના ડ્રાઈવરોમાં ખુશીની લહેર
આ કાયદાથી વર્જિનિયાના હજારો ડ્રાઈવરોને આર્થિક સુરક્ષા અને આત્મસન્માન મળશે. જે.જે. સિંહે નોંધ્યું હતું કે પારદર્શિતાના અભાવે ડ્રાઈવરો ઘણીવાર રાઈડ લેવાનું ટાળતા હતા, જે અંતે મુસાફરો માટે પણ મુશ્કેલી ઉભી કરતું હતું. હવે આ નવા કાયદાથી ડ્રાઈવરો અને કંપનીઓ વચ્ચેનો વિશ્વાસ વધશે અને સિસ્ટમ વધુ મજબૂત બનશે.
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
